નાગાલેન્ડના 4 લાખથી વધુ લોકોએ મતદાન ન કર્યું, કારણ જાણી ચોંકી જશો

PC: drashtanews.com

લોકસભા ચૂંટણી 2024નો જંગ શરૂ થઈ ગયો છે. શુક્રવારે પ્રથમ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાન થયું હતું. આ તમામ બેઠકો પર મળીને લગભગ 60 ટકા મતદાન થયું હતું. જો કે, નાગાલેન્ડના છ પૂર્વીય જિલ્લાઓમાં, મતદાન કર્મચારીઓ લગભગ નવ કલાક સુધી બૂથ પર રાહ જોતા હતા, પરંતુ આ વિસ્તારોના ચાર લાખ મતદારોમાંથી એક પણ મતદારે મતદાન કર્યું ન હતું. હવે સવાલ એ થાય છે કે ચૂંટણીમાં એક પણ મતદારે પોતાનો મત કેમ ન આપ્યો.

નાગાલેન્ડની એકમાત્ર લોકસભા સીટ પર શુક્રવારે મતદાન થયું હતું. અહીં કુલ મતદાનની ટકાવારી માત્ર 57 ટકા રહી હતી. જ્યારે, ગત લોકસભા ચૂંટણીમાં લગભગ 83 ટકા મતદાન થયું હતું. એટલે કે મતદાનની ટકાવારીમાં કુલ 26 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. અહીં તમને જણાવી દઈએ કે,  નાગાલેન્ડના પૂર્વ ભાગમાં 6 જિલ્લા આવેલા છે જેમાં સોમ, તુએનસાંગ, લોંગલેંગ, કિફિરે, નોક્લાક અને શામતોરનો સમાવેશ થાય છે. તે દરેક મળીને લગભગ 4 લાખ મતદારો છે, પરંતુ તેમાંથી એકે પણ મતદાન કર્યું નથી.

ઈસ્ટર્ન નાગાલેન્ડ પીપલ્સ ઓર્ગેનાઈઝેશન (ENPO) અને ઘણા આદિવાસી સંગઠનોએ ચૂંટણીના બહિષ્કાર અને બંધનું આહ્વાન કર્યું હતું, જેનું અહીંના લોકોએ પાલન કર્યું છે. સંગઠને એવી પણ ચેતવણી આપી છે કે, જો કોઈ વ્યક્તિ મતદાન કરવા જાય અને કાયદો અને વ્યવસ્થાની કોઈ સ્થિતિ સર્જાય તો તેની જવાબદારી સંબંધિત મતદારોની રહેશે. આ કારણોસર ચાર લાખમાંથી એક પણ મતદાર મતદાન કરવા ઘરની બહાર નીકળ્યો ન હતો.

ઈસ્ટર્ન નાગાલેન્ડ પીપલ્સ ઓર્ગેનાઈઝેશન (ENPO)એ ઈસ્ટર્ન નાગાલેન્ડમાં આદિવાસીઓનું સૌથી મોટું સંગઠન છે. ENPO પૂર્વીય નાગાલેન્ડને નાગાલેન્ડથી અલગ કરવા અને અલગ રાજ્ય- ફ્રન્ટિયર નાગાલેન્ડ પ્રદેશની માંગ કરી રહ્યું છે. ENPO 2010થી અલગ રાજ્યની માંગ કરી રહ્યું છે. તે દાવો કરે છે કે, નાગાલેન્ડના પૂર્વ ભાગમાં સોમ, તુએનસાંગ, લોંગલેંગ, કિફિરે, નોક્લાક અને શામતોર જેવા છ જિલ્લાઓ ઘણા વર્ષોથી આર્થિક અને સામાજિક રીતે ઉપેક્ષિત છે.

જો કે, CM નેફિયુ રિયોએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે પહેલેથી જ એક સ્વાયત્ત સંસ્થાની ભલામણ કરી છે, જેથી આ પ્રદેશને બાકીના રાજ્યની સમકક્ષ પર્યાપ્ત આર્થિક પેકેજ મળી શકે. જ્યારે સ્વાયત્ત સંસ્થા બનાવવામાં આવે ત્યારે ચૂંટાયેલા સભ્યો સાથે યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ. રાજ્ય સરકારને તેની સાથે કોઈ લેવાદેવા નથી. ધારાસભ્યો અને ENPOએ ફોર્મ્યુલા પર કામ કરવા માટે ટેબલ પર બેસવું જોઈએ. આ પછી જ આપણે વાત કરી શકીશું.

નાગાલેન્ડના મુખ્ય ચૂંટણી અધિકારી વાયસન Rએ ચૂંટણી દરમિયાન અનુચિત પ્રભાવ પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો એ જોઈને ENPOને કારણ બતાવો નોટિસ પાઠવી છે. તેમણે IPCની કલમ 171Cની પેટા-કલમ (1) હેઠળ જણાવ્યું હતું કે, જે કોઈ પણ ચૂંટણી અધિકારના મુક્ત ઉપયોગમાં સ્વેચ્છાએ દખલ કરે છે અથવા દખલ કરવાનો પ્રયાસ કરે છે, તે ચૂંટણીને પ્રભાવિત કરવાનો ગુનો કરે છે. નોટિસનો જવાબ આપતાં, ENPOએ સ્પષ્ટ કર્યું કે, તેમણે ચૂંટણી પંચને લોકસભા ચૂંટણી 2024માં ભાગ લેવાથી દૂર રહેવાના તેના ઇરાદા વિશે પહેલેથી જ જાણ કરી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp