રાહુલ ગાંધીની સભા પછી સી આર પાટીલ અચાનક પાટણ કેમ દોડી ગયા?

ગુજરાતના પાટણમાં સોમવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની જાહેરસભા થઇ હતી. રાહુલની સભા પછી ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અચાનક પાટણ પહોંચી ગયા હતા. તેમનો કોઇ કાર્યક્રમ પહેલેથી નિર્ધારીત નહોતો. પાટીલના કોઇ કાર્યક્રમની જાહેરાત પણ કરવામાં આવી નહોતી, પરંતુ સી આર પાટીલ હેલિકોપ્ટર મારફતે પાટણ ગયા હતા અને ભાજપ નેતાઓ સાથે ખાનગી બેઠક કરીને રવાના થઇ ગઇ ગયા હતા.

ગુજરાતમાં લોકસભાની કુલ 26 બેઠકો છે અને છેલ્લી 2 લોકસભાથી ભાજપ બધી 26 બેઠકો પર જીત મેળવી રહ્યું છે. આ વખતે પણ બધી 26 બેઠકો જીતવાની સાથે દરેક બેઠક 5 લાખની લીડથી જીતવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કરના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, રાહુલ ગાંધીની સભા પછી સી આર પાટીલ અચાનક પાટણ દોડી આવ્યા હતા, તેમનો કોઇ કાર્યક્રમ પહેલેથી નિર્ધારિત નહોતો. તેમણે આવીને યુનિવર્સિટી ખાતે ભાજપના નેતાઓ સાથે બંધ બારણે બેઠક કરી હતી અને રાહુલ ગાંધીની સભામાં આટલી બધી ભીડ કેવી રીતે એકઠી થઇ તેની જાણકારી મેળવી હતી.

સાથે પાટીલે એ પણ માહિતી માંગી હતી કે રાહુલ ગાંધીના નિવેદનની સભા પર શું અસર હતી? સી આર પાટીલને ટેન્શન થવાનું કારણ એ છે કે પાટણ બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે રસાકસી થાય તેવા સંજોગો ઉભા થયા છે. ક્ષત્રિય સમાજના આંદોલનનો મુદ્દો પણ પાટણ પર જોવા મળી રહ્યો છે. અહીં ક્ષત્રિય સમાજની મહિલાઓ ઉપવાસ કરી રહી છે.

ભારતીય જનતા પાર્ટીએ આ વખતે પાટણ બેઠક પરથી ભરત ડાભીને રિપીટ કર્યા છે. ભરત ડાભીએ પહેલાં ચૂંટણી લડવાની ના પાડી હતી, પરંતુ ભાજપે તેમને પરાણે ટિકિટ આપી હતી. તો બીજી તરફ કોંગ્રેસ ચંદનજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે.

પાટણમાં સૌથી વધારે મતદારો ક્ષત્રિય ઠાકોર સમાજના છે. કુલ મતદારો 20.10 લાખ છે તેમાંથી ઠાકોર સમાજના મતદારોની સંખ્યા 5.25 લાખ છે અને ક્ષત્રિય સમાજની સંખ્યા 1.38 લાખ છે, 1.24 લાખ પાટીદારો છે. ઠાકોર મતદારો વધારે હોવાને કારણે ભાજપ અને કોંગ્રેસ બંનેએ ઠાકોર ઉમેદવારોને ટિકિટ આપેલી છે.

સી આર પાટીલ માટે ટેન્શનનું એક કારણ એ પણ છે કે પાટણ લોકસભા બેઠકની અંદર કુલ 7 વિધાનસભા આવે છે, જેની પર ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં કોંગ્રેસે 4 બેઠકો પર કબ્જો કરેલો છે. વડગામ, કાંકરેજ, ચાણસ્મા અને પાટણ બેઠક કોંગ્રેસ જીતી હતી જ્યારે રાધનપુર, સિદ્ધપુર અને ખેરાલુંની બેઠક ભાજપે જીતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp