ટ્રેનમાં 4 કરોડ રોકડા લઇને જતા 3 પકડાયા, એક BJP કાર્યકર, આ નેતાનું નામ આપી દીધું

PC: twitter.com

લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ દેશમાં આદર્શ આચાર સંહિતા લાગૂ પડી ગઇ છે અને ચૂંટણી અધિકારીઓ રોકડની અવરજવર પર બાજ નજર રાખી રહ્યા છે. જાણવા મળેલી વિગત મુજબ તમિલાનાડુમાંથી ચૂંટમી અધિકારીઓને મોટો દલ્લો મળ્યો છે. ટ્રેનમાં જઇ રહેલા 3 લોકો પાસે 4 કરોડ રૂપિયાની રકમ જપ્ત કરી લેવામાં આવી છે. પકડાયેલા 3માંથી એક ભાજપનો કાર્યકર હોવાનું જાણવા મળ્યું છે.

ચેન્નાઈના તાંબરમ રેલવે સ્ટેશન પર 4 કરોડ રૂપિયાની રોકડ સાથે ત્રણ લોકો ઝડપાયા છે. ત્રણમાંથી એક વ્યક્તિ ભાજપમાં કાર્યકર તરીકે કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. ચાર કરોડ રૂપિયા છ અલગ-અલગ બેગમાં રાખવામાં આવ્યા હતા. પોલીસે ત્રણેયની ધરપકડ કરી છે. જપ્ત રોકડ ભરેલી બેગ તપાસ માટે આવકવેરા વિભાગને સોંપવામાં આવી છે.

ઇન્ડિયા ટુડેના એક અહેવાલ મુજબ ધરપકડ કરાયેલા ભાજપ કાર્યકરનું નામ સતીશ છે, જે હોટલ મેનેજર પણ છે, તેની ઉંમર 33 વર્ષ છે. તેની સાથે તેનો ભાઈ નવીન પણ ઝડપાઈ ગયો છે. તેની સાથે પેરુમલ નામના અન્ય એક વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે. કહેવાય છે કે પેરુમલ ડ્રાઈવર છે. ત્રણેય ટ્રેન દ્વારા તિરુનેલવેલી તરફ જઈ રહ્યા હતા.

અહેવાલમાં જણાવ્યા મુજબ, તમિલનાડુ ફ્લાઈંગ સ્ક્વોડને પૈસા સંબંધિત ગુપ્ત માહિતી મળી હતી. અધિકારીઓ 6 એપ્રિલે રાત્રે લગભગ 9 વાગે પોલીસ સાથે તાંબારામ રેલવે સ્ટેશન પહોંચ્યા અને ટ્રેનની તલાશી લીધી. ત્યારબાદ સેકન્ડ ક્લાસ એસી કોચમાં ત્રણ લોકોની બેગમાંથી મોટી રકમની રોકડ મળી આવી હતી.

પૂછપરછ દરમિયાન સતીષે જણાવ્યું કે, તે કથિત રીતે તિરુનેલવેલીથી ભાજપ સાંસદ અને પાર્ટીના ઉમેદવાર નૈનાર નાગેંથિરનની ટીમની સૂચના પર આ કામ કરી રહ્યો હતો. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, ત્રણેયની કબૂલાતના આધારે, પોલીસ ટીમોએ નૈનાર નાગેન્દ્રન સાથે જોડાયેલા સ્થળો કિલપૌક, ટ્રિપ્લિકેન અને સાલીગ્રામમને શોધી કાઢ્યા હતા. કહેવાય છે કે અગાઉ આ જગ્યાઓ પર કથિત રીતે પૈસા રાખવામાં આવ્યા હતા.

આ બાબતે માહિતી આપતા ચેંગલપટ્ટુના જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે,6 એપ્રિલે, ફ્લાઈંગ સ્ક્વોડે ચેન્નાઈના તાંબરમ રેલવે સ્ટેશન પર 4 કરોડ રૂપિયા જપ્ત કર્યા હતા. આવકવેરા વિભાગ જપ્ત કરાયેલી રકમની તપાસ કરશે કારણ કે રકમ 10 લાખ રૂપિયાથી વધુ છે. જપ્તી સંબંધિત તમામ માહિતી આવકવેરા વિભાગને મોકલી દેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp