કોસી નદી પર બની રહેલા દેશના સૌથી મોટા પુલનો હિસ્સો ધ્વસ્ત, એકનું મોત

PC: twitter.com

બિહારના સુપોલમાં એક મોટી દુર્ઘટના ઘટી છે, જેમાં કોસી નદી પર બની રહેલા દેશના સૌથી મોટા પુલનો એક હિસ્સો ધ્વસ્ત થઈ ગયો છે. આ ઘટનામાં ઘણા લોકો ઇજાગ્રસ્ત થવાની માહિતી મળી રહી છે, જ્યારે એક મજૂરનું મોત થઈ ગયું છે. મીડિયો રિપોર્ટ મુજબ, 8 લોકો ઇજાગ્રસ્ત હોવાની વાત કહેવામાં આવી રહી છે. સુપોલના બકોર અને ભેજા ઘાટ મધુબની વચ્ચે બની રહેલા આ પુલનો 50, 51 અને 52 પિલરના ગાર્ટર જમીન પર ધ્વસ્ત થઈ ગયા. સુપોલના DM કૌશલ કુમારે 1 વ્યક્તિના મોત અને 10 લોકો ઇજાગ્રસ્ત થવાની પુષ્ટિ કરી છે.

આ અકસ્માતમાં 3 લોકોની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે, જેમની સારવાર ખાનગી હૉસ્પિટલમાં ચાલી રહી છે. આ દરમિયાન કલાક બાદ પણ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ થઈ શક્યું નથી. જો કે, DM અને SP ઘટનાસ્થળ પર કેમ્પ કરી રહ્યા છે. સ્થાનિક લોકોનું એમ પણ કહેવું છે કે, કાટમાળમાં 20 કરતા વધુ લોકો દબાયેલા હોય શકે છે. ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં બકોરથી ભેજા વચ્ચે બનતા પુલના ગાર્ટર પડ્યા બાદ અત્યાર સુધી રાહતનું કામ શરૂ કરવામાં આવ્યું નથી.

પ્રશાસનની ટીમ અહી જરૂર ઉપસ્થિત છે, પરંતુ કોસી નદી વચ્ચે આ અકસ્માત થવાના કારણે જરૂરી ઇક્વિપમેન્ટવાળા વિસ્તાર સુધી પહોંચી શકતી નથી. એવામાં રાહત અને બચાવ કાર્યમાં ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોનું કહેવું છે કે, 20 કરતા વધુ લોકો આ ગાર્ટર નીચે દબાયા છે. ગાર્ટર પડીને 3 ફૂટ નીચે સુધી ધસી ગયા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, પુલમાં ગુણવત્તાની કમી છે. તેનો લોકોએ વિરોધ પણ કર્યો હતો, પરંતુ લોકોનું કહેવું છે કે, તેના પર કોઈ સુનાવણી ન થઈ. હાલમાં 20 લોકોને ગ્રામજનોના સહયોગથી હૉસ્પિટલ મોકલવામાં આવ્યા છે.

સુપોલ જિલ્લાના બકોર અને મધુબની જિલ્લાના ભેજા વચ્ચે બની રહેલા દેશના સૌથી લાંબા (10.2 કિલોમીટર) મહાસેતુનું નિર્માણ કાર્ય તેજીથી ચાલી રહ્યું છે. કેન્દ્રીય પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા 1,199 કરોડ 59 લાખ રૂપિયાના ખર્ચ દ્વારા આ મહાસેતુના એપ્રોચ સહિત નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તેમાં 1051.3 કરોડ રૂપિયાના કેબલ બ્રિજનું નિર્માણ કરાવવામાં આવી રહ્યું છે, જેને એક કાર્ય એજન્સી તૈયાર કરી રહી છે. તેમાં ગેમન એન્જિનિયર્સ એન્ડ કોન્ટ્રાક્ટર્સ પ્રાઇવેટ લિમિટેડ અને મેસર્સ ટ્રાન્સ રેલ લાઇટિંગ પ્રાઇવેટ લિમિટેડ (જોઇન્ટ વેન્ચર) સામેલ છે.

ભારત માળા પ્રોજેક્ટ હેઠળ બની રહેલો આ પુલ કેન્દ્ર સરકારની મોટી યોજનાઓમાંથી એક છે. અહી દેશનો સૌથી લાંબો પુલ બની રહ્યો છે જે કેન્દ્રીય પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તરફથી 1,200 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે. તેની લંબાઈ 10.2 કિલોમીટર કરતા વધુ છે. એપ્રોચ રોડ મળીને તેની કુલ લંબાઈ 13.2 કિલોમીટર હશે. પુલનું નિર્માણ કાર્ય વર્ષ 2023 સુધી પૂરું થવાનું હતું, પરંતુ કોરોના અને પૂરના કારણે પુલના નિર્માણનો સમય વધી ગયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp