વડોદરામાં પોસ્ટર કોણે લગાવ્યા, પોલીસ સ્ટેશને રાત્રે દોડ્યા કોંગ્રેસી કાર્યકરો

PC: gujarati.abplive.com

વડોદરા લોકસભા સીટ પર BJPના ઉમેદવાર તરીકે રંજનબેન ભટ્ટનું નામ ત્રીજી વખત જાહેર કરાયું છે. જેથી વડોદરાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. મોડી રાત્રે હરણી રોડ સંગમ ચાર રસ્તા વિસ્તારની સોસાયટીઓમાં રંજનબેન ભટ્ટ વિરૂદ્ધ બેનરો લાગ્યા હતા, જે હાલમાં ચર્ચાનો વિષય છે. પોલીસે CCTV ફૂટેજના આધારે બેનરો લગાવનાર કોંગ્રેસી કાર્યકર્તાની ધરપકડ કરીને પૂછપરછ માટે લઇ ગઇ હતી.

ત્યારબાદ પરિવારજનો અને કોંગ્રેસી કાર્યકરોના ટોળા પોલીસ સ્ટેશને ઉમટી પડ્યા હતા. જો કે, ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવારની વિરૂદ્ધ બેનરો કોના ઇશારે લગાવવામાં આવ્યા? તે રહસ્ય અકબંધ છે. CCTV ફૂટેજના આધારે ધરપકડ કરીને  વડોદરાના હરણી રોડ ઉપર આવેલી વિવિધ સોસાયટીઓમાં BJPના ઉમેદવાર રંજનબેન ભટ્ટ વિરૂદ્ધ બેનરો લગાવનાર કોંગ્રેસી કાર્યકર્તા હરીશ ઉર્ફ હેરી ઓડને પૂછપરછ માટે વારસીયા પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવ્યા હતા.

જ્યાં DCP પન્ના મોમાયા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓએ હેરીની પૂછપરછ કરી હતી. હેરીને બપોરે પોલીસ સ્ટેશન લઇ ગયા બાદ મોડી રાત સુધી ન છોડવામાં આવતા વિપક્ષી નેતા અમીબહેન રાવત, ગુણવંત પરમાર, શહેર યુથ કોંગ્રેસના ઇન્ચાર્જ પ્રમુખ પવન ગુપ્તા, કુલદીપસિંહ વાઘેલા સહિત અગ્રણીઓ તેમજ હેરીના પરિવારજનો પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયા હતા અને સબંધિત અધિકારીઓ સાથે વાતચીત કરી હતી.

કોંગ્રેસી અગ્રણીઓ અને પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસ જિંદાબાદના નારા પણ લગાવ્યા હતા. બપોર પછી વારસીયા પોલીસ સ્ટેશન મીડિયા, કોંગ્રેસ કાર્યકરો અને બેનર લગાવનાર હેરીના પરિવારજનોથી ભરાયેલું રહ્યું. જો કે, મોડી રાત સુધી હેરી સામે કોઇ પણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નહોતી. માત્રને માત્ર બેનરો લગાવવા અને અન્ય કેટલીક વિગતો બાબતે જ પૂછપરછ કરવામાં આવી હતી.

DCP પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે, હરણી રોડ ઉપર સંગમ ચાર રસ્તા પાસે લગાવવામાં આવેલા બેનરો બાબતે પૂછપરછ માટે લાવવામાં આવ્યા હતા. તેણે અન્ય બે કોંગ્રેસી કાર્યકર્તા ધ્રુવિત વસાવા સાથે મળીને બેનરો લગાવ્યા હોવાની વાત સ્વીકારી છે, પરંતુ કોના ઇશારે બેનરો લગાવ્યા છે તે બાબતે કોઇ કોઇ જાણકારી આપી નથી. આ મામલો ચૂંટણી પંચનો છે. ચૂંટણી પંચ જે રીતે સુચના આપશે તે રીતે કાર્યવાહી કરવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું કે, અમારું કામ ચૂંટણી આચારસંહિતાના ભંગ બદલ બેનર લગાવનારની પકડવાનો હતો. અમે તે કામગીરી પૂર્ણ કરી છે. જો કે, સવાલ એ થાય છે કે, ઉચ્ચ પોલીસ અધિકારીઓએ હેરીની આખો દિવસ પૂછપરછ કરી, છતા પોલીસ હેરી પાસેથી તેમણે કોના ઇશારે બેનરો લગાવ્યા તે માહિતી કઢાવી ન શકી એ વાત કોઇને ગળે ઉતરી રહી નથી. જો કે, મોડી રાત્રે પોલીસ સ્ટેશન આવી પહોંચેલા વિપક્ષી નેતા અમીબેન રાવતે જણાવ્યું હતું કે, હેરી ઓડે બેનરો લગાવ્યાની વાત સ્વીકારી છે. કોઇ રાજકીય પક્ષ કે વ્યક્તિ સામે વિરોધ કરવો કોઇ ગુનો નથી, પરંતુ અત્યારે લોકસભાની ચૂંટણીની આચારસંહિતા હોવાથી નિયમ મુજબ કોઇ પ્રકારના રાજકીય બેનર લગાવવા માટે પરવાનગી લેવી જરૂરી હોય છે.

તેમણે કહ્યું કે, હેરીએ પરવાનગી લીધી નથી. જેથી ચૂંટણી પંચ તેની સામે કાર્યવાહી કરી શકે છે. પોલીસ દ્વારા તેની સામે કાયદાકીય કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. જો કે, વડોદરા લોકસભા બેઠક ઉપર BJPના ઉમેદવાર તરીકે રંજનબેન ભટ્ટનું જ્યારથી નામ જાહેર કરાયું છે, ત્યારથી BJPમાં તેમની સામે વિરોધના સૂર રેલાઇ રહ્યા છે. પોતે BJPના જ એક વખતના રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ ડૉ. જ્યોતિબેન પંડ્યાએ તેમનો વિરોધ જાહેરમાં કર્યો છે. તો સ્વાભાવિક રીતે BJPના જ કોઇ મોટા હસ્તીઓ BJPના ઉમેદવાર સામે ચાલી રહેલા વિરોધનો લાભ લઇ કોંગ્રેસી કાર્યકરોને હાથો બનાવી પોતાનું કામ પાર પાડ્યું હોઇ શકે છે.

અમીબહેન રાવતે આગળ જણાવ્યું કે, હાલ આ સમગ્ર મામલો ચૂંટણી પંચના હાથમાં છે. મોડી રાત સુધી હેરી ઓડને મુક્ત કરી દેવામાં આવશે. વડોદરા બેઠકના BJPના ઉમેદવાર અને સાંસદ રંજનબેન ભટ્ટે જણાવ્યું હતું કે, જે રીતે વડોદરાને બદનામ કરવાનું કામ ચાલી રહ્યું છે. વડોદરા શહેરના BJPના કાર્યકરો ખૂબ શાંત બેઠા હતા અને સહનશક્તિની એક મર્યાદા હોય, પરંતુ મોડી રાત્રે જે રીતે આ પોસ્ટર લગાવવામાં આવ્યા અને સવારે જ્યારે ખબર પડી અને પોલીસ કમિશનરને જ્યારે ફરિયાદ કરવામાં આવી, ત્યારે હું મુખ્યમંત્રી અને ગૃહ મંત્રીનો ખૂબ ખૂબ આભાર માનુ છું કે, જે રીતે તરત જ સૂચના આપીને આ પોસ્ટર લગાવનાર વ્યક્તિને થોડા જ કલાકમાં પકડી લેવામાં આવ્યો.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તેને પકડ્યા પછી એ કોણ છે એ પણ ખબર પડી ગઇ. કોંગ્રેસના જે કાર્યકરોએ આ કર્યું છે, તેનાથી તેમની માનસિકતા બહાર આવી છે અને આગળની પૂછપરછ ચાલુ છે. જે કોઇ લોકો તેમાં સામેલ હશે, એ લોકોની પર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે. તમને લાગે છે કે, આ મ્હોરું છે, પડદા પાછળના ખેલાડી અલગ છે? આ સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, તેની પૂછપરછ કરીને જે કોઇ હશે એ બહાર આવશે.

હું વધારે સક્ષમ છું અને હજી વધારે સક્ષમતાથી બેન ઉભા રહી શકે છે કે કેમ, એ પરીક્ષા હશે. BJPની કાર્યકર્તા છું અને 30 વર્ષથી રાજનીતિક જીવનમાં છું. જીવનમાં અનેક ઉતાર ચઢાવ આવ્યા, પરંતુ મન ડગવાનું કામ કર્યું નથી. અવધૂત મારા ગુરુ છે. મા મોગલના મને આશિર્વાદ છે, મા મેલડીના આશિર્વાદ છે. દરેક સંતોના આશિર્વાદ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp