સંભલને કારણે ફરી ચર્ચામાં 1991 પૂજા સ્થળ કાયદો,શું મસ્જિદની જગ્યાએ બની શકે મંદિર

PC: x.com

સંભલ જિલ્લાની શાહી જામા મસ્જિદને લગતો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. એ જ જામા મસ્જિદ, જ્યાં એક પક્ષ દાવો કરે છે કે આ સ્થાન પર શ્રી હરિહર મંદિર હતું, જ્યારે બીજો પક્ષ એમ કહે છે કે, આ તેમની ઐતિહાસિક મસ્જિદ છે. જ્યારે એક ટીમ સર્વે કરવા માટે મસ્જિદની અંદર પહોંચી ત્યારે હિંસા ફાટી નીકળી હતી. ત્યારથી સંભલના સમગ્ર વિસ્તારમાં તણાવ છે. હાલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બજારો, ઈન્ટરનેટ સેવાઓ અને શાળાઓ બંધ રાખવામાં આવી છે. આ દરમિયાન ફરી એકવાર પ્લેસ ઓફ વર્શીપ એક્ટની ચર્ચા છે. હવે આપણે આ કાયદો શું છે તે વિશે જાણીશું.

1991માં જ્યારે રામ મંદિર આંદોલન તેની ચરમસીમાએ હતું. લાલ કૃષ્ણ અડવાણીની રથયાત્રા અને તેમની ધરપકડ ઉપરાંત કાર સેવકો પર ગોળીબારથી કોમી તણાવ સર્જાયો હતો. દેશભરમાં હિન્દુ-મુસ્લિમ રમખાણો થઈ રહ્યા હતા. તે સમયે તત્કાલિન PM PV નરસિમ્હા રાવની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકાર કાયદો લાવી હતી. જેનું નામ પ્લેસિસ ઓફ વર્શીપ એક્ટ હતું.

આ કાયદો એમ કહે છે કે 15 ઓગસ્ટ, 1947ના રોજ દેશના ધાર્મિક સ્થળો જે પણ સ્થિતિમાં હતા, તેમની સ્થિતિ એ જ રહેશે. અધિનિયમની કલમ 3 કહે છે કે કોઈ પણ વ્યક્તિ કોઈપણ ધાર્મિક સંપ્રદાયના કોઈપણ પૂજા સ્થળને અલગ ધાર્મિક સંપ્રદાયના પૂજા સ્થાનમાં રૂપાંતરિત કરી શકશે નહીં. આનું ઉલ્લંઘન કરવા પર 3 વર્ષ સુધીની જેલ થઈ શકે છે અને દંડ પણ થઈ શકે છે. જોકે, રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદને તેનાથી દૂર રાખવામાં આવ્યો હતો.

આ કાયદાને લઈને કેટલાક પક્ષો તરફથી સતત પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. આવી જ એક અરજી 2021માં BJPના નેતા અને વકીલ અશ્વિની કુમાર ઉપાધ્યાયે દાખલ કરી હતી. મીડિયા સૂત્રોના એક અહેવાલ મુજબ અશ્વિની કુમારે કહ્યું હતું કે, આ કાયદો ભારતના બંધારણ દ્વારા નિર્ધારિત ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતનું ઉલ્લંઘન છે. આની પાછળ આપવામાં આવેલી દલીલ એ હતી કે, આ કાયદો તે ધર્મસ્થાનોને મૂળ ધર્મના અનુયાયીઓને પાછા સોંપતા અટકાવે છે, જેને સદીઓ પહેલા આક્રમણકારો અને શાસકો દ્વારા નષ્ટ કરવામાં આવ્યા હતા.

જ્ઞાનવાપી કેસની સુનાવણી કરતી વખતે પૂર્વ CJI DY ચંદ્રચુડે કહ્યું હતું કે, કોઈ સ્થળના ધાર્મિક પાત્રને શોધવાથી 'Places of Worship Act'ની કલમ 3 અને 4નું ઉલ્લંઘન થતું નથી. મતલબ કે, ધાર્મિક સ્થળની પ્રકૃતિ બદલી શકાતી નથી, પરંતુ તે ધર્મસ્થાનનું વાસ્તવિક સ્વરૂપ શું છે તે ચોક્કસપણે જાણી શકાય છે.

19 નવેમ્બરે સુપ્રીમ કોર્ટના વકીલ વિષ્ણુ શંકર જૈને સંભલના ચંદૌસી સિવિલ જજની કોર્ટમાં અરજી દાખલ કરી હતી. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે, સંભલની શાહી જામા મસ્જિદ પહેલા ત્યાં શ્રી હરિહર મંદિર હતું. આ માટે તેમના દ્વારા બે પુસ્તકો અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ના અહેવાલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં બાબરનામા, આઈન-એ-અકબરી અને ASIનો એક 150 વર્ષ જૂનો રિપોર્ટ સામેલ છે.

અરજી દાખલ થયા પછી કોર્ટે મસ્જિદનો સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. ત્યાર પછીથી સંભલમાં તણાવનું વાતાવરણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp