મહારાષ્ટ્ર ચૂંટણીમાં હાર થશે પહેલેથી જાણ હતી પણ.. EVM મુદ્દે કોંગ્રેસમાં ભાગલા
હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મળેલી જોરદાર હાર પછી વિપક્ષે ફરી એકવાર EVMમાં ગેરરીતિનો મુદ્દો ઉઠાવવાનું શરૂ કર્યું છે. જ્યારે માત્ર પાંચ મહિના પહેલા જ યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે આ બે રાજ્યોમાં લીડ મેળવી હતી. કોંગ્રેસને લાગે છે કે EVM સાથે ચેડાં કરીને ચૂંટણીને પ્રભાવિત કરવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટથી લઈને ઈલેક્શન કમિશન સુધી બધાએ વિપક્ષને સમજાવવાની કોશિશ કરી, પરંતુ જ્યારે પણ તેમની હાર થાય છે ત્યારે વિપક્ષ EVMને દોષી ઠેરવવાનો મુદ્દો આગળ કરી દે છે. મીડિયા સૂત્રના એક અહેવાલ અનુસાર, કોંગ્રેસને તેના આંતરિક સર્વેમાં મહારાષ્ટ્રની હાર વિશે પહેલાથી જ ખબર પડી ગઈ હતી. તો શું કોંગ્રેસના નેતાઓ માત્ર પોતાની અકળામણ છુપાવવા માટે EVMમાં ગેરરીતિઓ વિશે વાત કરી રહ્યા છે? કારણ કે કોંગ્રેસના ઘણા નેતાઓ પણ EVMમાં ગેરરીતિની વાતોને માનતા નથી. જેમાં ચિદમ્બરમ પિતા-પુત્રનું નામ સૌથી ઉપર લઈ શકાય છે.
મહારાષ્ટ્રમાં કૉંગ્રેસને મળેલી હાર પર બહુ આશ્ચર્ય વ્યક્ત ન કરવું જોઈએ, કારણ કે ચૂંટણી પહેલાં રાજ્યમાં હાથ ધરવામાં આવેલા આંતરિક સર્વેક્ષણમાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું હતું કે, મહા વિકાસ અઘાડી (MVA), જેમાં કૉંગ્રેસ પણ એક ભાગ છે, જે લોકસભાની ચૂંટણીમાં મળેલી લીડ ને ટકાવી રાખવામાં નિષ્ફળ જઈ રહી છે. આ સર્વેમાં પાર્ટીને પહેલાથી જ ખબર પડી ગઈ હતી કે, CM એકનાથ શિંદે સરકારની 'લાડલી બહેન' યોજનાએ લોકોમાં ઝડપથી પ્રસિદ્ધિ મેળવી લીધી છે.
આ સર્વે ઓક્ટોબરમાં મતદાનના ચાર અઠવાડિયા પહેલા, તે 103 બેઠકો પર કરવામાં આવ્યો હતો, જ્યાં MVA મજબૂત રહી હતી. પરંતુ સર્વેમાં બતાવવામાં આવ્યું હતું કે, મહાવિકાસ અઘાડી ગઠબંધન લોકસભા ચૂંટણીમાં મેળવેલી લીડ ગુમાવી રહ્યું છે. 103 જીતી શકાય તેવી બેઠકોમાંથી ગઠબંધન માત્ર 44 બેઠકો જીતે તેવી શક્યતા હતી. આ જ સર્વે અનુસાર, BJPની આગેવાની હેઠળનું મહાયુતિ ગઠબંધન તેની લીડ 49 બેઠકોથી વધારીને 56 બેઠકો પર લઈ જશે તેવું લાગી રહ્યું છે. એવું પણ બહાર આવ્યું હતું કે, મુસ્લિમ સમુદાય એકમાત્ર એવો વર્ગ છે જે NDAને બદલે MVAને મત આપે છે. જ્યારે જનરલ, OBC, SBC, SC, SEBC, ST સહિત અન્ય તમામ શ્રેણીઓમાં MVAની લોકપ્રિયતા ઘટી રહી છે અને મહાયુતિને ફાયદો થઈ રહ્યો છે.
મહારાષ્ટ્રમાં ચૂંટણી હારથી કોંગ્રેસ એટલી દુઃખી છે કે, પાર્ટીના મોટાભાગના નેતાઓ EVM વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા છે. EVM વિરુદ્ધ વાતાવરણ બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ હોય કે હિમાચલના CM સુખવિંદર સુખુ, દરેકે EVM વિરુદ્ધ નિવેદનો આપવામાં કોઈ ખચકાટ દર્શાવ્યો નથી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ખુદ રાહુલ ગાંધીને EVM વિરુદ્ધ અભિયાન શરૂ કરવા વિનંતી કરી હતી અને ચૂંટણીમાં પેપર બેલેટનો ઉપયોગ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ખડગેએ કહ્યું કે SC, ST અને OBC જેવા હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોના મતોની EVMને કારણે અવગણના કરવામાં આવી રહી છે.
અન્ય પક્ષો પણ કોંગ્રેસ પક્ષ સાથે સહમત છે. અખિલેશ યાદવની કોઈપણ સભા EVM વિરુદ્ધ બોલ્યા વિના પૂર્ણ થતી નથી. લોકસભામાં મોટી જીત પછી સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે કહ્યું હતું કે, જો SP કેન્દ્રમાં સરકાર બનાવે તો પણ તેઓ એ સ્વીકારવા તૈયાર નથી કે, EVM સાથે છેડછાડ કરવામાં આવી નથી. મહારાષ્ટ્રમાં હાર પછી NCP (SP)ના નેતા સુપ્રિયા સુલેએ કહ્યું કે, EVMમાં ગેરરીતિ સાબિત કરવા માટે પુરાવાની જરૂર છે. તે આ અંગે કોંગ્રેસ સાથે વાત કરશે. ઉત્તર પ્રદેશની પેટાચૂંટણીમાં ખરાબ રીતે પરાજિત થયેલા BSP સુપ્રીમો માયાવતીએ પણ EVM દ્વારા નકલી મતદાનનો આક્ષેપ કર્યો હતો અને કહ્યું હતું કે તેમની પાર્ટી ભવિષ્યમાં પેટાચૂંટણીમાં ભાગ લેશે નહીં.
મહારાષ્ટ્રમાં કોંગ્રેસના ઘણા નેતાઓ EVM પર દોષારોપણ કરીને આશ્ચર્યમાં છે. કારણ કે મહારાષ્ટ્રના આંતરિક સર્વેમાં પહેલા જ સામે આવ્યું હતું કે, MVA હારશે. મીડિયા સૂત્રોના કહેવા પ્રમાણે એક અહેવાલમાં મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓનો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યું છે કે, જ્યારે ચૂંટણીમાં પૂર્વનિર્ધારિત હાર હતી, ત્યારે EVM પર દોષારોપણ કરવું આશ્ચર્યજનક નથી લાગતું. કારણ કે આમ કરવું પાર્ટીના રાજ્ય અને કેન્દ્રીય નેતૃત્વ બંનેને અનુકૂળ આવે છે. મતલબ કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા P. ચિદમ્બરમે પણ દરેક ચૂંટણીની હાર પછી EVM ગેરરીતિના પક્ષના આરોપને સમર્થન આપ્યું નથી.
EVM પર ઉઠાવવામાં આવી રહેલા સવાલો પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા P ચિદમ્બરમે કહ્યું કે, હું માનું છું કે EVM પર શંકા કરનારા ઘણા લોકો છે. પરંતુ મને EVM સાથે ક્યારેય કોઈ ખરાબ અનુભવ થયો નથી. ચિદમ્બરમનું આ નિવેદન મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર પછી આવ્યું છે. ચિદમ્બરમે પણ EVMના વખાણ કર્યા. તેમનું કહેવું છે કે, આ કારણે મતોની ગણતરી કરવાનું ઝડપી થયું છે અને અમાન્ય મતોની સંખ્યા ખતમ થઈ ગઈ છે. તેઓ માત્ર એટલું જ ઉમેરે છે કે, EVMની સાથે VVPAT સ્લિપ પણ 100 ટકા ગણાવી જોઈએ.
P ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ, જેઓ તમિલનાડુના શિવગંગાથી કોંગ્રેસના લોકસભા સાંસદ છે, તેમણે પણ EVM પર પાર્ટીના વલણ સાથે અસંમતિ વ્યક્ત કરી છે. કાર્તિ કહે છે કે, હું 2004થી EVM દ્વારા ચૂંટણીમાં ભાગ લઈ રહ્યો છું. મને અંગત રીતે ક્યારેય કોઈ ખરાબ અનુભવ થયો નથી. તેમજ મારી પાસે એવા કોઈ પુરાવા નથી કે જે કોઈપણ રીતે અયોગ્ય રમત અથવા છેડછાડનું સૂચન કરે. કાર્તિનું કહેવું છે કે, તેમને EVMની તાકાત કે અસરકારકતા અંગે કોઈ શંકા નથી. જો કે, કાર્તિએ લોકસભા ચૂંટણી પહેલા પણ આવું જ નિવેદન આપ્યું હતું, જેના પર કોંગ્રેસ પાર્ટીએ તેમને કારણ બતાવો નોટિસ આપી હતી.
26 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે પણ બેલેટ પેપરના ઉપયોગની માંગને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે, એમાં થાય એમ છે કે, જ્યારે તમે ચૂંટણી જીતો છો ત્યારે EVMમાં કોઈ ખામી નથી. જ્યારે તમે ચૂંટણી હારી જાઓ છો ત્યારે EVMમાં ખામી સર્જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp