મહારાષ્ટ્ર ચૂંટણીમાં લાલ-સફેદ ડુંગળીનો મુદ્દો છવાયો,કોંગ્રેસનો PM મોદી પર કટાક્ષ
PM નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રમાં મહાયુતિ માટે વોટ માંગી રહ્યા છે. તેમની ધુલે રેલીમાં PM મોદીએ કહ્યું કે, મહાયુતિનું વચન શાનદાર રહ્યું છે. મહાયુતિએ જે વચન આપ્યું હતું તે પૂરું કર્યું છે, પરંતુ કેટલાક લોકો આંખમાં ધૂળ નાખવાનું કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, અમારા ઢંઢેરામાં દરેક માટે કંઈક છે, પરંતુ મહા અઘાડીના વાહનમાં ન તો બ્રેક છે કે ન વ્હીલ, તેથી તેઓ લૂંટ અને જૂઠાણાની રાજનીતિ કરી રહ્યા છે. આ પહેલા કોંગ્રેસે PM નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા કેટલાક મુશ્કેલ પ્રશ્નો પૂછ્યા છે.
કોંગ્રેસના નેતાઓએ પૂછ્યું છે કે, મહારાષ્ટ્રના લાલ ડુંગળી ઉત્પાદક ખેડૂતોની સરખામણીમાં ગુજરાતના સફેદ ડુંગળી ઉત્પાદક ખેડૂતોને શા માટે પ્રાધાન્ય આપવામાં આવે છે? ભારતીય જનતા પાર્ટી (BJP)એ મહારાષ્ટ્રમાં આદિવાસીઓના વન અધિકારોને કેમ નબળું પાડ્યું છે? કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે ધુલે અને નાસિકમાં PM મોદીની રેલીઓ પહેલા આ સવાલો ઉઠાવ્યા છે. તેમણે પૂછ્યું, 'મહારાષ્ટ્રના લાલ ડુંગળી ઉત્પાદક ખેડૂતોની સરખામણીમાં સફેદ ડુંગળી ઉત્પાદક ગુજરાતના ખેડૂતોને શા માટે પ્રાધાન્ય આપવામાં આવે છે?'
કોંગ્રેસ મહાસચિવે કહ્યું કે, મહારાષ્ટ્રના ડુંગળીના ખેડૂતો ડિસેમ્બર 2023થી મોદી સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર લાદવામાં આવેલા નિયંત્રણોથી પરેશાન છે. તેમણે કહ્યું કે, ડુંગળીની ખેતીની મોસમ દરમિયાન, રાજ્યના ખેડૂતોને અપૂરતા વરસાદ અને પાણીની કટોકટીનો સામનો કરવો પડ્યો હતો અને મોટાભાગના ખેડૂતો તેમના સામાન્ય પાકના માત્ર 50 ટકા જ ઉત્પાદન કરી શક્યા હતા.
રમેશે કહ્યું, 'જ્યારે ડુંગળીનો પાક તૈયાર હતો, ત્યારે ખેડૂતોએ મનસ્વી નિકાસ પ્રતિબંધોનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે વેચાણની કિંમતો ઘણી ઓછી થઈ ગઈ હતી. જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું. આ પછી કેન્દ્ર સરકારે સફેદ ડુંગળીની નિકાસને મંજૂરી આપી, જે મુખ્યત્વે ગુજરાતમાં ઉગાડવામાં આવે છે.'
તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રના ખેડૂતો, જેઓ મુખ્યત્વે લાલ ડુંગળીની ખેતી કરે છે, તેઓ મહિનાઓ સુધી તેનાથી વંચિત હતા. પૂર્વ કેન્દ્રીય મંત્રી રમેશે કહ્યું કે, ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે પરંતુ નિકાસ પર 20 ટકા ડ્યૂટી હજુ પણ લાગુ છે. રમેશે 'X' પરની પોતાની પોસ્ટમાં કહ્યું, 'શું 'બિનજૈવિક' PM સમજાવી શકે છે કે, તેમણે પક્ષપાત શા માટે કર્યો? ગુજરાતના ડુંગળીના ખેડૂતોની ચિંતાને પ્રાથમિકતા આપતાં તેમણે મહારાષ્ટ્રના ડુંગળીના ખેડૂતોની આટલી અવગણના કેમ કરી?'
The non-biological PM is in Dhule and Nashik today. Three questions for him -
— Jairam Ramesh (@Jairam_Ramesh) November 8, 2024
1. Why were Gujarat’s white onion farmers given preferential treatment over Maharashtra’s onion farmers?
Since December 2023, onion farmers in Maharashtra have been reeling from the Modi Sarkar’s…
તેમણે એમ પણ પૂછ્યું કે, શા માટે BJPએ મહારાષ્ટ્રમાં આદિવાસીઓના વન અધિકારોને નબળા પાડ્યા. રમેશે જણાવ્યું હતું કે, 2006માં કોંગ્રેસે ક્રાંતિકારી વન અધિકાર અધિનિયમ (FRA) પસાર કર્યો હતો, જેણે આદિવાસી અને જંગલમાં વસતા સમુદાયોને તેમના પોતાના જંગલોનું સંચાલન કરવાનો અને તેમના દ્વારા એકત્રિત કરેલી વન પેદાશોમાંથી આર્થિક લાભ મેળવવાનો કાનૂની અધિકાર આપ્યો હતો.
કોંગ્રેસ મહાસચિવે આરોપ લગાવ્યો કે, BJP સરકારે FRAના અમલીકરણમાં અવરોધ ઉભો કર્યો છે, જેના કારણે લાખો આદિવાસીઓ તેના લાભોથી વંચિત રહી રહ્યા છે. તેઓએ દાવો કર્યો હતો કે, 4,01,046 વ્યક્તિગત દાવાઓમાંથી માત્ર 52 ટકા (2,06,620 દાવા) મંજૂર કરવામાં આવ્યા છે, અને 50,045 ચોરસ કિલોમીટરમાંથી માત્ર 23.5 ટકા (11,769 ચોરસ કિલોમીટર)જ વિતરિત જમીન માલિકી સમુદાયના અધિકારોને આવરી લે છે.
રમેશે કહ્યું, 'મહારાષ્ટ્રની મહાયુતિ સરકાર આદિવાસી સમુદાયોને તેમના અધિકારો આપવામાં કેમ નિષ્ફળ રહી છે?' કોંગ્રેસ મહાસચિવે એ પણ પૂછ્યું કે, મહાયુતિએ નાસિક મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી શા માટે કરી નથી. તેમણે કહ્યું કે, નાસિક મહાનગરપાલિકા સહિત રાજ્યની મહાનગરપાલિકાઓની ચૂંટણી કરાવવામાં મહાયુતિ સરકારની નિષ્ફળતા એ લોકશાહી અને નાશિકના નાગરિકોના અધિકારો પર મોટો હુમલો છે.
રમેશે કહ્યું કે સરકાર દાવો કરે છે કે, OBC અનામત અને વોર્ડ સીમાંકન જેવા મુદ્દાઓને કારણે ચૂંટણીમાં વિલંબ થઈ રહ્યો છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે, મહાયુતિ મતદારોનો સામનો કરવાથી ડરી હતી, કારણ કે તેને શંકા હતી કે, હારના કારણે આ વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા તેની છાપ ખરાબ ન થઇ જાય.
તેમણે કહ્યું કે, ચૂંટાયેલા પ્રતિનિધિઓની ગેરહાજરીમાં, નાશિકના નાગરિકો તેમનો અવાજ સાંભળવા અને તેમની ફરિયાદોનું નિરાકરણ લાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. રમેશે પૂછ્યું કે, BJPએ નાસિકની જનતા સાથે દગો કેમ કર્યો? તેમની આ ટિપ્પણી મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ચાલી રહેલા પ્રચાર વચ્ચે આવી છે. મતગણતરી 23 નવેમ્બરે થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp