ધીરજ સાહુ પાસે 381 કરોડ મળ્યા છતા ધરપકડ નથી થઇ.અત્તર વેપારી પિયુષ જૈનની થઇ ગયેલી

PC: Indiatoday.in

કાનપુરના અત્તરના વેપારી પિયુષ જૈન પર જ્યારે આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા અને તેમની પાસેથી 197 કરોડ રૂપિયા મળ્યા હતા તો તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી, પરંતુ કોંગ્રેસ નેતા ધીરજ સાહુ પાસેથી 381 રોકડ મળી હોવા છતા તેમની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી. તો આવકવેરા વિભાગનો નિયમ શું છે તે જાણો. પિયુષ જૈનને 11 મહિના પછી હાઇકોર્ટમાંથી છુટકારો મળ્યો હતો.

આવકવેરા વિભાગે સાંસદ ધીરજ પ્રસાદ સાહુના પરિસરમાંથી 350 કરોડ રૂપિયાથી વધુની રોકડ જપ્ત કરી છે. આ કાર્યવાહી બાદ કાનપુરના અત્તરના વેપારી પિયૂષ જૈનનો મામલો પણ ચર્ચામાં આવ્યો છે. ડિસેમ્બર 2021 માં, GST ઇન્ટેલિજન્સ ડિરેક્ટોરેટ જનરલ (DGGI) એ પિયુષ જૈનના ઘણા સ્થળો પર દરોડા પાડ્યા હતા. ત્યારબાદ DGGIએ જૈનના પરિસરમાંથી 197 કરોડ રૂપિયા રોકડા, 23 કિલો સોનું અને અન્ય કિંમતી ચીજવસ્તુઓ જપ્ત કરી હતી.

પિયુષ જૈનના કેસમાં તપાસ એજન્સીએ બિઝનેસમેનને 497 કરોડ રૂપિયાની પેનલ્ટી નોટિસ ફટકારી છે. આ સિવાય આવકવેરા વિભાગ તેના પર મોટો દંડ પણ લગાવશે. રોકડ મળી આવ્યા બાદ પિયૂષ જૈનની ધરપકડ કરવામાં આવી હતી. હાલ તે જામીન પર છે.

ધીરજ સાહુના કેસમાં અધિકારીઓનું કહેવું છે કે કોઈપણ તપાસ એજન્સી દ્વારા એક જ ઓપરેશનમાં જપ્ત કરવામાં આવેલી આ અત્યાર સુધીની સૌથી મોટી રકમ છે. પરંતુ આટલી મોટી રકમ મળ્યા બાદ પણ હજુ સુધી ધીરજ સાહુની ધરપકડ કરવામાં આવી નથી, જ્યારે આના કરતા ઓછા પૈસા મળતા પીયૂષ જૈનની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી.

કોંગ્રેસના સાંસદ ધીરજ સાહુ પર પાડવામાં આવેલા દરોડા આવકવેરા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યા હતા અને આવકવેરા અધિનિયમ-1961 મુજબ, આવકવેરા વિભાગ પાસે ધરપકડ કરવાની સત્તા નથી. આ કાયદા હેઠળ દરોડા અને અન્ય કાર્યવાહીમાં ધરપકડની કોઈ જોગવાઈ નથી. વધારેમાં વધારે સર્ચ પૂરી થયા પછી, આકારણી અને કાર્યવાહી કરી શકાય છે અને કોર્ટ દ્વારા સજા લાદવામાં આવી શકે છે.

પિયુષ જૈન પર જે દરોડા પડ્યા હતા તે સેન્ટ્રલ GST વિભાગના ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા પાડવામાં આવ્યા હતા. CGST કલમ-69 હેઠળ ધરપકડની જોગવાઈ છે, જે GST વિભાગને તાત્કાલિક ધરપકડ કરવાની સત્તા આપે છે. જેના કારણે પિયૂષ જૈનની ધરપકડ કરવામાં આવી હતી.

ધીરજ સાહુની ધરપકડ ત્યારે જ શક્ય છે જ્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અથવા CBI જેવી એજન્સીઓ કેસ નોંધીને તપાસ શરૂ કરે. જો એજન્સીઓને લાગે છે કે આ કેસમાં મની લોન્ડરિંગ થયું છે અથવા કોઈ ગુનાહિત પ્રવૃત્તિને કારણે આટલી મોટી રકમ કમાઈ છે તો ED કે CBI કેસ નોંધીને ધીરજ સાહુની ધરપકડ કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp