2 વર્ષની સિદ્ધિ મિશ્રા માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ પર પહોંચી,વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

PC: aajtak.in

મધ્યપ્રદેશના ભોપાલની બે વર્ષની સિદ્ધિ મિશ્રા ઉર્ફે ગિન્ની 22 માર્ચે માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ પર પહોંચનારી સૌથી નાની બાળકી બની હતી. આ નાની બાળકીએ તેની માતા ભાવના દેહરિયા સાથે બેઝ કેમ્પ પહોંચીને ઈતિહાસ રચ્યો છે. ભાવના પોતે એક પર્વતારોહક છે.

સિદ્ધિએ તેની માતા સાથે એવરેસ્ટ બેઝ કેમ્પ પર ચઢનાર સૌથી નાની વયની વ્યક્તિ બનીને વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો છે. હિમાલયન એક્સપિડિશન્સના ડિરેક્ટર નબીન ટ્રિટલના જણાવ્યા અનુસાર, સિદ્ધિ મિશ્રા તેની માતાની પીઠ પર સવાર થઈને નેપાળની દક્ષિણ બાજુએ સમુદ્ર સપાટીથી 17,598 ફૂટની ઊંચાઈએ ચઢી હતી. આ સમયગાળા દરમિયાન, નીમા શેરપા તેમના સમગ્ર પ્રવાસ દરમિયાન તેમના માર્ગદર્શક રહ્યા.

સિદ્ધિ અને તેની માતા ભાવના 12 માર્ચે (2-4 ડિગ્રી) મધ્ય પ્રદેશથી કાઠમંડુના લુકલા પહોંચી હતી. તે પછી, બંનેએ તે જ દિવસે ફાકડિંગ (2 થી -2 ડિગ્રી) સુધી પગપાળા પ્રવાસ કર્યો. બીજા દિવસે 13 માર્ચે, તેઓએ ફાકડિંગથી નામચે બજાર સુધી ટ્રેકિંગ કર્યું, જે સમુદ્ર સપાટીથી 3440 મીટર (2 થી -6 ડિગ્રી)ની ઊંચાઈ પર છે. એક દિવસના અનુકૂલન પછી, 15 માર્ચે, તેઓએ માઈનસ 12 ડિગ્રી સેલ્સિયસની પવનની ઠંડીમાં 3860 મીટરની ઊંચાઈએ નામચે બજારથી તેંગબોચે સુધી ટ્રેકિંગ કર્યું. અત્યંત ઠંડા હવામાનનો સામનો કરતી નાની સિદ્ધિ માટે ચાલવું સહેલું નહોતું, તેથી તેની માતાએ ડેબોચે (3820 મીટર) ખાતે રહેવાનું નક્કી કર્યું, કારણ કે તેંગબોચેમાં હવામાન ખૂબ ઠંડુ હતું.

ભાવનાએ મીડિયા સૂત્રોને જણાવ્યું કે, 'એવરેસ્ટ બેઝ કેમ્પ લાગે છે એટલું સરળ નથી. જો કે, ગિન્નીએ તેને ખરેખર સારી રીતે પૂરું કરી લીધું અને તે કરવામાં સંપૂર્ણ જુસ્સો દર્શાવ્યો. કેટલીક પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ હતી પણ અમે સિદ્ધિની તબિયત અને મૂડ જોઈને જ આગળ વધ્યા. 16મી માર્ચે ટ્રેકનો પાંચમો દિવસ હતો, અમે ડેબોચે (3820 મીટર)થી ડીંગબોચે સુધીનો ટ્રેક શરૂ કર્યો, જે 4410 મીટરની ઉંચાઈ પર છે. માઈનસ 2 થી 10 ડિગ્રી સુધીનું તાપમાન જોઈને, મેં પરિસ્થિતિ અનુરૂપ ડીંગબોચેમાં એક દિવસ રોકાવાનું નક્કી કર્યું. 18 માર્ચે, અમે સાતમા દિવસે ડીંગબોચેથી લોબુચે સુધી ટ્રેકિંગ કર્યું. 4940 મીટરની ઉંચાઈ પર એટલે કે માઈનસ 6 થી માઈનસ 14 ડીગ્રીના તાપમાનમાં હોવાને કારણે અમે અનેક પડકારોનો સામનો પણ કરવો પડ્યો.

ભાવનાએ વધુમાં કહ્યું કે, બીજા દિવસે 19 માર્ચ (8મા દિવસે) અમે ગોરક શેપ પહોંચ્યા, જે એવરેસ્ટ બેઝ કેમ્પના માર્ગ પરનું છેલ્લું ગામ છે. તે 5146 મીટરની ઉંચાઈ પર રેતીથી ઢંકાયેલ એક થીજી ગયેલા એક તળાવની ઉપર આવેલું છે અને તાપમાન -7 થી -16 ડિગ્રી હતું. અમે એક રાત અહીં રોકાયા અને બીજા દિવસે હવામાન બગડ્યું અને બરફ પડ્યો તેથી અમે અમારા મિશનના છેલ્લા કાર્ય માટે ગોરક્ષેપમાં વધુ બે દિવસ રોકાવાનું નક્કી કર્યું. ગિન્ની માટે આ પહેલી હિમવર્ષા હતી અને તે આ દ્રશ્ય જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ હતી. 11મી તારીખે, એટલે કે 22 માર્ચે, બંને 5164 મીટરની ઊંચાઈએ એવરેસ્ટ બેઝ કેમ્પ પર પહોંચ્યા અને અહીં સવારે 10:45 થી 11:52 સુધી રોકાયા અને ક્વોલિટી ટાઈમ વિતાવ્યો. 12મા દિવસે પણ અમે ગોરક્ષેપમાં હતા અને બીજા દિવસે અમે લોબુચે થઈને પાછા લુકલા પહોંચ્યા અને કાઠમંડુ જવા માટે ઉડાન ભરી. મારા બે વર્ષના બાળક સાથે ટ્રેક પર જવું એ એક માતા તરીકે મારા માટે સૌથી સુંદર યાદગીરી હતી.

ભાવનાએ કહ્યું કે, 'બેઝ કેમ્પમાં સૌથી આશ્ચર્યજનક અને આનંદની વાત એ હતી કે, બેઝ કેમ્પમાં એક નવો માઈલસ્ટોન હતો. મુલાકાતીઓના સ્વાગત માટે અહીં નવું સાઈનબોર્ડ લગાવવામાં આવ્યું છે. તેમાં હિલેરી અને તેનઝિંગની છબીઓ, ગ્રેફિટીથી ઢંકાયેલ ખડકોનો સમાવેશ થાય છે, જે વર્ષોથી ખુમ્બુ પાસંગ લ્હામુ ગ્રામીણ નગરપાલિકા દ્વારા બેઝ કેમ્પમાં સત્તાવાર આગમનનું પ્રતીક છે. તે અગાઉ ત્યાં લાલ અક્ષરોમાં 'એવરેસ્ટ બેઝ કેમ્પ 5364 મીટર'નો ઉલ્લેખ કરતો માત્ર એક મોટો ખડક હતો. હું ખરેખર આ નવા ફેરફારની પ્રશંસા કરું છું અને અમે ત્યાં ઘણી તસવીરો પણ લીધી છે.'

અહીં તમને જણાવી દઈએ કે, ભાવના દેહરિયા મિશ્રા એક પ્રોફેશનલ પર્વતારોહક છે, જે માઉન્ટ એવરેસ્ટ પર ચડનાર મધ્યપ્રદેશની પ્રથમ મહિલા પર્વતારોહકોમાંથી એક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp