ચૂંટણીઓ વચ્ચે EDએ કોંગ્રેસની 751 કરોડની સંપત્તિ જપ્ત કરી, જાણો કેમ?

PC: indiatoday.in

છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમ એમ 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી વચ્ચે કોંગ્રેસને મોટો ઝટકો લાગે તેવા સમાચાર સામે આવ્યા છે.નેશનલ હેરાલ્ડ કેસમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મંગળવારે 21 નવેમ્બર, મંગળવારે યંગ ઈન્ડિયન (YIL) અને એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL)ની 750 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે જપ્ત કરવામાં આવેલી સ્થાવર મિલકતોમાં દિલ્હીમાં આઇટીઓ ખાતે નેશનલ હેરાલ્ડનું કાર્યાલય સંકુલ, લખનૌમાં કૈસરબાગ નજીક મોલ એવન્યુમાં નેહરુ ભવન અને મુંબઈમાં હેરાલ્ડ હાઉસનો સમાવેશ થાય છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે એક નિવેદવમાં આરોપ લગાવ્યો છે કોંગ્રેસને દાન આપનારા અને શેરધારકોને એસોસિયેટેડ જર્નલ લિમિટેડ અને પાર્ટીએ છેતર્યા છે. EDએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ AJL અને યંગ ઈન્ડિયન કંપની વિરુદ્ધ સંપત્તિ જપ્ત કરવાનો આદેશ જારી કર્યો હતો. AJLની રૂ. 691.9 કરોડ અને યંગ ઇન્ડિયનની રૂ. 90 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. નેશનલ હેરાલ્ડ એસોસિએટેડ જર્નલ લિમિટેડ દ્વારા પ્રકાશિત થાય છે અને યંગ ઈન્ડિયન પ્રાઈવેટ લિમિટેડની માલિકી ધરાવે છે.

દેશના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુએ 1938માં 5 હજાર સ્વાતંત્ર્ય સેનાનીઓ સાથે મળીને નેશનલ હેરાલ્ડ અખબારની શરૂઆત કરી હતી, પરંતુ વર્ષ 2008માં તેનું પ્રકાશન બંધ કરી દેવામાં આવ્યું હતું. નેશનલ હેરાલ્ડ એસોસિયેટ જર્નલ (AJL) દ્વારા સંચાલિત કરવામાં હતું. AJLએ પોતે હિન્દીમાં નવજીવન, ઉર્દૂમાં કૌમી આવાઝ અને અંગ્રેજીમાં નેશનલ હેરાલ્ડ નામનું અખબાર શરૂ કર્યું હતું. જવાહર લાલ નેહરુ પાસે AJL પર માલિકી હક નહોતો કારણ કે તેને શરૂ કરવામાં 5 હજાર સ્વાતંત્ર્ય સેનાનીઓ પણ સામેલ હતા.

અખબાર પર 90 કરોડ રૂપિયાની લોન હતી, જે ચૂકવવામાં આવી ન હતી. વર્ષ 2010 માં, નવી કંપની યંગ ઇન્ડિયન પ્રાઇવેટ લિમિટેડની રચના કરવામાં આવી. કોંગ્રેસે યંગ ઈન્ડિયનને રૂ. 90 કરોડની લોન ટ્રાન્સફર કરી અને એસોસિયેટ જર્નલે પણ પોતાનો સંપૂર્ણ હિસ્સો નવી કંપનીને આપી દીધો. તેના બદલામાં યંગ ઈન્ડિયને AJLને 50 લાખ રૂપિયા આપ્યા હતા.

વર્ષ 2012 માં, BJPના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી, તેમના પર ભંડોળના ગુનાહિત દુરુપયોગનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે યંગ ઈન્ડિયન (YIL) કંપનીની સ્થાપના વર્ષ 2010માં પાર્ટીના પૈસાથી AJLની લોન ખરીદવા માટે કરવામાં આવી હતી. આ કંપનીમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનો 76 ટકા હિસ્સો છે અને 12-12 ટકા શેર મોતીલાલ વોરા અને ઓસ્કર ફર્નાન્ડિસ પાસે હતી. પોતાની ફરિયાદમાં સ્વામીએ 2000 કરોડ રૂપિયાની કંપની માત્ર 50 લાખ રૂપિયામાં ખરીદવા પર પણ સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે માત્ર 50 લાખ રૂપિયા ખર્ચીને 90 કરોડ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે.

કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી યંગ ઈન્ડિયન કંપનીના મોટાભાગના શેર ધરાવે છે. બંને પાસે 38-38 ટકા શેર છે. મની લોન્ડરિંગનો આ કેસ દિલ્હીના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટના આદેશથી ઉભો થયો હતો, જેમાં નેશનલ હેરાલ્ડની કામગીરીમાં કથિત અનિયમિતતાઓ સામેની ખાનગી ફરિયાદની 26 જૂન, 2014ના રોજ ધ્યાન પર લીધી હતી.

EDએ જણાવ્યું હતું કે અદાલતને જાણવા મળ્યું છે કે યંગ ઇન્ડિયન સહિત સાત આરોપી વ્યક્તિઓ અને સંસ્થાઓએ પ્રથમ દૃષ્ટિએ ઇન્ડિયન પીનલ કોડ (IPC)ની વિવિધ કલમો હેઠળ વિશ્વાસઘાતના ગુનાહિત ગુના કર્યા હતા, જેમાં છેતરપિંડી અને અપ્રમાણિકપણે મિલકતના વ્યવહારને પ્રેરિત કરવાનો સમાવેશ થાય છે.

EDનો આરોપ છે કે આરોપીઓએ યંગ ઈન્ડિયન દ્વારા AJLની કરોડો રૂપિયાની સંપત્તિઓ હસ્તગત કરવા માટે ગુનાહિત કાવતરું ઘડ્યું હતું. EDનું કહેવું છે કે AJLને અખબારો પ્રકાશિત કરવાના હેતુથી ભારતના વિવિધ શહેરોમાં રાહત દરે જમીન આપવામાં આવી હતી. EDએ આરોપ લગાવ્યો છે કે AJLએ 2008માં તેનું પ્રકાશન બંધ કરી દીધું હતું અને કોર્મશિયલ હેતુઓ માટે સંપત્તિનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું. આવકવેરાના નિયમો અનુસાર, કોઈપણ રાજકીય પક્ષ કોઈપણ ત્રીજા પક્ષ સાથે નાણાંની લેવડ-દેવડ કરી શકે નહીં.

આ કેસમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મોતીલાલ વોરા, ઓસ્કર ફર્નાન્ડિસ, સામ પિત્રોડા અને સુમન દુબેને આરોપી બનાવવામાં આવ્યા હતા. એજન્સીએ આ કેસના સંબંધમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પાર્ટીના નેતાઓ પવન બંસલ, ડી.કે. શિવકુમાર (કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી) અને તેમના સાંસદ ભાઈ ડી.કે.સુરેશની ગયા વર્ષે પૂછપરછ કરવામાં આવી હતી અને તેમના નિવેદન નોંઘવામાં આવ્યા હતા.

નેશનલ હેરાલ્ડ કેસમાં સંપત્તિ જપ્ત કરાયા પછી કોંગ્રેસે નિવેદન આપ્યું છે. કોંગ્રેસે એજન્સીની કાર્યવાહીને બદલો લેવાનું તુચ્છ કાવતરું ગણાવ્યું અને EDને ભાજપના ગઠબંધનના સાથી ગણાવ્યું. કોંગ્રેસે કહ્યું કે આ કાર્યવાહી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની નિશ્ચિત હાર પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp