26 વર્ષનો યુવાન ગળી ગયો 39 સિક્કા અને 37 ચુંબક, આ રીતે ડોક્ટરોએ બચાવ્યો જીવ

PC: thejbt.com

તમે ઘણીવાર જોયું હશે કે સાંભળ્યું હશે કે, ક્યારેક બાળકો રમતા રમતા કેટલીક વસ્તુઓ ગળી જતા હોય છે, જે ક્યારેક તેમના જીવ માટે ખતરો બની જાય છે. ક્યારેક કેટલીક રમતની વસ્તુઓ, તો ક્યારેક પથ્થર કે સિક્કા. ઘણીવાર જ્યારે આવા કિસ્સાઓ સામે આવે છે, ત્યારે આપણને આઘાત લાગે છે, પરંતુ જો તે બાળક નહીં પણ પુખ્ત વયના લોકો હોય અને તે પણ જાણીજોઈને આવું કરતા હોય તો..., હાલમાં જ એક એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેના વિશે જાણીને તમે પણ દંગ રહી જશો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, 26 વર્ષના એક છોકરાએ પોતાના શરીરમાં ઝિંકની માત્રા વધારવા માટે 39 સિક્કા અને 37 લોહચુંબકના ટુકડા ગળી લીધા.

હકીકતમાં, તાજેતરમાં જ દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં 26 વર્ષના એક દર્દીનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, હોસ્પિટલમાં સર્જરી પછી ડોક્ટરોએ દર્દીના પેટમાંથી એક-બે નહીં પરંતુ 39 સિક્કા અને 37 લોહચુંબકના ટુકડા કાઢ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ યુવાન પોતાના શરીરમાં ઝિંકની માત્રા વધારવા માટે કેટલાક દિવસોથી આવું કરી રહ્યો હતો. દર્દીના સંબંધીઓના જણાવ્યા અનુસાર, તે માનસિક રીતે બીમાર છે અને તેને સિક્કા ખાવાની આદત છે. તે દરરોજ મોઢામાં સિક્કા ચગળ્યા કરતો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે, છેલ્લા 20 દિવસથી દર્દીને વારંવાર ઉલ્ટી અને પેટમાં દુખાવો થતો હતો, ત્યાર પછી એક દિવસ દર્દીના પરિવારજનો તેને સારવાર માટે સર ગંગારામ હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં તપાસ દરમિયાન પેટમાં કંઈક અજુગતું જોવા મળ્યું. ઘણી બધી તપાસ કરાવ્યા પછી સિક્કાઓ અને લોહચુંબક મળી આવ્યા હતા.

હોસ્પિટલના લેપ્રોસ્કોપિક સર્જન ડો.તરુણ મિત્તલે જણાવ્યું હતું કે, એક્સ-રેમાં સિક્કા જેવી વસ્તુઓ જોવા મળી હતી, ત્યારપછી દર્દીના પેટનું CT સ્કેન કરવામાં આવ્યું હતું, જેમાં સિક્કા અને ચુંબકના કારણે આંતરડામાં બ્લોકેજ જોવા મળ્યું હતું. આ જ કારણ હતું કે, ડોક્ટરોએ તાત્કાલિક સર્જરી કરવાનો નિર્ણય લીધો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, સર્જરી દરમિયાન નાના આંતરડામાં બે અલગ-અલગ લૂપ્સમાં ચુંબક અને સિક્કા મળી આવ્યા હતા. ચુંબકીય અસરે બે લુપ્સને એક સાથે ખેંચી અને તેનો નાશ કર્યો હતો. દર્દીના પેટમાંથી એક રૂપિયા, બે રૂપિયા અને પાંચ રૂપિયાના કુલ 39 સિક્કા મળી આવ્યા હતા. એટલું જ નહીં, સર્જરીની મદદથી લોહચુંબકના 37 ટુકડાઓ પણ બહાર કાઢવામાં આવ્યા હતા. દર્દીને સાત દિવસની સારવાર પછી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp