રાજકારણના ચાણક્ય શરદ પવારે એવી ચાલ ચાલી કે ભાજપ અને અજિત પવારની બોલતી બંધ થઇ ગઇ

PC: twitter.com/PawarSpeaks

રાજકારણના ચાણક્ય ગણાતા શરદ પવારના હાથમાંથી ભલે પાર્ટી નિકળી ગઇ, પરંતુ હજુ પણ દાવ પેચ લડવામાં તેઓ માહિર છે. મહારાષ્ટ્રની એક સીટ પર શરદ પવારે એવી ચાલ ચાલી છે કે ભાજપ ખરાબ રીતે ફસાઇ ગઇ છે અને અજિત પવારની બોલતી બંધ થઇ ગઇ છે.

ભાજપે 2024ની લોકસભા ચૂંટણીમાં 370 સીટો મેળવવાનું લક્ષ્ય રાખ્યું છે. ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં પણ પાર્ટી ખૂબ જ મજબૂત દેખાઈ રહી છે. પરંતુ, દક્ષિણ ભારતની સાથે, મહારાષ્ટ્ર એક એવું રાજ્ય છે જ્યાં પાર્ટીને કેટલાક પડકારનો સામનો કરવો પડે તેવી શક્યતા છે.

એટલું જ નહીં, શરદ પવાર આ રાજ્યમાં વર્તમાન ભારતીય રાજકારણના સૌથી ધૂરંધર ખેલાડીઓમાંથી એક છે. તેઓ 83 વર્ષના છે. તેમના ભત્રીજાએ તેમની પાસેથી તેમનો પક્ષ છીનવી લીધો છે. છતાં, તેઓ ચેસ માસ્ટરની જેમ તેમના વિસ્તારમાં પ્યાદા ગોઠવવામાં વ્યસ્ત છે. એવામાં કેટલીક એવી લોકસભા સીટ છે જ્યાં શરદ પવારની રાજકીય ચાલને કારણે ભાજપના ઉમેદવારો મુશ્કેલીમાં પડતા જોવા મળી રહ્યા છે.

શરદ પવારનું કર્મભૂમિ બારામતી રહી છે. તેમની પુત્રી સુપ્રિયા સુલે અહીંથી સાંસદ છે. ભત્રીજા અજિત પવારના બળવા પછી તે શરદ પવારનો વારસો સંભાળી રહી છે. તેમને મરાઠા છત્રપ કહેવામાં આવે છે. સમગ્ર મરાઠાવાડામાં તેમનો સારો પ્રભાવ છે. આવા સંજોગોમાં બીજી સીટ બીડને લઈને તેમણે એવી ચાલ ચાલી છે કે બીજેપી ઉમેદવાર પંકજા મુંડે મુશ્કેલીમાં મુકાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે.

NCPના ભંગાણ પહેલા, એક તરફ, દિવગંત ગોપીનાથ મુંડેની પુત્રીઓ પંકજા અને પ્રિતમ મુંડે, બીડમાં તેમનો રાજકીય વારસો સંભાળી રહ્યા હતા, જ્યારે બીજી બાજુ, ગોપીનાથ મુંડેના ભત્રીજા ધનંજય મુંડે NCP વતી પ્રભારીનું નેતૃત્વ કરી રહ્યા હતા.

2019ની લોકસભા ચૂંટણીમાં, પ્રીતમ મુંડે બીડથી સાંસદ બન્યા, જ્યારે પંકજા મુંડે 2019ની વિધાનસભા ચૂંટણીમાં અહીંની એક વિધાનસભા બેઠક પરથી હારી ગયા. એ હાર પણ રસપ્રદ હતી. તેમને તેમના પિતરાઈ ભાઈ ધનંજય મુંડેએ હાર આપી હતી. હવે ધનંજય મુંડે રાજ્ય સરકારમાં મંત્રી છે.

પરંતુ, હવે મહારાષ્ટ્રનું રાજકારણ બદલાઇ ગયું છે. ધનંજય મુંડે અજિત પવારના NCPમાં આવી ગયા છે. એટલે કે આ ચૂંટણીમાં ભાઈ-બહેન પંકજા અને ધનંજય એક જ છાવણીમાં છે. આ સીટ ગઠબંધન હેઠળ ભાજપ પાસે છે. હવે ધનંજય બીજી છાવણીમાં ગયા પછી, શરદ પવાર જૂથ આ બેઠક પરથી મજબૂત ઉમેદવારની શોધમાં હતો. હવે લાગે છે કે શરદ પવારે આ શોધ પૂરી કરી છે. જો શરદ પવાર આ ઉમેદવારને ટિકિટ આપશે તો બીડની ચૂંટણી ખરેખર રસપ્રદ બની જશે.

શરદ પવાર આ બેઠક પરથી પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ વિનાયક મેટેની પત્ની જ્યોતિ મેટેને ટિકિટ આપી શકે છે. વિનાયક મેટેનું તાજેતરમાં રાજ્યમાં મરાઠા આરક્ષણની ચાલી રહેલી માંગ દરમિયાન અકસ્માતમાં મૃત્યુ થયું હતું. પતિના અવસાન બાદ પત્ની જ્યોતિ શિવસંગ્રામ સંસ્થાના વડા તરીકેની જવાબદારી સંભાળી રહી છે.

આ દરમિયાન તેમણે શરદ પવાર સાથે બે વખત વાતચીત કરી હતી. બીજી તરફ શિવસંગ્રામ સંગઠને સર્વાનુમતે જ્યોતિ મેટેને બીડથી ચૂંટણી લડવા વિનંતી કરી છે. શિવસંગ્રામ સંગઠનનો વિસ્તારમાં સારો પ્રભાવ છે. બીજી તરફ, મરાઠા આરક્ષણ આંદોલન દરમિયાન પતિના મૃત્યુને કારણે જ્યોતિ સાથે લોકોની સહાનુભૂતિ પણ જોડાયેલી છે.

જો જ્યોતિ મેટે શરદ પવાર જૂથમાંથી ચૂંટણી લડે છે, તો બીડમાં પંકજા મુંડે અને જ્યોતિ મેટે વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp