BJP નેતા નવનીત રાણાનો આરોપ મારા પર ખુરશી ફેંકાઈ, અલ્લાઉ હુ અકબરના નારા લાગ્યા

PC: twitter.com

મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી છે અને હવે બે જ દિવસ આડા રહ્યા છે તે પહેલાં મહારાષ્ટ્રમાં મહિલા ભાજપ નેતાની સભામાં હુમલો અને ખુરશી ઉછળવાની ઘટનાએ રાજકારણમાં ગરમાટો લાવી દીધો છે. ભાજપ નેતા નવનીત રાણા માંડ માડ બચ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં ભાજપ નેતા અને પૂર્વ સાંસદ નવનીત રાણાની સભા દરમિયાન ભારે હોબાળો થયો છે.તેમણે આરોપ લગાવ્યો છે કે તેમની મીટિંગમાં આવેલા કેટલાક લોકોએ તેમના પર હુમલો કર્યો હતો.  આ દરમિયાન તેમના પર કથિત રીતે ખુરશીઓ ફેંકવામાં આવી હતી અને ધમકીભર્યા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ પછી હોબાળો થયો હતો. નવનીત રાણાનો આરોપ છે કે તેમની સભામાં 'અલ્લાહ હુ અકબર'ના નારા પણ લાગ્યા હતા. પોલીસે કેસ નોંધ્યો છે અને લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે.

સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થયા છે, જેમાં ઘણા લોકો આમ તેમ ખુરશીઓ ફેંકી રહ્યા છે. આ દરમિયાન રાણાના સમર્થકો તેમની આસપાસ એક વર્તુળ બનાવે છે. વીડિયોમાં તેઓ ભીડ તરફ આગળ વધી રહ્યા છે અને તેમને દૂર જવા માટે કહેતા જોવા મળી રહી છે.

ઘટનાને નજરે જોનારા લોકોનું કહેવું છે કે ઘટના સમયે નવનીત રાણા માંડ માંડ બચ્યા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે જ્યારે પરિસ્થિતિ વધુ વણસી ત્યારે નવનીત રાણા ખલ્લર પોલીસ સ્ટેશન પહોંચ્યા અને તોફાનીઓની ધરપકડની માંગ કરી. પોલીસે અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને ગામમાં પોલીસ ફોર્સ તૈનાત કરી દેવામાં આવ્યો છે.

એ પછી ભાજપના મહિલા નેતા નવનીત રાણાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, અમે ખલ્લરમાં શાંતિપૂર્વક પ્રચાર કરી રહ્યા હતા. પરંતુ મારા ભાષણ દરમિયાન કેટલાક લોકોએ અભદ્ર ઇશારાઓ અને મારપીટ શરૂ કરી દીધી હતી. મેં કોઈ પ્રતિક્રિયા ન આપી. ત્યારબાદ તેઓએ ‘અલ્લાહુ અકબર’ના નારા લગાવવાનું શરૂ કર્યું.જ્યારે મારી પાર્ટીના સમર્થકોએ તેમને મારા માટે અપશબ્દોનો ઉપયોગ ન કરવા કહ્યું, તો તેમણે ખુરશીઓ ફેંકવાનું શરૂ કરી દીધું હતું.

પૂર્વ સાંસદ નવનીત રાણાએ કહ્યુ કે, મારી સાથે મીડિયાના લોકો પણ હતા. પરંતુ ટોળાનો ગુસ્સો મારા પર હતો. મારી સાથે હાજર પાર્ટીના કેટલાંક પદાધિકારીઓને ઇજા પણ થઇ છે. વીડિયોમાં આ સ્પષ્ટ દેખાઇ પણ રહ્યું છે. મારી સાથે હાજર 6 સુરક્ષાકર્મીઓએ મારો જીવ બચાવ્યો. અમે ફરિયાદ નોંધાવી છે. જો ઝડપથી કોઇની પણ ધરપકડ કરવામાં નહીં આવશે, તો અમરાવતીનો આખો હિંદુ સમાજ અહીં ભેગો થશે.

અમરાવતી ગ્રામીણ ક્રાઈમ બ્રાન્ચના ઈન્સ્પેક્ટર કિરણ વાનખેડેએ કહ્યું કે,રેલી દરમિયાન બે જૂથો વચ્ચે ઝઘડો થયો હતો. અમે નવનીત રાણાની ફરિયાદ પરથી કેસ નોંધ્યો છે. સ્થિતિ હવે નિયંત્રણમાં છે. ગામમાં પોલીસ ચોકી બનાવવામાં આવી છે.અમારી નાગરિકોને વિનંતી છે કે કોઇ પણ પ્રકારની અફવાથી દોરાશો નહીં. તપાસ ચાલી રહી છે.

નવનીત રાણા  અમરાવતી જિલ્લાના દર્યાપુર વિધાનસભા ક્ષેત્રમાં પ્રચાર માટે ગયા હતા.યુવા સ્વાભિમાન પાર્ટી (YSP)ના ઉમેદવાર રમેશ બુંદીલેના સમર્થનમાં ખલ્લર ગામમાં આ પ્રચાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

નવનીત રાણાના પતિ અને બડનેરાના અપક્ષ ધારાસભ્ય રવિ રાણા YSPના સ્થાપક અને પ્રમુખ છે.લોકસભા ચૂંટણી 2024માં મહારાષ્ટ્રની અમરાવતી સીટ પરથી ભાજપના ઉમેદવાર નવનીત રાણા ચૂંટણી હારી ગયા હતા. કોંગ્રેસના બળવંત વાનખેડેએ તેમને લગભગ 20 હજાર મતોથી હરાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp