રામમંદિર ઊભું કરવામાં પડદા પાછળના આ 5 ખેલાડીઓની મોટી ભૂમિકા છે
અયોધ્યામાં રામ મંદિરના નિર્માણના પ્રથમ તબક્કાનું કામ પૂરું થઇ ગયું છે. હવે ટ્રસ્ટ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના આયોજનમાં વ્યસ્ત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ લલ્લાનો અભિષેક કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5 ઑગસ્ટ 2020ના રોજ મંદિરનું ભૂમિપૂજન પણ કર્યું હતું. ત્યારબાદ ટ્રસ્ટે મંદિર નિર્માણની પ્રક્રિયા શરૂ કરી હતી. ટ્રસ્ટ સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે 3,500 મજૂરો અને 150 એન્જિનિયરોની અથાગ મહેનતને કારણે બાંધકામ સમયસર પૂરું થયું છે. મીડિયા અને સોશિયલ મીડિયા પર બાંધકામ સાથે જોડાયેલા ઘણા ચહેરા મોટા પ્રમાણમાં બતાવવામાં આવી રહ્યા છે, પરંતુ આવા 5 ચહેરાઓ છે જેમણે મંદિરના નિર્માણમાં પડદા પાછળ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ચાલો આ આર્ટિકલમાં એવા 5 લોકોની ભૂમિકા વિશે વિસ્તૃત માહિતી મેળવીશું.
વિનોદ કુમાર મેહતા
વિનોદ મેહતા લાર્સન એન્ડ ટર્બો (L&T)ના પ્રોજેક્ટ હેડ છે. રામ મંદિર નિર્માણની જવાબદારી આ કંપનીને આપવામાં આવી છે. મંદિર નિર્માણની સમીક્ષાને લઈને અત્યાર સુધીની તમામ મીટિંગમાં તેઓ હાજર રહ્યા છે. હાલમાં જ રામ મંદિરના નિર્માણ કાર્યને લઈને વિનોદ મેહતાનું એક નિવેદન વાયરલ થયું હતું. એ મુજબ, મંદિરનું બાંધકામ એ રીતે થયું છે કે, મંદિરને ભૂકંપથી કોઈ વધુ જોખમ ન રહે.
મૂળ ઉત્તરાખંડના વિનોદ મેહતાએ પોતાનો પ્રાથમિક અભ્યાસ અલ્હાબાદથી પૂરો કર્યો હતો. મેહતાની Linkedin પ્રોફાઇલ મુજબ, તેઓ વર્ષ 1991માં L&Tમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે જોડાયા હતા. તેઓ અગાઉ ગલ્ફ દેશોમાં L&Tના ઘણા પ્રોજેક્ટ્સ પર કામ કરી ચૂક્યા છે. આ સિવાય વિનોદ મેહતાએ દક્ષિણ ભારતમાં ઘણા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ પર પણ કામ કર્યું છે. તેમના નેતૃત્વમાં લગભગ 1,500 કારીગરો અને 150 એન્જિનિયર રામ મંદિરના નિર્માણ માટે કામ કરી રહ્યા છે.
વી.એસ. રાજૂ
રામ મંદિરમાં કેટલા સ્તંભો હશે, ગર્ભગૃહ કેવું હશે? આ તમામ બ્લૂપ્રિન્ટ IIT દિલ્હીના નિવૃત્ત પ્રોફેસર વી.એસ. રાજૂની અધ્યક્ષતા હેઠળની નિષ્ણાત સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. મીડિયો રિપોર્ટ મુજબ, વી.એસ. રાજૂની ટીમે મંદિરના નિર્માણ માટે મુખ્યત્વે 3 બાબતોનું ખાસ ધ્યાન રાખ્યું હતું. (1) તે કઈ પ્રકારની માટી છે અને તેમાં કઈ સામગ્રીનો ઉપયોગ કરવો જોઈએ. (2) અયોધ્યાનું વાતાવરણ કેવું છે? આગામી વર્ષોમાં કેવું રહેશે? (3) પુરાતત્વ શાસ્ત્રમાંથી મળેલા નકશામાં રામ મંદિર કેવા પ્રકારનું હતું?
સમિતિના રિપોર્ટના આધારે L&Tના એન્જિનિયરો અને કારીગરોએ મંદિરનું નિર્માણ કર્યું છે. IICSમાંથી એન્જિનિયરિંગ કર્યા પછી વી.એસ. રાજૂએ જર્મનીથી ડૉક્ટરેટ કર્યું. IIT દિલ્હીના ડિયરેક્ટર બનવા અગાઉ તેઓ IIT મદ્રાસમાં પ્રોફેસર હતા. તેઓ આંધ્ર પ્રદેશમાં બાયરાજૂ ફાઉન્ડેશનનું પણ નેતૃત્વ કરે છે. આ ફાઉન્ડેશન 5 જિલ્લામાં 155 ગામડાઓને વિકસાવવામાં રોકાયેલું છે.
અન્નુભાઈ સોમપુરા
અયોધ્યામાં રામ મંદિરના નિર્માણમાં લોખંડ અને સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયના જણાવ્યા મુજબ મંદિરનું નિર્માણ પથ્થરોનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું છે. તેના માટે ખાસ પ્રકારના પથ્થર પર કોતરણી કરવામાં આવી છે. અન્નુભાઈ સોમપુરાની અધ્યક્ષતા હેઠળ પથ્થરનું કોતરણી કામ કરવામાં આવ્યું હતું.મીડિયા રિપોર્ટ મુજબ, કારસેવકપુરમમાં એક ટીમ પથ્થરો કોતરવા માટે બેઠી હતી. અહીંથી તમામ કોતરેલા પથ્થરો જન્મસ્થળ પર મોકલવામાં આવ્યા હતા.
મૂળ ગુજરાતના પ્રભાસ પાટણના રહેવાસી અન્નુભાઈ સોમપુરા 33 વર્ષ અગાઉ અયોધ્યા ગયા હતા. એ સમયે તેમણે પથ્થરો કોતરવાનું પણ શરૂ કર્યું હતું. ત્યારબાદ સોમપુરાનો આખો પરિવાર અયોધ્યામાં સ્થાયી થયો. એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા અન્નુભાઈ સોમપુરા કહે છે કે, શરૂઆતમાં જ્યારે અમે અયોધ્યા આવ્યા ત્યારે માત્ર 2 જ પથ્થરો હતા. અહીં આવતા પહેલા કારીગરો પણ ડરતા હતા. જો કે અમને આશા હતી કે એક દિવસ અહીં રામ મંદિર ચોક્કસ બનશે. અન્નુભાઈના મતે રામ મંદિરના નિર્માણમાં જે પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે ગુલાબી રંગના છે. આ પથ્થર પર કરવામાં આવેલું કોતરકામ દૂરથી પણ જોઈ શકાય છે.
નૃપેન્દ્ર મિશ્રા
વડાપ્રધાનના ભૂતપૂર્વ મુખ્ય સચિવ, નૃપેન્દ્ર મિશ્રા રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ છે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની રચના બાદ તેમને આ જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારથી તેઓ અયોધ્યામાં રહીને મંદિર નિર્માણની દેખરેખ કરી રહ્યા હતા. નૃપેન્દ્ર મિશ્રાની ટીમ PMO અને CMOના ફીડબેક એન્જિનિયરો સુધી પહોંચાડવાનું કામ પણ કરી રહી હતી. એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે સમગ્ર પ્રક્રિયાને ગોપનીય રાખવી એ એક મોટો પડકાર હતો. અમે મંદિરની સુરક્ષા વ્યવસ્થાથી લઈને મૂર્તિના નિર્માણ સુધીની પ્રક્રિયાને ગોપનીય રાખી હતી.
નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું કે, અહીં ધાર્મિક, સાંસ્કૃતિક અને આર્થિક પ્રવૃત્તિઓની સાથે સાથે ઝડપ વિકાસ થાય છે, તેના પર પણ કામ ચાલી રહ્યું છે. નૃપેન્દ્ર મિશ્રાને વડાપ્રધાન મોદીના વિશ્વાસુ માનવામાં આવે છે. વર્ષ 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારે મિશ્રાને PMOના વડા બનાવવામાં આવ્યા હતા. મૂળ ઉત્તર પ્રદેશના દેવરિયાના વતની મિશ્રા 1967 બેચના IAS અધિકારી છે. વહીવટી સેવા દરમિયાન તેઓ ટ્રાઈના અધ્યક્ષ અને ટેલિકોમ વિભાગના સચિવ જેવા મહત્ત્વના પદો પર રહી ચૂક્યા છે. તેમણે કહ્યું કે, અહીં ધાર્મિક, સાંસ્કૃતિક અને આર્થિક પ્રવૃત્તિઓની સાથે સાથે ઝડપથી વિકાસ થાય છે, આના પર પણ કામ ચાલી રહ્યું છે.
ચંપત રાય
વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના ઉપાધ્યક્ષ ચંપત રાય મંદિર ટ્રસ્ટના મહાસચિવ છે. જનરલ સેક્રેટરી તરીકે તેમનું કામ પણ મેનેજમેન્ટનું છે. મહાસચિવ હોવાના કારણે રાય ટ્રસ્ટ તરફથી રામ મંદિર નિર્માણ પર પણ નજર રાખી રહ્યા છે. રાય મંદિરના નિર્માણને લગતી દરેક અપડેટ મીડિયાને આપે છે. એટલે કે મંદિર નિર્માણના દરેક નિર્ણયમાં તેમની મહત્ત્વની ભૂમિકા છે. ચંપત રાય બાંધકામ સંબંધિત દરેક સમીક્ષા બેઠકમાં હાજર રહ્યા છે.
ચંપત રાય કોર્ટમાં રામલલાના વકીલ પણ રહી ચૂક્યા છે. તેમનો જન્મ 18 નવેમ્બર 1946ના રોજ ઉત્તર પ્રદેશના બિજનૌર જિલ્લાના નગીના તાલુકામાં રામેશ્વર પ્રસાદ બંસલ અને સાવિત્રી દેવીને ત્યાં થયો હતો. તેઓ બાળપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)માં જોડાયા હતા. ઉચ્ચ શિક્ષણ પૂરું કર્યા બાદ તેઓ ધામપુરના આશ્રમમાં ડિગ્રી કૉલેજમાં રસાયણશાસ્ત્રના પ્રોફેસર હતા. જો કે કટોકટી દરમિયાન તેઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા અને તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. ચંપત રાય જેલમાંથી બહાર આવ્યા ત્યારે તેમણે સરકારી નોકરી છોડી દીધી હતી. ત્યારબાદ તેમણે સંઘ માટે સક્રિય રીતે કામ કરવાની શરૂઆત કરી.
આ દરમિયાન મંદિર આંદોલને વેગ પકડી લીધો હતો VHPએ તેમને 1991માં અયોધ્યાના સંગઠન પ્રભારી બનાવ્યા. આ એ સમય હતો જ્યારે મંદિર આંદોલનમાં 28 હિન્દુ કામદારો માર્યા ગયા હતા. ચંપત રાયે તમામ લોકોને એક કર્યા અને મંદિર આંદોલવને વેગ આપવાની શરૂઆત કરી. બાબરી વિધ્વંસ બાદ કેસ કોર્ટમાં ગયો હતો. સરકારની ગેરહાજરીના કારણે VHP કાર્યકરો વચ્ચે ઘર્ષણ શરૂ થયું. આવા સમયે, તેમણે ધીરજ દેખાડી અને કોર્ટની તમામ તારીખોમાં લડત આપતા રહ્યા. નીચલી કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી રામલલાની લડાઈ લડી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp