ફોર્મ-17C શું છે?ચાલુ મતદાને જાહેર કરવાની માગ કેમ? ચૂંટણી પંચ ના પાડે છે

PC: oneindia.com

લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત પાંચ તબક્કામાં મતદાન થઇ ચૂક્યું છે. આ દરમિયાન, ફોર્મ-17Cને સાર્વજનિક કરવાની માંગ કરવામાં આવી છે. NGO એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને માંગણી કરી હતી કે, ચૂંટણી પંચ મતદાન મથક મુજબના મત ટકાવારી ડેટાને તેની વેબસાઇટ પર અપલોડ કરીને સાર્વજનિક કરે. બુધવારે અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ચૂંટણી પંચે ફોર્મ 17C ડેટા સહિત મતદાનના રેકોર્ડ જાહેર કરવા જોઈએ. આ અરજીની સુનાવણી ચીફ જસ્ટિસ DY ચંદ્રચુડ, જસ્ટિસ JB પારડીવાલા, જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે કરી હતી.

ચૂંટણી પંચના વકીલ અમિત શર્મા છે, જેમણે ચૂંટણી પંચ વતી એફિડેવિટ ફાઇલ કરી હતી. જ્યારે બેન્ચે વકીલ અમિત શર્માને ફોર્મને સાર્વજનિક કરવા અંગે પ્રશ્ન પૂછ્યો ત્યારે તેમણે જવાબ આપ્યો કે, ફોર્મને સાર્વજનિક કરવામાં કોઈ સમસ્યા નથી, પરંતુ તેને સાર્વજનિક કરવાના ગેરફાયદા છે. હાલમાં આ ફોર્મ માત્ર પોલિંગ બૂથ એજન્ટોને જ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જો તેને વેબસાઈટ પર અપલોડ કરવામાં આવે તો મત ગણતરી પ્રભાવિત થઈ શકે છે. મતદારોમાં મૂંઝવણ ઊભી થઈ શકે છે. ડેટા સાથે ચેડાં થવાની શક્યતા છે. હવે સુપ્રીમ કોર્ટ ચૂંટણી પંચના સોગંદનામા પર આવતીકાલે એટલે કે 24મી મેના રોજ સુનાવણી કરશે. આવતીકાલે આ મામલે નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.

ચૂંટણી નિયમો 1961 હેઠળ, મતદાન સંબંધિત બે ફોર્મ ભરવામાં આવે છે. એક ફોર્મ-17A અને બીજું ફોર્મ-17C છે. તેમાં મતદારો અને મતદારોનો ડેટા હોય છે. ફોર્મ 17Aમાં મતદાન મથક પર મત આપવા આવનાર મતદારની માહિતી હોય છે અને તેની સહી પણ હોય છે. 17Cમાં મતદાન મથક પર પડેલા મતોનો ડેટા છે, જે મતદાન પૂર્ણ થયા પછી મતદાન મથક એજન્ટોને આપવામાં આવે છે.

ચૂંટણીના નિયમ 161 હેઠળ, પ્રિ-સાઇડીંગ ઓફિસર ફોર્મ 17C ભરે છે. તે એક પરબિડીયામાં રાખવામાં આવે છે અને સુરક્ષિત રાખવામાં આવે છે. ફોર્મ-17Cમાં પણ 2 ભાગ છે. એક ભાગમાં મતદાન મથકનો હિસાબ છે. બીજા ભાગમાં મતોનો હિસાબ છે. મતદાનના દિવસે એક ભાગ ભરવામાં આવે છે, જેમાં મતદાન મથકનું નામ, નંબર, EVM નંબર, મતદારોની સંખ્યા વગેરે હોય છે. મતદાન પછી બીજો ભાગ ભરવામાં આવે છે, જેમાં કેટલા લોકોએ મતદાન કર્યું તેની માહિતી શામેલ છે, કેટલા મત પડ્યા અને મતદાનની ટકાવારી કેટલી રહી?

કેમ ઉઠ્યા છે સવાલ

6 મેના રોજ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા મતદાનના આંકડાઓમાં કથિત અનિયમિતતાઓ અને નોંધાયેલા મતદારોની યાદી જાહેર ન કરવા અંગે ઈન્ડિયા અલાયન્સના નેતાઓને પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે લોકસભા ચૂંટણીના પ્રથમ અને બીજા તબક્કાના મતદાનના ડેટાને મોડે-મોડે જાહેર કરવા અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા.

મતદાન સમાપ્ત થવા અને અંતિમ આંકડા જાહેર કરવામાં વિલંબને કારણે પ્રક્રિયા પર સવાલો ઉઠી રહ્યા છે. નિષ્ણાંતોનું કહેવું છે કે અગાઉ મતદાન સમાપ્ત થયાના 24 કલાકની અંદર અંતિમ આંકડા જાહેર કરવામાં આવતા હતા. પરંતુ આ વખતે પ્રથમ તબક્કામાં 11 દિવસ અને બીજા, ત્રીજા અને ચોથા તબક્કામાં 4 દિવસે આંકડા સામે આવ્યા છે, જેને કારણે પ્રશ્નો ઉભા થયા છે.

2019ની લોકસભા ચૂંટણી સુધી મતદાનના ચોક્કસ આંકડા જાહેર કરવામાં આવ્યા છે. પરંતુ આ વખતે પંચ દ્વારા મતદાનની ટકાવારી જાહેર કરવામાં આવી રહી છે, જેના કારણે લોકોમાં પણ શંકા ઉભી થઈ રહી છે.

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ ચૂંટણી પંચનું કહેવું છે કે પ્રારંભિક આંકડો પ્રાથમિક અંદાજ છે, જે બદલાતો રહે છે. ચૂંટણી પંચના અધિકારીઓનું કહેવું છે કે અંતિમ આંકડો વધારવાનો મતલબ એવો નથી કે મતદાન સમાપ્ત થયા પછી પણ મતદાન થયું હતું. આવું એટલા માટે પણ થઈ શકે છે કારણ કે રિટર્નિંગ ઓફિસર (RO)એ અપડેટેડ ડેટા મોડો મોકલ્યો હોય શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp