રાહુલ કેમ્બ્રિજ યુનિ.માંથી M.Phil છે, ગયા વર્ષે આટલી કમાણી કરી, જાણી લો સંપત્તિ

PC: ndtv.in

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે ઉત્તર પ્રદેશની રાયબરેલી લોકસભા સીટ પરથી ઉમેદવારી નોંધાવી છે. દરમિયાન, ચૂંટણી પંચને આપેલા સોગંદનામામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમની 20 કરોડ રૂપિયાથી વધુની ચલ અને અચલ સંપત્તિની માહિતી આપી છે, જેમાં 4.2 લાખ રૂપિયાનું સોનું પણ સામેલ છે. તેમણે એ પણ જણાવ્યું કે, કરોડો રૂપિયાના માલિક હોવા છતાં તેની પાસે ન તો કાર છે કે ન તો પોતાનું ઘર.

ચૂંટણી પંચને આપવામાં આવેલી માહિતી અનુસાર, રાહુલ ગાંધીએ 9 કરોડ 24 લાખ 59 હજાર 264 રૂપિયાની જંગમ સંપત્તિ જાહેર કરી છે. જેમાં 4 કરોડ 33 લાખ 60 હજાર 519 રૂપિયાના શેર, 3 કરોડ 81 લાખ 33 હજાર 572 રૂપિયાના મ્યુચ્યુઅલ ફંડ, 26 લાખ 25 હજાર 157 રૂપિયાના બેંક બેલેન્સ અને 15 લાખ 21 હજાર 740 રૂપિયાના ગોલ્ડ બોન્ડનો સમાવેશ થાય છે.

આ સિવાય કોંગ્રેસ નેતાએ એ પણ માહિતી આપી છે કે, તેમની પાસે 11 કરોડ 15 લાખ 2 હજાર 598 રૂપિયાની સ્થાવર મિલકત છે. જેમાંથી તેણે પોતે 9 કરોડ 4 લાખ 89 હજાર રૂપિયાની મિલકત ખરીદી છે, જ્યારે 2 કરોડ 10 લાખ 13 હજાર 598 રૂપિયાની વારસાગત મિલકતનો પણ સમાવેશ થાય છે.

કોંગ્રેસ નેતાએ માહિતી આપી છે કે, તેમની પાસે 55 હજાર રૂપિયા રોકડા છે. આ સિવાય તેની પાસે કુલ 333.3 ગ્રામ સોનું અને જ્વેલરી છે. તેમાં સોનાની માત્રા 168.8 ગ્રામ છે. જેની કિંમત 4 લાખ 20 હજાર 850 રૂપિયા છે.

રાહુલે જણાવ્યું છે કે, તેમની પાસે કોઈ કાર કે અન્ય કોઈ પ્રકારનું વાહન નથી અને કોઈ ઘર નથી, પરંતુ તેમની પાસે 49 લાખ 79 હજાર 184 રૂપિયાની લોન છે.

સ્થાવર મિલકત તરીકે, તેમની પાસે સુલતાનપુર ગામ, મહેરૌલી, દિલ્હીમાં લગભગ 3.778 એકર ખેતીની જમીન છે, જે તેમની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રાની સંયુક્ત મિલકત છે. આ સિવાય ગુરુગ્રામમાં સિગ્નેચર ટાવર્સમાં 5,838 ચોરસ ફૂટ કોમર્શિયલ એપાર્ટમેન્ટ્સ (ઓફિસ સ્પેસ) છે. જેની વર્તમાન કિંમત 9.05 કરોડ રૂપિયાની આસપાસ છે.

રાહુલે જણાવ્યું કે, તેમની આવકનો સ્ત્રોત MP તરીકેનો પગાર, રોયલ્ટી, ભાડું, બોન્ડનું વ્યાજ અને મ્યુચ્યુઅલ ફંડમાંથી મળનારો નફો છે.

રાહુલ ગાંધીએ નાણાકીય વર્ષ 2022-23 અને 2021-22માં તેમની કુલ કમાણીનો પણ ખુલાસો કર્યો છે. 2022-23માં તેમની કુલ આવક 1 કરોડ 2 લાખ 78 હજાર 680 રૂપિયા જાહેર કરવામાં આવી છે, જ્યારે 2021-22માં તેમની આવક 1 કરોડ 31 લાખ 4 હજાર 970 રૂપિયા હતી.

એફિડેવિટ મુજબ, રાહુલ ગાંધીએ કેમ્બ્રિજ યુનિવર્સિટીની ટ્રિનિટી કોલેજમાંથી MPhilની ડિગ્રી મેળવી છે. આ સિવાય તેણે રોલિન્સ કોલેજ ફ્લોરિડામાંથી આર્ટ્સમાં ગ્રેજ્યુએશન ડિગ્રી કરી છે. રાહુલ ગાંધી વિરૂદ્ધ દેશના અનેક રાજ્યોમાં 18 કેસ નોંધાયેલા છે. કોંગ્રેસ નેતાએ સોગંદનામામાં તેમની સામે અન્ય કોઈ ફોજદારી કેસનો ઉલ્લેખ કર્યો નથી.

તેણે કહ્યું કે, તેને માર્ચ 2023માં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે IPCની કલમ 499 અને 500 હેઠળના કેસમાં કહેવાતા મોદી સમુદાય વિરુદ્ધ કરવામાં આવેલા કથિત બદનક્ષીભર્યા નિવેદનો માટે દોષિત ઠેરવ્યો હતો. જેમાં કોર્ટે તેને બે વર્ષની સજા ફટકારી છે. સુપ્રીમ કોર્ટે 4 ઓગસ્ટે આ સજા પર રોક લગાવી હતી. આ મામલે તેમણે ગુજરાતના સુરતના જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં અપીલ દાખલ કરી છે અને આ બાબત કોર્ટ સમક્ષ પેન્ડિંગ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp