એક જ પરિવારના 5 લોકોની ઝેર આપીને કરી નાખી હત્યા, ઘરની જ બે મહિલાઓ નીકળી હત્યારી

PC: aajtak.in

મહારાષ્ટ્રમાં એક જ પરિવારના 5 લોકોની હત્યાથી અફરાતફરી મચી ગઈ. આસપાસના લોકોમાં ડરનો માહોલ છે. 20 દિવસોની અંદર એક એક કરીને પરિવારના લોકોના મોત થવા લાગ્યા. આ હત્યાના આરોપમાં ઘરની જ બે મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, એક પરિવારના 5 લોકોની હત્યાના આરોપમાં બે મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે. કથિત રૂપે બંને મહિલાઓ મૃતકોથી છુટકારો મેળવવા માગતી હતી એટલે તેમણે ભોજન અને પાણીમાં ઝેર ભેળવી દીધું. આ ઝેર તેલંગાણાથી લઈને આવી હતી. બંનેએ આ હત્યાઓને ફૂડ પોઇઝનિંગના રૂપમાં રજૂ કરી હતી.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, પોલીસ અધિકારીએ જણાવ્યું કે, એક આરોપી મહિલા પોતાના પતિ અને સાસરાવાળાના મેણાં-ટોણાંથી નારાજ હતી. તો બીજી આરોપી પોતાની પૈતૃક સંપત્તિમાં ભાગલાને લઈને અસહમત હતી. ઝેરના કારણે પરિવારના 2 અન્ય લોકો અને તેમનો ડ્રાઈવર પણ બીમાર પડી ગયા. જો કે, સારવાર બાદ ત્રણેયની હાલત સ્થિર છે. પરિવારના 5 લોકોના મોત 26 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર વચ્ચે થયા. રિપોર્ટ્સ મુજબ, મોત અગાઉ પીડિતોના અંગોમાં ખાલી ચડવી, પીઠ અને માથામાં તેજ દુઃખાવો હતો.

તેમના હોઠ કાળા અને જીભ ભારે થઈ ચૂકી હતી. સતત થઈ રહેલા મોતોથી સંબંધી અને આસપાસના લોકો હેરાન હતા. અહેરી તાલુકાના મહાગાંવમાં સૌથી પહેલા 20 સપ્ટેમ્બરના રોજ શંકર કુંભારે અને તેની પત્ની વિજયા કુંભારેની તબિયત બગડી. જોત જોતમાં તેમની હાલત ગંભીર થઈ ગઈ. સારવાર માટે તેમને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ 26 સપ્ટેમ્બરના રોજ શંકરનું મોત થઈ ગયું અને આગામી દિવસે જ તેની પત્નીનું પણ મોત થઈ ગયું.

પરિવારના લોકો શોક મનાવી રહ્યા હતા, આ દરમિયાન શંકરનો પુત્ર રોશન અને બંને દીકરીઓ કોમલ અને વર્ષામાં પણ એ પ્રકારના લક્ષણો નજરે પડવા લાગ્યા. તેમને હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા, પરંતુ સારવાર છતા 8 અને 15 ઓક્ટોબર વચ્ચે એક એક કરીને ત્રણેયના મોત થઈ ગયા. ત્યારબાદ શંકરનો દીકરો સાગર માતા-પિતાના અંતિમ સંસ્કાર કરવા ગયો હતો, પરત ફર્યા બાદ તે પણ બીમાર પડી ગયો.

જો કે, સારવાર બાદ તેની હાલતમાં સુધાર છે. એટલું જ નહીં, ત્યારબાદ ડ્રાઈવર પણ બીમાર પડી ગયો. એ સિવાય પરિવારની મદદ કરનાર એક સંબંધીના પણ હોઠ કાળા પડી ગયા. તેને પણ હૉસ્પિટલમાં દાખલ કરાવવો પડ્યો. અધિકારીઓના જણાવ્યા મુજબ, ડૉક્ટરોને શંકા છે કે પીડિત કોઈ પ્રકારના ઝેરથી પીડિત છે. પોલીસે કહ્યું કે, રોશનની પત્ની સંઘમિત્રા અને શંકરના બનેવીની પત્ની રોજાએ કહ્યું કે, પરિવારના લોકોના મોત ફૂડ પોઈઝનિંગથી થયા છે. સંઘમિત્રાએ પોતાની મરજીથી શંકરના પુત્રના લગ્ન કર્યા હતા.

થોડા મહિના અગાઉ તેના પિતાએ આત્મહત્યા કરી લીધી હતી. પરિવારના લોકો તેને મેણાં-ટોણાં મારતા હતા. તો રોજાનો પોતાની નણંદ સાથે સંપત્તિને લઈને વિવાદ હતો. બંનેએ પ્લાનિંગ રચી અને ખાવા-પીવાના સામાનમાં ઝેર ભેળવીને બધાને ખવાડી દીધું. ડ્રાઇવરે ભૂલથી પાણીની બોટલ પી લીધી, જેમાં ઝેર મળેલું હતું. એ બોટલ બાબતે આરોપી મહિલાઓનું કહેવું હતું કે તેમાં સારવાર માટે જડી-બૂટી મળેલી હતી. હાલમાં પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp