પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસમાં અંદરો અંદર ડખા, ખડગેએ કહ્યું-સહમત ન હોય તે નીકળી જાય

PC: twitter.com

પશ્ચિમ બંગાળના CM અને TMC સુપ્રીમો મમતા બેનર્જીનું નામ લીધા વિના કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ તેમના પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા. એક સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, તેમણે કહ્યું કે, તેઓ એવા કોઈના પક્ષમાં બોલી શકતા નથી જે રાજ્યમાં રાજકીય રીતે તેમને અને તેમની પાર્ટીને ખતમ કરવા માંગે છે. તેમની ટિપ્પણીઓ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનના કલાકો પછી આવી છે, જેમાં તેમણે કહ્યું હતું કે, શું અધીર રંજન ચૌધરી નક્કી કરશે કે, જો લોકસભા ચૂંટણી પછી INDIA બ્લોક સત્તામાં આવે તો CM મમતા બેનર્જી ગઠબંધનનો ભાગ બનશે કે નહીં.

જ્યારે મલ્લિકાર્જુન ખડગેના નિવેદન વિશે પૂછવામાં આવ્યું ત્યારે અધીર રંજન ચૌધરીએ કહ્યું, 'હું એવા વ્યક્તિના પક્ષમાં ન બોલી શકું જે મને અને અમારી પાર્ટીને બંગાળમાં રાજકીય રીતે ખતમ કરવા માંગે છે. આ લડાઈ કોંગ્રેસના દરેક કાર્યકરની છે. મેં તેમના વતી વાત કરી છે. ચૌધરીએ કહ્યું કે, CM મમતા બેનર્જી સામે તેમનો વિરોધ તેમના સિદ્ધાંતવાદી વલણથી ઉદ્ભવે છે અને વ્યક્તિગત હિત અથવા ગેરલાભથી નહીં. કોંગ્રેસ નેતાએ કહ્યું, 'મારે તેમની સામે કોઈ અંગત દ્વેષ નથી. પરંતુ હું તેમની રાજકીય નૈતિકતા પર સવાલ ઉઠાવું છું.' અહીં તમને જણાવી દઈએ કે, અધીર રંજન બંગાળની બહેરામપુર લોકસભા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર છે. તેઓ 2019માં અહીંથી જીત્યા હતા.

અહીં તમને જણાવી દઈએ કે, CM મમતા બેનર્જીએ થોડા દિવસો પહેલા એક જનસભાને સંબોધિત કરતા કહ્યું હતું કે, જો કેન્દ્રમાં INDIA બ્લોકની સરકાર બનશે તો તેઓ તેને બહારથી સમર્થન આપશે. તેમના નિવેદન પર ટિપ્પણી કરતા અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે, CM મમતા બેનર્જી પર વિશ્વાસ કરી શકાય નહીં. તે BJP સાથે જઈ શકે છે. જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પત્રકારોને કહ્યું, 'CM મમતા બેનર્જી INDIA મહાગઠબંધનની સાથે છે. તેણે હાલમાં જ કહ્યું છે કે, તે સરકારમાં જોડાશે. અધીર રંજન ચૌધરી કોઈ નિર્ણય લેશે નહીં. નિર્ણય હું અને હાઈકમાન્ડ લેશે, જેઓ સહમત નથી તેઓ બહાર નીકળી જશે.'

અધીર રંજન ચૌધરીએ એવો પણ આરોપ લગાવ્યો કે, CM મમતા બેનર્જીએ પુરુલિયા, બાંકુરા અને ઝારગ્રામમાં ડાબેરી પક્ષોને બદનામ કરવા માઓવાદીઓની મદદ લીધી અને પછી તેમને તેમના ભાગ્ય પર છોડી દીધા. ચૌધરીએ કહ્યું, 'હું નથી ઈચ્છતો કે બંગાળ કોંગ્રેસ યુનિટનો ઉપયોગ તેમના (મમતા બેનર્જીના) અંગત એજન્ડા માટે થાય અને પછી સંગઠનને ખતમ કરી દેવામાં આવે. જો ખડગેજી મારા વિચારો વિરુદ્ધ બોલશે, તો હું રાજ્યમાં પાયાના સ્તરે કોંગ્રેસીઓ માટે બોલતો રહીશ.' અહીં તમને જણાવી દઈએ કે, રાજ્યમાં TMC અને BJP એકલા હાથે લોકસભા ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે કોંગ્રેસ અને ડાબેરીઓ ગઠબંધન કરીને લડી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp