ટિકિટ મળી છતા રંજન ભટ્ટ અને ભિખાજી ઠાકોરે લોકસભાની ચૂંટણી લડવાનો કર્યો ઇનકાર

PC: indianexpress.com

વડોદરા લોકસભા સીટના ઉમેદવાર રંજનબેન ભટ્ટે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વીટર) પર એક પોસ્ટ કરીને આ જાહેરાત કરી છે. તેમણે પોતાના X હેન્ડલ પર જણાવ્યું છે કે, હું રંજનબેન ધનંજય ભટ્ટ મારા અંગત કારણોસર લોકસભા 2024ની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવુ છું. તો બીજી તરફ ભીખાજી ઠાકોરે પોતાના ફેસબુક એકાઉન્ટમાં પોસ્ટ કરીને જણાવ્યું કે, હું ભીખાજી ઠાકોર વ્યક્તિગત કારણોસર સાબરકાંઠા લોકસભા 2024ની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવું છું.

રંજબેન ભટ્ટ દ્વારા ઉમેદવારી પાછી ખેંચવા પાછળ જ્યોતિબેન પંડ્યા અને કેતન ઇનામદારનું પ્રેશર કામ કરી ગયું હોવાની ચર્ચા થઇ રહી છે. વડોદરા લોકસભા સીટ પર BJP ના ઉમેદવાર તરીકે ત્રીજી વાર રંજનબેન ભટ્ટનું નામ જાહેર કરાયું હતું. જ્યારથી તેમનું નામ જાહેર કરાયું છે, ત્યારથી વડોદરા જિલ્લાના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો હતો. ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર સામે BJPના જ રાષ્ટ્રીય મહિલા મોરચાના પૂર્વ ઉપાધ્યક્ષ ડૉ. જ્યોતિબેન પંડ્યાએ ભ્રષ્ટાચારના આરોપો લગાવીને રંજનબેન ભટ્ટને રીપિટ કરવા પર નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારબાદ વડોદરા લોકસભા સીટ ચર્ચાની કેન્દ્ર બની હતી. 3 દિવસ અગાઉ વડોદરાના હરણી રોડ સંગમ ચાર રસ્તા પાસે આવેલી વિવિધ સોસાયટીઓમાં વડોદરા લોકસભા બેઠકના BJPના ઉમેદવાર રંજનબેન ભટ્ટ વિરુદ્ધ બેનરો લાગ્યા હતા.

જોકે, પોલીસ દ્વારા થોડાના કલાકોમાં જ બેનરો લગાવનાર કોંગ્રેસી કાર્યકરો હરીશ ઉર્ફ હરી ઓડ, ધ્રુવિત વસાવા સહિત 3 લોકોની ચૂંટણી આચારસંહિતાના ભંગ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી અને તેમની પૂછપરછ કરી હતી. વારસિયા પોલીસ સંગમ ચાર રસ્તા વિસ્તારમાં બેનરો લગાવનાર હેરી ઓડની પૂછપરછ કરી રહી હતી. તે જ સમયે શહેરના વડસર ખિસકોલી સર્કલ પાસે મુખ્યમંત્રી અને શહેર પ્રમુખે વડોદરાનો વિકાસ કર્યો નથી, તેવા બેનરો લાગતા તંત્રમાં અફરાતફરી મચી ગઈ હતી. દિવસ દરમિયાન શહેરના રાજકારણમાં પોસ્ટર પ્રકરણ ચર્ચાનો વિષય રહ્યું હતું.

BJP દ્વારા વડોદરા લોકસભા સીટ પર સાંસદ રંજનબેન ભટ્ટને ત્રીજી વખત રીપિટ કરાતા શહેર BJP ના કેટલાક હોદ્દેદારોએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. વડોદરા લોકસભા સીટ માટે મુખ્ય દાવેદાર ગણાતા પૂર્વ મેયર ડૉ. જ્યોતિબેન પંડ્યાએ ટિકિટ ન મળતા જાહેરમાં પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. એ સિવાય તેમણે સાંસદ રંજનબેન ભટ્ટ પર ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા હતા. જો કે ડૉ.જ્યોતિબેન પંડ્યાને તાત્કાલિક BJPમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં હતા, પરંતુ તેમને સસ્પેન્ડ કરી દેવાથી BJPમાં નારાજગી ઓછી થઈ નહોતી.

ઘણા હોદ્દેદારો દ્વારા પણ નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. કેટલાક હોદ્દેદારોએ પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષાના હોદ્દેદારોને ટેલિફોનિક નારાજગી વ્યક્ત કરીહતી. પરિણામે, મોવડીમંડળને પણ વડોદરા લોકસભા બેઠક પર ઉમેદવાર બદલવા વિચારતા કરી મૂક્યું હતું. મીડિયો રિપોર્ટ મુજબ, વડોદરા લોકસભાની સીટ પર રંજનબેન ભટ્ટને રીપિટ કરાતા BJPમાં ભારે આંતરિક રોષ જોવા મળી રહ્યો હતો. BJPમાં જ વડોદરા બેઠકના ઉમેદવારની બદલી કરવામાં આવે એવી ચર્ચાઓ શરૂ થઈ હતી. જે હવે સાચી પડી છે.

સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદમાં એવા રાજકીય ડ્રામા સર્જાયા કે આખો દિવસ વડોદરા રાજકારણનું એપી સેન્ટર બન્યું. સાંજે સી.આર. પાટીલ સાથે બેઠક યા બાદ કેતન ઇનામદારના સૂર બદલાયા હતા અને તેમણે કહ્યું હતું કે, ચૂંટણી નહીં લડું, મને સંતોષ છે, હું રાજીનામું પાછું ખેંચું છું. આમ કેતન ઇનામદારે વિધાનસભા અધ્યક્ષને ઇ-મેઇલના માધ્યમથી ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને પ્રેશર પોલિટિક્સ કરવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp