ગુજરાતનું દેવું 2 વર્ષમાં બજેટ કરતા વધી જશે, માર્ચ 2019મા રૂ. 2,40,652 કરોડ હતું

PC: khabarchhe.com

ગાંધીનગર- ગુજરાત સરકારમાં એક સમય એવો આવી રહ્યો છે કે જે રાજ્યના કુલ બજેટ કરતાં જાહેર  દેવાની રકમ વધી જશે. આ રકમ વધતાં માત્ર બે વર્ષ લાગી શકે છે. રાજ્ય સરકાર વિકાસના દાવા કરે છે પરંતુ સૌથી વધુ નાણાં મેળવવામાં દેવું કરીને વ્યાજ ભરી રહી છે.

ગુજરાત સરકારનું જાહેર દેવું માર્ચ 2019ના રોજ વધીને 240652 કરોડ થયું છે જે એકંદરે ઘરગથ્થુ ઉત્પાદનના 16.03 ટકા જેટલું થાય છે. જાહેર દેવાના ઘટકાં સૌથી વધુ 71.45 ટકા બજાર લોન ને પાવર બોન્ડ્સ છે. કેન્દ્ર સરકારની લોનનું પ્રમાણ 2.80 ટકા છે. નાણાકીય સંસ્થાઓ અને બેન્કો પાસેથી લોનની ટકાવારી 5.57 ટકા થાય છે. એનએસએસએફ લોનમાં 20.19 ટકા છે.

ગુજરાત સરકારના જાહેર દેવાના આંકડા જોતાં આવનારા બે વર્ષમાં એટલે કે 2021 સુધીમાં 3 લાખ કરોડને પાર હશે. જો કે પાડોશી રાજ્ય મહારાષ્ટ્રની સરખામણીએ ગુજરાતનું જાહેર દેવું ઓછું છે. રાજ્ય સરકારને દેવાની ચૂકવણીમાં વિક્રમી વ્યાજ પણ ભરવું પડે છેકારણ કે મોટાભાગનું દેવું બજાર લોન પર અવલંબે છે.

ગુજરાત સરકારનું જાહેર દેવું માર્ચ 2014ના અંતેમાત્ર 149506 કરોડ રૂપિયા હતું તે માર્ચ 2015ના અંતે વધીને 163451 કરોડ રૂપિયા થયું છે. 2016માં જાહેર દેવાની રકમ 180743 કરોડ હતી જે 2017માં વધીને 199338 કરોડ થઇ હતી. 31મી માર્ચ 2018ના અંતે ગુજરાતનું જાહેર દેવું 212591 કરોડ થયું છે. આ દેવામાં સૌથી વધુ 151887 કરોડ રૂપિયા બજાર લોન અને પાવર બોન્ડ મારફતે મેળવવામાં આવ્યા છે.

જાહેર દેવા સામે એકંદર ઘરગથ્થું ઉત્પાદનના ગુણોત્તરમાં સુધારો થયો હોવાનો દાવો નાણા વિભાગના ડોક્યુમેન્ટમાં કરવામાં આવ્યો છે. રાજ્યના નાણા વિભાગના ઉચ્ચ અધિકારીને જાહેર દેવાનો પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે ગુજરાત સરકારની જાહેર દેવાની કેન્દ્રીય ટકાવારી 17.50 ટકાની સામે 15.69 ટકા છે. જાહેર દેવું 2017-18ના નાણાકીય વર્ષમાં 16.03 ટકા હતું. એટલે કે ગુજરાત સરકાર પ્રતિવર્ષ દેવાની રકમમાં ઘટાડો કરતી જાય છે. 

પાછલા વર્ષોમાં જાહેર દેવાના ઘટકોમાં ફેરફાર થયા છે જેમાં કેન્દ્ર સરકારની લોનનું પ્રમાણ 11.87 ટકા થી ઘટીને 2.80 ટકા થયું છે. તે જ પ્રમાણે એનએસએસએફની લોનનો હિસ્સો 51.59 ટકા હતો તે ઘટીને 20.19 ટકા થયો છેજ્યારે બજાર લોનનો હિસ્સો 32.20 ટકાથી વધીને 71.45 ટકા થયો છે. રાજ્યના નાણાકીય વર્ષ 2018-19માં એટલે કે માર્ચ 2019ના અંતે જાહેર દેવાના સુધારેલો અંદાજ 240652 કરોડ રૂપિયા છે. 

ગુજરાતમાં જાહેર દેવાનું ખર્ચ 2004-05માં 10.79 ટકા હતું તે ધટીને 8.60 ટકા થયું હતું અને માર્ચ 2019ના અંતે તે 8.53 ટકા થવાની અપેક્ષા છે. જો કે એનએસએસએફ લોનનું પ્રમાણ જાહેર દેવામાં 20.19 ટકા જેટલું છે તે તેના ઉંચા વ્યાજદરના કારણે રાજ્ય સરકારના નાણાકીય ભારણમાં વધારો કરનારૂં બની રહેશે. મહેસૂલી આવકની ટકાવારી તરીકે જાહેર દેવાં પર વ્યાજની ચૂગવણી 12.90 ટકા થઇ છે જે 2017-18માં 13.91 ટકા અને 2004-05માં 26.82 ટકા હતી. 

નાણા વિભાગના દસ્તાવેજમાં નોંધવામાં આવ્યું છે કે સરકાર દ્વારા મૂડી ખર્ચની જરૂરિયાતના આધારે ઉછીના નાણાં લેવામાં આવે છે. ઉછીના નાણાં પરની વ્યાજની ચૂકવણી રાજ્ય માટે બિન મતપાત્ર જિમ્મેદારી છે. સમજદારી પૂર્વકની નાણાકીય વ્યવસ્થાના ભાગરૂપે રાજ્ય તેની પૂરાંત સિલક પર વ્યાજ મેળવે છે તેટલી માત્રામાં વ્યાજની ચૂકવણીને એક આધાર પૂરો પાડે છે. 

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp