ચૂંટણી કમિશનરની નિયુક્તિ પર રોક લગાવવાનો કોર્ટનો ઈનકાર,કહ્યુ-અવ્યવસ્થા ફેલાઈ જશે

PC: twitter.com

ચૂંટણી પહેલા સુપ્રીમ કોર્ટે એક આદેશમાં ચૂંટણી કમિશનરોની નિયુક્તિના કાયદા પર રોક લગાવવાનો ઈનકાર કરી દીધો છે. કોર્ટનું કહેવું છે કે આ સ્તર આવું કરવું અરાજકતા ઉભી કરવા જેવું હશે. કોર્ટે એવું પણ કહ્યું કે, નવનિયુક્ત ચૂંટણી કમિશનર વિરુદ્ધ કોઈ આરોપ નથી. તેમને નવા કાયદા અંતર્ગત સિલેક્શન પેનલમાં બદલાવ કર્યા બાદ ચૂંટવામાં આવ્યા હતા.

કોર્ટે કહ્યું કે, એવું ન માની શકાય કે કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલો કાયદો ખોટો છે. જે લોકોને નિયુક્ત કરવામાં આવ્યા છે, તેમની સામે કોઈ આરોપો નથી. ચૂંટણી નજીક છે, સુવિધાનું સંતુલન ખૂબ જરૂરી છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે, અમે આ મામલે દખલ નહીં આપીએ, કારણ કે આનાથી અવ્યવસ્થા ફેલાઈ જશે.

જરૂરી નથી કે ચૂંટણી પંચ ત્યારે જ સ્વતંત્ર હોય જ્યારે પેનલમાં જજ હોય: સરકાર

કેન્દ્ર સરકારે બુધવારે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) અને અન્ય ચૂંટણી કમિશનરો (EC)ની નિમણૂક કરવાના નવા કાયદા અંગે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી છે. કેન્દ્ર સરકારે કહ્યું, આ દલીલ ખોટી છે કે, જ્યારે જજને પસંદગી પેનલમાં સામેલ કરવામાં આવશે ત્યારે જ ચૂંટણી પંચને સ્વતંત્રતા મળશે. ચૂંટણી પંચ એક સ્વતંત્ર સંસ્થા છે. આ અરજીનો હેતુ માત્ર રાજકીય વિવાદ ઉભો કરવાનો છે. સુપ્રીમ કોર્ટ નવા કાયદાને પડકારતી અરજી પર સુનાવણી કરી રહી છે. આ અરજી કોંગ્રેસ કાર્યકર જયા ઠાકુરે દાખલ કરી છે. 12 જાન્યુઆરીએ આ અરજી પર સુનાવણી કરતી વખતે બેન્ચે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો હતો.

2 માર્ચ 2023ના રોજ સુપ્રીમ કોર્ટે મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરની નિમણૂક પર ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. કોર્ટે આદેશ આપ્યો કે, એક પેનલ ચૂંટણી કમિશનરની નિમણૂક કરશે. જેમાં PM, લોકસભામાં વિપક્ષના નેતા અને CJI સામેલ થશે. અગાઉ માત્ર કેન્દ્ર સરકાર જ તેમને પસંદ કરતી હતી.

5 સભ્યોની બેન્ચે કહ્યું કે, આ સમિતિ રાષ્ટ્રપતિને નામોની ભલામણ કરશે. આ પછી રાષ્ટ્રપતિ તેની મંજૂરીની મહોર લગાવશે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કહ્યું હતું કે, જ્યાં સુધી સંસદ ચૂંટણી કમિશનરોની નિમણૂક અંગે કાયદો નહીં બનાવે ત્યાં સુધી આ પ્રક્રિયા અમલમાં રહેશે.

સુપ્રીમ કોર્ટના નિર્ણયની વિરુદ્ધ, કેન્દ્ર સરકાર ગયા વર્ષે ચોમાસા સત્રમાં મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) અને અન્ય ચૂંટણી કમિશનરો (EC)ની નિમણૂક, સેવા, શરતો અને કાર્યકાળ સંબંધિત બિલ, 2023 લાવી હતી. આ બિલ હેઠળ ચૂંટણી કમિશનરની નિમણૂક ત્રણ સભ્યોની પેનલ દ્વારા કરવામાં આવશે. તેમાં PM, લોકસભામાં વિપક્ષના નેતા અને કેબિનેટ મંત્રી સામેલ હશે. CJIને પેનલની બહાર રાખવામાં આવ્યા હતા. ડિસેમ્બરમાં શિયાળુ સત્ર દરમિયાન બંને ગૃહોમાં બિલ પસાર કરવામાં આવ્યું હતું.

વિરોધ પક્ષોએ કહ્યું કે, સરકાર બંધારણીય બેંચના આદેશ વિરુદ્ધ બિલ લાવીને સુપ્રીમ કોર્ટને નબળી બનાવી રહી છે. અગાઉ, સુપ્રીમ કોર્ટે માર્ચ 2023 માં એક આદેશમાં કહ્યું હતું કે, CECની નિમણૂક PM, ભારતના મુખ્ય ન્યાયાધીશ અને વિપક્ષના નેતાની સલાહ પર રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે.

જયા ઠાકુરે તેમની અરજીમાં આરોપ લગાવ્યો છે કે, કલમ 7 અને 8 મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીના સિદ્ધાંતનું ઉલ્લંઘન છે, કારણ કે તે ચૂંટણી પંચના સભ્યોની નિમણૂક માટે સ્વતંત્ર મિકેનિઝમની જોગવાઈ કરતી નથી.

અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, આ કાયદો સુપ્રીમ કોર્ટના માર્ચ 2023ના નિર્ણયને પલટાવી નાખવા માટે બનાવવામાં આવ્યો હતો, જેણે એકતરફી રીતે CEC અને ECની નિમણૂક કરવાની કેન્દ્ર સરકારની સત્તા છીનવી લીધી હતી. આ એક પ્રથા છે, જે દેશની આઝાદીથી ચાલી આવે છે.

ચૂંટણી કમિશનરની સંખ્યાને લઈને બંધારણમાં કોઈ સંખ્યા નક્કી કરવામાં આવી નથી. બંધારણની કલમ 324 (2) જણાવે છે કે, ચૂંટણી પંચમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોનો સમાવેશ થઈ શકે છે. તે રાષ્ટ્રપતિ પર નિર્ભર કરે છે કે તેમની સંખ્યા કેટલી હશે. આઝાદી પછી દેશના ચૂંટણી પંચમાં ફક્ત મુખ્ય ચૂંટણી કમિશનર જ હતા.

16 ઓક્ટોબર 1989ના રોજ, PM રાજીવ ગાંધીની સરકારે વધુ બે ચૂંટણી કમિશનરની નિમણૂક કરી. આનાથી ચૂંટણી પંચ બહુ-સભ્ય સંસ્થા બની ગયું. આ નિમણૂંકો 9મી સામાન્ય ચૂંટણી પહેલા કરવામાં આવી હતી. તે સમયે એવું કહેવામાં આવ્યું હતું કે, મુખ્ય ચૂંટણી કમિશનર RVS પેરી શાસ્ત્રીને બદનામ કરવા માટે આવું કરવામાં આવ્યું હતું.

2 જાન્યુઆરી, 1990ના રોજ, VP સિંહ સરકારે નિયમોમાં સુધારો કર્યો અને ચૂંટણી પંચને ફરીથી એક સભ્યની સંસ્થા બનાવી. 1 ઓક્ટોબર, 1993ના રોજ, PV નરસિમ્હા રાવ સરકારે ફરી એક વટહુકમ દ્વારા વધુ બે ચૂંટણી કમિશનરની નિમણૂકને મંજૂરી આપી. ત્યારથી ચૂંટણી પંચમાં મુખ્ય ચૂંટણી કમિશનરની સાથે બે ચૂંટણી કમિશનરોનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp