મોદી સરકારે 8 વર્ષમાં 13,000 કરોડ ખર્ચ્યા, છતા ગંગા નદી ગંદી છે

PC: twitter.com

કેન્દ્ર સરકારે 2014થી ગંગાની સફાઈ માટે 13,000 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરી નાખ્યો છે. જેમાં સૌથી વધુ રકમ ઉત્તર પ્રદેશને ફાળવવામાં આવી છે. નેશનલ મિશન ફોર ક્લીન ગંગા (NMCG)એ શુક્રવારે નેશનલ ગંગા કાઉન્સિલને આ સંબંધમાં માહિતી આપી હતી.

ત્રણ વર્ષ બાદ યોજાયેલી કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા PM નરેન્દ્ર મોદી દ્વારા વીડિયો કોન્ફરન્સ દ્વારા કરવામાં આવી હતી. PM નરેન્દ્ર મોદી મીટિંગ માટે કોલકાતા જવાના હતા પરંતુ તેમની માતાના અવસાનને કારણે વર્ચ્યુઅલ રીતે તેને સંબોધન કર્યું હતું. NMCG, જે સરકારના મહત્વાકાંક્ષી નમામિ ગંગે કાર્યક્રમના અમલીકરણ માટે જવાબદાર છે, તેણે કાઉન્સિલની બેઠક માટે તૈયાર કરવામાં આવેલી એજન્ડા નોંધમાં વિગતવાર નાણાકીય પ્રગતિ અહેવાલ પ્રદાન કર્યો.

ઉપલબ્ધ વિગતો મુજબ, કેન્દ્રએ નાણાકીય વર્ષ 2014-15થી 31 ઓક્ટોબર, 2022 સુધી NMCGને કુલ રૂ. 13,709.72 કરોડ ફાળવ્યા હતા. તેમાંથી મોટાભાગની રકમ, રૂ. 13,046.81 કરોડ, NMCG દ્વારા ખર્ચવામાં આવી હતી. તેમાંથી રૂ. 4,205.41 કરોડ ઉત્તર પ્રદેશને આપવામાં આવ્યા હતા, જે તમામ રાજ્યોમાં આપેલી રકમ કરતા સૌથી વધુ છે. ગંગાની 2,525 KM લંબાઈમાંથી લગભગ 1,100 KM ઉત્તર પ્રદેશમાં પડે છે. કેન્દ્ર સરકારે જૂન 2014માં રૂ. 20,000 કરોડના કુલ બજેટરી ખર્ચ સાથે નમામિ ગંગે કાર્યક્રમ શરૂ કર્યો હતો. નમામી ગંગે પ્રોજેક્ટને વિશ્વની ટોચની 10 પહેલોમાં સામેલ કરવામાં આવી છે.

ઉત્તર પ્રદેશ પછી બિહાર (રૂ. 3,516.63 કરોડ), પશ્ચિમ બંગાળ (રૂ. 1,320.39 કરોડ), દિલ્હી (રૂ. 1,253.86 કરોડ) અને ઉત્તરાખંડ (રૂ. 1,117.34 કરોડ)નો નંબર આવે છે. નમામી ગંગે કાર્યક્રમ હેઠળ ભંડોળ મેળવનાર અન્ય રાજ્યોમાં ઝારખંડ (રૂ. 250 કરોડ), હરિયાણા (રૂ. 89.61 કરોડ), રાજસ્થાન (રૂ. 71.25 કરોડ), હિમાચલ પ્રદેશ (રૂ. 3.75 કરોડ) અને મધ્યપ્રદેશ (રૂ. 9.89 કરોડ) છે. )નો સમાવેશ થાય છે.

ગંગા અને તેની સહાયક નદીઓને પુનર્જીવિત કરવા માટે સરકારે 31 માર્ચ, 2021 સુધીના સમયગાળા માટે 2014-15માં નમામી ગંગે શરૂ કરી હતી. ત્યારપછી આ કાર્યક્રમને બીજા 5 વર્ષ માટે 31 માર્ચ 2026 સુધી લંબાવી દેવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, UPના CM યોગી આદિત્યનાથે બુધવારે (21 ડિસેમ્બર, 2022)ના રોજ નમામી ગંગે પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા બેઠકને સંબોધિત કરતી વખતે અધિકારીઓને પ્રયાગરાજમાં કુંભ 2025ની શરૂઆત પહેલા ગંગા નદીને સાફ કરવાનો હુકમ બહાર પાડ્યો છે. CMએ નદીઓને બચાવવા માટે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપવાની પ્રક્રિયા ઝડપી બનાવવા પણ નિર્દેશ આપ્યો હતો. CM યોગી આદિત્યનાથે કહ્યું, 'પ્રયાગરાજ કુંભ 2025ની શરૂઆત પહેલા માતા ગંગાને 'અવિરલ-નિર્મલ' બનાવવાના સંકલ્પને પૂર્ણ કરવો પડશે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp