PM મોદી સામે ચૂંટણી લડશે શ્યામ રંગીલા, કહ્યું- 'પહેલા હું ભક્ત હતો પણ...'

PC: timesnownews.com

PM નરેન્દ્ર મોદીની સચોટ મિમિક્રી કરનાર શ્યામ રંગીલા હવે ચૂંટણી લડવાના છે. તે પણ બનારસથી PM નરેન્દ્ર મોદી સામે. શ્યામ રંગીલા બનારસ લોકસભા સીટ પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છે. તેમનું કહેવું છે કે, તેઓ લોકશાહી બચાવવા માટે ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે.

એક સમાચારપત્રમાં છપાયેલા અહેવાલ મુજબ, શ્યામ રંગેલાએ કહ્યું, 'હું ઓછામાં ઓછું એ કહેવા માટે ત્યાં ઊભો રહીશ કે, અહીં લોકશાહીને જોખમમાં આવવા દેવામાં આવશે નહીં. લોકોને અહીં મત આપવાનો વિકલ્પ મળશે.'

છેલ્લા કેટલાક દિવસોમાં કોંગ્રેસના ઉમેદવારોએ છેલ્લી ઘડીએ ઉમેદવારી પત્રો પરત ખેંચી લીધાના કિસ્સાઓ સામે આવ્યા છે. તેનો ઉલ્લેખ કરતાં રંગીલાએ કહ્યું, 'જો વારાણસીમાંથી દરેક જણ તેમના ઉમેદવારી પત્રો પાછા ખેંચી લેશે તો પણ મારું નામાંકન ત્યાં જ રહેશે.'

રંગીલાએ ED દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંગે પણ નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું, 'મારા બેંક ખાતાઓ તપાસવામાં આવશે તો પણ તેઓને કંઈ જ નહીં મળે. હું એક સાચો ફકીર છું, જે બેગ ઉપાડીને ચાલ્યો જશે. હું મારી બેગ ઉપાડીશ અને ચાલ્યો જઈશ.'

શ્યામ રંગીલાએ વધુમાં જણાવ્યું કે, 2016-17 સુધી તેઓ PM નરેન્દ્ર મોદીના પરમ ભક્ત હતા. ત્યારપછી તેણે PMની તરફેણમાં ઘણા વીડિયો શેર કર્યા હતા. રાહુલ ગાંધી અને CM અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ વીડિયો શેર કરવામાં આવ્યો હતો. પરંતુ તે પછી તેના પર નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. રંગીલાએ આરોપ લગાવ્યો હતો કે, તેને જે કામ સૌથી વધુ ગમતું હતું, તે કરતા તેને રોકવામાં આવ્યો હતો. તેણે કહ્યું, 'મને TV શોની ઓફર આવતી હતી. પરંતુ જ્યારે હું ત્યાં પહોંચતો હતો, તો મારી સ્ક્રિપ્ટને મંજૂરી મળતી ન હતી અને મને શોમાંથી હટાવી દેવામાં આવતો હતો.'

રંગીલાએ કહ્યું કે, જ્યારે આવું વારંવાર થાય છે, ત્યારે તમને ખ્યાલ આવે છે કે કોમેડીમાં રાજકારણ હોય છે. તેમણે કહ્યું, 'જ્યારે લોકો રાજનીતિના નામે કોમેડી કરી રહ્યા છે, ત્યારે તેઓ કોમેડીના માધ્યમથી રાજનીતિ કરશે, જેથી લોકોને ખ્યાલ આવે કે, રંગીલા ખાલી વચનો જ નથી આપી રહ્યો.'

શ્યામે કહ્યું કે, લગભગ બે વર્ષ પહેલા તે દિલ્હીના CM અરવિંદ કેજરીવાલને મળ્યો હતો. ત્યાર પછી તેણે રાજસ્થાનમાં આમ આદમી પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો. અહીં તમને જણાવી દઈએ કે, વર્ષ 2022માં રંગીલાએ રાજસ્થાનમાં AAP પાર્ટી જોઈન્ટ કરી હતી.

રંગીલાએ એ પણ જણાવ્યું કે, તેણે વારાણસી સીટ પરથી જ ચૂંટણી લડવાનો નિર્ણય કેમ લીધો. તેમણે કહ્યું, 'સમગ્ર દેશની નજર વારાણસી પર રહેશે. ત્યાં PM મોદી વિરુદ્ધ કોઈ વાતાવરણ નથી. ન તો તેમને પડકારવા માટે કોઈ છે.'

લોકોએ રંગીલાને કેમ મત આપવો જોઈએ, તે અંગે તેમણે કહ્યું કે, જો લોકો PM મોદીજીના પ્રેમમાં પડી શકે છે, તો તેઓ તેમને મત પણ આપી શકે છે.

અહીં તમને જણાવી દઈએ કે, શ્યામ રંગીલા મૂળ રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લાના રહેવાસી છે. વર્ષ 2014માં તેમણે PM નરેન્દ્ર મોદીની મિમિક્રી કરીને ઘણી હેડલાઈન્સ બનાવી હતી. આ પછી તેની પસંદગી ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ રિયાલિટી શોમાં થઈ. જ્યાં તેણે દેશના ઘણા પ્રખ્યાત રાજકારણીઓની નકલ કરીને નામ બનાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp