મજૂરના ખાતામાં 2 અબજ 21 કરોડ રૂપિયા આવ્યા, ITની નોટિસ મળતા ઘરવાળા ચોંકી ગયા

PC: aajtak.in

ઉત્તર પ્રદેશના બસ્તીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મજૂર રાતોરાત અબજોપતિ બની ગયો. તેના ખાતામાં 2 અબજ 21 કરોડ રૂપિયાથી વધુની રકમ આવી ગઈ. બેંક ખાતામાં આટલા બધા પૈસા જોઈને કામદારની આંખ પહોળી થઇ ગઈ હતી. પરંતુ હવે આ રકમ તેના માટે મુશ્કેલીનું કારણ બની ગઈ છે. આવકવેરા વિભાગની નોટિસ તેના ઘરે પહોંચી ગઈ. તો ચાલો જાણીએ આખો મામલો શું છે...

હકીકતમાં, આખો મામલો બસ્તીના લાલગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના બરતનિયા ગામનો છે. જ્યારે ત્યાં રહેતા શિવપ્રસાદ નિષાદના ઘરે આવકવેરા વિભાગની નોટિસ પહોંચી ત્યારે હોબાળો મચી ગયો હતો. શિવપ્રસાદ દિલ્હીમાં સ્ટોન ગ્રાઇન્ડીંગનું કામ કરે છે. આવકવેરા વિભાગની નોટિસ જ્યારે એક મજૂરના ઘરે પહોંચી ત્યારે પરિવાર હેબતાઈ ગયો હતો. કારણ કે, નોટિસમાં શિવપ્રસાદના બેંક ખાતામાંથી 221 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન બતાવવામાં આવ્યું છે. આ ઉપરાંત તેને 20મી ઓક્ટોબર સુધીમાં તમામ દસ્તાવેજો સાથે હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે.

હવે શિવપ્રસાદ સમજી શકતો નથી કે તેમના ખાતામાં આટલા પૈસા કેવી રીતે આવ્યા. તે કામ છોડીને દિલ્હીથી UP પરત ફર્યો છે. શિવપ્રસાદે 2019માં તેમનું પાન કાર્ડ ખોવાઈ જવાની આશંકા વ્યક્ત કરી છે. તેની મદદથી કોઈએ છેતરપિંડી કરીને તેના નામે બેંક ખાતું ખોલાવ્યું અને આ કૌભાંડ કર્યું.

આ અંગે તે લાલગંજ પોલીસ સ્ટેશન ગયો અને પોલીસને આ મામલાની જાણ કરી. ખાતાની વિગતો નીકળીને પછી આ અંગે વરિષ્ઠ અધિકારીઓને પણ ફરિયાદ કરી છે. શિવપ્રસાદ પણ આવકવેરા વિભાગની ઓફિસે પહોંચીને આવકવેરા અધિકારીને મળવાનો પ્રયાસ કરી રહ્યો છે.

શિવપ્રસાદે કહ્યું કે, હું મજૂર છું. હું પથ્થર ઘસવાનું કામ કરીને પૈસા કમાઉ છું. મને ખબર નથી કે, આટલા બધા પૈસાની લેવડદેવડ કોણે કરી છે. કદાચ કોઈએ મારા પાન કાર્ડનો દુરુપયોગ કર્યો છે. જે ખાતામાં 2 અબજ 21 કરોડ 30 લાખ રૂપિયા જમા થયા છે તે મારું જ ખાતું છે. આટલો વ્યવહાર ક્યારે અને કેવી રીતે થયો તે જાણી શકાયું નથી. બાકીના ખાતાઓમાં પૈસાની કોઈ લેવડ-દેવડ થઈ નથી.

પોસ્ટ દ્વારા ઘરે મળેલી નોટિસમાં બેંક ખાતામાંથી 2 અબજ 21 કરોડ 30 લાખ રૂપિયાની રોકડ જમા હોવાનો ઉલ્લેખ છે. 4 લાખ 58 હજાર 715 રૂપિયાનો TDS કાપવામાં આવશે એવો પણ ઉલ્લેખ છે. હાલમાં અબજો રૂપિયાના વ્યવહારોને લઈને આવકવેરા અને પોલીસ બંને વિભાગ સક્રિય બન્યા છે. બંને વિભાગોએ પોતપોતાના સ્તરે તપાસ શરૂ કરી છે.

આ મામલામાં પોલીસ અધિકારીએ કહ્યું કે, ખાતામાં થયેલા ટ્રાન્ઝેક્શનની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. બેંક અને આવકવેરા વિભાગ તેમના સંપર્કમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp