રવિશ કુમાર, અભિષાર શર્મા અને અજીત અંજુમને 1 સવાલ, શું PMએ કશું સારું કર્યું નથી?

PC: twitter.com

આજકાલ સોશિયલ મીડિયા અને વ્હોટ્સએપ પર પત્રકારોની ધરપકડને લઈ ખાસ્સો હોબાળો મચાવવામાં આવ્યો છે. UAPA હેઠળ પત્રકારોની પૂછપરછ કરવામાં આવી, ચીના ફન્ડીંગને લઈ દિલ્હીની બાજુમાં આવેલા નોઇડાના મીડિયા હાઉસ પર દરોડો પાડવામાં આવ્યો. ખાસ કરીને મોદી વિરોધી કહેવાતા અભિષાર શર્મા સહિતના પત્રકારો વિરુદ્વ થયેલી કાર્યવાહી સામે પત્રકારો આંદોલને ચઢ્યા છે.

અહીં એક વસ્તુ અભિપ્રેત બની રહી છે કે અભિષાર શર્માની નોકરી ગઈ તે માટે તેઓ સ્મૃતિ ઈરાનીને ટોક શોમાં કરેલા પ્રશ્નને જવાબદાર ગણે છે. અજીત અંજુમ ચેનલના ઉદ્વાટનમાં PM મોદીએ ચેનલના પત્રકારો પર કરેલી ટિપ્પણીનો વારંવાર ઉલ્લેખ કરીને કહે છે કે PM મોદીએ અમારી વિરુદ્વ ચેનલના માલિકોને આડકતરી રીતે કહ્યું હતું કે આ લોકો તો મારા વિરોધીઓ છે. આ  જ વાતમાં PM મોદી એવું કહેતા પણ સાંભળવા મળે છે કે એમને(મારા વિરોધીઓ)ને રહેવા દેજો. તેમના આત્માને આનંદ આવશે.

રવિશ કુમારની નોકરી ગઈ તે માટે અદાણી દ્વારા NDTVને હસ્તગત કરવાનું કારણ આપવામાં આવે છે. રવિશ કુમારે અદાણીના NDTVમાં આવ્યા બાદ નોકરી છોડવાનો વારો આવ્યો. અગ્રીમ હરોળમાં આવતા આ પત્રકારોને નોકરી છોડવા માટેના કારણો જે કંઈ પણ હોય પણ ત્યાર બાદ આ ત્રણેય પત્રકારોએ PM મોદી વિરુદ્વ રીતસરનો મોરચો ખોલી દીધો છે. કાર્યવાહી થવી સ્વભાવિક હતી. ચાઈનીઝ ફન્ડીંગને લઈ  ત્રણ વર્ષથી ઈડી તપાસ કરી રહી હતી. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા સાગમટે દરોડા પાડવામાં આવ્યા અને શંકાસ્પદ જણાતા વ્યવહારોની તપાસ કરવા માટે પત્રકારોની પૂછપરછ કરવામાં આવી. પત્રકારો પર ખોટી રીતે કેસો કર્યા હોય તો એનો વિરોધ થવો જોઈએ પણ આંધળુકિયા ન થવા જોઈએ.

આ વાત થઈ પત્રકારો પરની કાર્યવાહીની. હવે વાત કરવી છે કે રવિશ કુમાર, અભિષાર શર્મા અને અજીત અંજુમના પત્રકારત્વની. એક વણલખાયેલો સિદ્વાંત છે કે કોઈ પણ અતિશિયોક્તિ દુષ્પરિણામ નોતરે છે. અતિ ક્યારેય પણ સારા પરિણામને આણી શકતી નથી. અતિ સદૈય મતિને મારી નાખે છે. માત્ર ભચડીયા કરવાથી, વલોપાતિયું પત્રકારત્વ કરવાથી કોઈ લક્ષ્ય સાધી શકાતું નથી.નો ડાઉટ, ત્રણેયમાં વાત કરવાની ત્રેવડ, હિન્દી ભાષા પર કમાન્ડ છે પણ સવાલ એ થાય છે કે સત્તાને સવાલ પૂછો પણ એના માટે પણ લક્ષ્મણ રેખા આકારિત થયેલી છે. 

ત્રણેય પત્રકારો પૈકી રવિશ કુમારે ગોદી મીડિયા શબ્દને પ્રચલિત કર્યો છે. મેઈન સ્ટ્રીમ મીડિયા વર્તમાનમાં સરકારની આરતી ઉતારે છે એવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. તો પ્રશ્ન થાય છે કે શું ચેનલો પ્રધાનમંત્રી કે સરકારના સારા કાર્યોને વખાણે અને તેના પર પ્રાઈમ ટાઈમ કરે તો એમાં કોઈને કશો વાંધો હોઈ શકે નહીં. ચેનલની મુનસફીની વાત છે કે અર્થોપાર્જન તથા ચેનલના હિતની બાબત હોય તે રીતે પ્રોગ્રામને ટેલિકાસ્ટ કરવા. આ ત્રણેય પત્રકારો મીડિયા પર જે આળ મૂકે છે તે જ આળ તેમના પર પણ મૂકી શકાય છે. મીડિયા પર મોદી સરકારની વાહ-વાહ કરવાના આક્ષેપોની સામે આ ત્રણેય પત્રકારો પર મોદી સરકારને દરેક મુદ્દા વલોપાતિયું પત્રકારત્વ કરવાનો,યેનકેન રીતે ઘેરવાનો અને ઘોર ટીકા કરવાનો આરોપ મૂકી શકાય છે.

પાછલા નવ વર્ષ દરમિયાન શું મોદી સરકારે એક પણ સારું કામ કર્યું નથી? રવિશ કુમાર, અભિષાર શર્મા અને અજીત અંજુમ બતાવે કે મોદી સરકારની કઈ યોજના કે ક્યા મુદ્દા પર તેમણે પોઝીટીવ રીતે કવરેજ આપ્યું છે? જવાબ કદાચ ના માં મળી શકે છે. મોદી સરકારે કોઈ યોજના કે નીતિ સામે મુદ્દાસર વાંધો હોઈ શકે છે પણ સમૂળગી રીતે મોદી સરકારને મેરેથોન રીતે સાણસામાં લઈને એકધારી રીતે માત્ર અને માત્ર આકરી ટીકાના માપદંડ પર મૂકી ઉતારી પાડતા રહેવું કેટલા અંશે યોગ્ય છે? લોકો રાહ જોઈ રહ્યા છે કે આ ત્રણેય પત્રકારો જે પ્રકારે સરકારને સવાલો પૂછી રહ્યા છે તેવી જ રીતે તેઓ કોઈ દિવસ સરકારની પ્રજાહિતકારી, લોકભોગ્ય યોજનાઓ પર પર પોતાની ચેનલોમાં પ્રકાશ પાડશે. મોદી સરકારમાં અનેકવિધ વિકાસ કાર્યો થયા છે. મેઈન સ્ટ્રીમ મીડિયા એના પર ધમધોકાર કવરેજ આપે છે તો આ ત્રણેય પત્રકારોએ પણ વિચારવા જેવું તો છે મોદી સરકાર ચોક્કસપણે લોકોના હિતકારી નિર્ણયો લઈ રહી છે. ત્રણેય નવેસરથી ફેરવિચારણા કરવી જોઈએ કે તેમના પક્ષે પણ ક્યાંકને ક્યાંક મોટી ચૂક, કચાશ અને કોઈ ભૂલ થઈ રહી છે.

રહી વાત હિન્દુત્વના મુદ્દાની તો  ભાજપ, આરએસએસ અને વિશ્વ હિન્દુ પરિષદ એના જન્મદાતા છે. ત્રણેય એવું માનતા હોય કે અમારી વાતો, ટીકાઓ અને લાગલગાટ પ્રોગ્રામ હિન્દુત્વના મુદ્દાને વિપરીત અસર કરશે તો એ ભૂલભરેલું છે. હિન્દુત્વના કારણે જ આજે ભાજપ સંપૂર્ણ બહુમતિવાળા લોક ચૂકાદા સાથે નવ વર્ષથી સત્તા સ્થાને છે. મોદી સરકારની અનેક યોજનાઓ છે, ગણવા બેસીએ તો કદાચ જગ્યા ઓછી પડે. આ માટે સરકારની વેબસાઈટ અને જાહેરખબરો અચૂક વાંચી લેવી જોઈએ.

પ્રજાની નાડ પારખવામાં ત્રણેય પત્રકારો ઉણા ઉતરી રહ્યા હોવાની છાપ ઉભી થઈ રહી છે. હિમાચલ પ્રદેશ અને કર્ણાટકમાં ભાજપ ભલે હાર્યું છે પણ ભાજપનો કમિટેડ મતદાર ભાજપની અડખે-પડખે અડીખમ ઉભો રહ્યો છે. ભાજપનો મતદાર ભાજપ પાસેથી કશે ગયો નથી. ભાજપની વોટબેંક જડબેસલાક ભાજપ સાથે છે, PM નરેન્દ્ર મોદી સાથે છે.

રવિશ કુમાર, અભિષાર શર્મા અને અજીત અંજુમ સિનિયર પત્રકારો છે. રાષ્ટ્રીય સ્તરે નામના મેળવી ચૂકેલા પત્રકારો છે. તેમની પાસે અપેક્ષા હોય કે તેઓ પ્રધાનમંત્રી મોદીના કાર્યકાળને કોઈ દિવસ હકારાત્મક દૃષ્ટિકોણથી પણ જોશે અને ફક્તને ફક્ત વલોપાતિયું પત્રકારત્વ નહીં કરે. તેઓ છાતી પર હાથ મૂકીને બોલે કે ખરેખર મોદી સરકારે લોકહિતનું કોઈ કામ કર્યું નથી, તો આપણે માની જઈશું. સૈદ્વાંતિક, વૈચારિક, નીતિગત, રચનાત્મક વિરોધ હરહંમેશ આવકાર્ય છે પણ વ્યક્તિગત વિરોધ જ્યારે માથે ચઢી જાય છે ત્યારે વૈચારિક ઈમારત કડડડભૂસ થઈને તૂટી પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp