શું BJPનો વિજય રથ રોકવા મહારાષ્ટ્રમાં ઓવૈસી સાથે હાથ મિલાવશે ઉદ્ધવ? આનો અર્થ શું

PC: x.com/asadowaisi

રાજકારણમાં કહેવાય છે કે, કશું જ અશક્ય નથી. રાજકીય પક્ષો અને નેતાઓ ક્યારે સત્તા માટે એક થઈ જશે તે કોઈ કહી શકતું નથી. હવે મહારાષ્ટ્રમાં પણ આવું જ કંઈક થવાની શક્યતા લાગી રહી છે. ત્યાં રાજકારણના બે કટ્ટર વિરોધી સત્તામાં આવવા માટે તેમની નિકટતા વધારી રહ્યા છે. અમે વાત કરી રહ્યા છીએ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના અને અસદુદ્દીન ઓવૈસીની પારિવારિક પાર્ટી ઓલ ઈન્ડિયા મજલિસ ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ની. તેમની વચ્ચે ગઠબંધનની વાતો પુરજોશમાં ચાલી રહી છે.

પાર્ટીના પ્રવક્તા સંજય રાઉતના નિવેદન પછી આ મેળ ન ખાતા ગઠબંધનની ચર્ચાએ જોર પકડ્યું છે. BJPને હરાવવા માટે એક થઈને ચૂંટણી લડવાના ઓવૈસીના પ્રસ્તાવ પર સકારાત્મક સંકેત આપતા શિવસેના (ઉદ્ધવ જૂથ)ના નેતા સંજય રાઉતે કહ્યું કે, જો પાર્ટીમાં આ અંગે કોઈ પ્રસ્તાવ આવશે તો તેના પર ચર્ચા કરવામાં આવશે.

સંજય રાઉતે કહ્યું કે, દેશભરમાં માત્ર પ્રાદેશિક પક્ષોના આધારે સરકાર ચાલી રહી છે. જો ચંદ્ર બાબુ નાયડુ ન હોત તો PM મોદીજી ત્રીજી વખત PM ન બની શક્યા હોત. એ જ રીતે પ્રાદેશિક પક્ષોના બળ પર લોકસભામાં INDIA ગઠબંધનનો આંકડો 240 સુધી પહોંચી ગયો છે. આવી સ્થિતિમાં તમારે પ્રાદેશિક પક્ષને મહત્વ આપવું જ પડશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, સંજય રાઉતે આ નિવેદન દ્વારા પોતાની પાર્ટીની બદલાતી ઈચ્છાઓ અને રણનીતિ બંને વિશે સંકેત આપ્યા છે. એક સમયે કટ્ટર હિન્દુત્વની ઓળખ ધરાવતી શિવસેના હવે બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. એક ભાગનું નેતૃત્વ CM એકનાથ શિંદે કરી રહ્યા છે અને બીજા ભાગનું નેતૃત્વ ઉદ્ધવ ઠાકરે કરી રહ્યા છે.

CM એકનાથ શિંદે BJP સાથે સરકાર ચલાવતા હિંદુત્વના એજન્ડાને સતત પ્રોત્સાહન આપી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેના આ રેસમાં પાછળ રહેતી જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં તે ખાલીપો ભરવા માટે હવે તે મુસ્લિમ મતો તરફ લાલચુ નજરે જોઈ રહી છે. પરંતુ સમસ્યા એ છે કે BJP સાથે હાથ મિલાવીને સત્તા મેળવવા માટે તે અત્યાર સુધી જેમનો દુરુપયોગ કર્યો હતો, તેમની પાસેથી વોટ કેવી રીતે માંગી શકે.

આવી સ્થિતિમાં શિવસેના (ઉદ્ધવ જૂથ) ઓવૈસીને મસીહા તરીકે જોઈ રહી છે. પાર્ટીને લાગે છે કે, મુસ્લિમોમાં ઓવૈસીની લોકપ્રિયતાનો ફાયદો ઉઠાવીને તે રાજ્યમાં પોતાનું સમર્થન વધારી શકે છે. સાથે જ ઉદ્ધવ ઠાકરેની ફરીથી CM બનવાની ઈચ્છા પણ પૂરી થઈ શકે છે. આ વ્યૂહરચના હેઠળ તેઓ ઓવૈસીને મહાવિકાસ આઘાડી ગઠબંધનમાં સામેલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

જો કે, કોંગ્રેસ અને NCP (શરદ જૂથ) આ ગઠબંધનમાં ઓવૈસીના પ્રવેશને લઈને બેચેન છે. આ બંને પક્ષોને લાગે છે કે, ઓવૈસીના આવવાથી રાજ્યમાં AIMIMનો દરજ્જો વધશે અને લોકો તેને મુખ્ય રાજકીય પક્ષ માનવા લાગશે. બીજો મોટો ખતરો એ છે કે, આ બંને પક્ષો દ્વારા એકત્રિત કરવામાં આવેલી મુસ્લિમ વોટબેંક સરકી જશે અને કાયમ માટે ઓવૈસીની પાછળ દોડી જશે.

આવી સ્થિતિમાં ઓવૈસીને લઈને ગઠબંધન શું નિર્ણય લે છે તે જોવું રહ્યું. રાજકીય સૂત્રોનું માનવું છે કે, જો ઓવૈસીને મહાવિકાસ આઘાડી ગઠબંધનમાં એન્ટ્રી નહીં મળે તો ઉદ્ધવ જૂથ તેના હિસ્સાની કેટલીક સીટો ઓવૈસીને આપીને સમાધાન કરી શકે છે. ઓવૈસી પણ આ સંભાવનાથી ખુશ છે, કારણ કે જો આવું થશે તો તેમના પર BJPની B ટીમ હોવાનું જે લેબલ લાગેલું છે તે દૂર થઈ જશે. હાલ રાજ્યમાં શું થશે તે જોવાનું રહ્યું, પરંતુ રાજકીય ગરમાવો શરૂ થઈ ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp