89 વર્ષીય પતિએ 82 વર્ષની પત્ની પાસે છૂટાછેડાની માગ કરી, કોર્ટે આ કારણે ના પાડી
સુપ્રીમ કોર્ટે એક 89 વર્ષીય વ્યક્તિની છૂટાછેડાની અરજીને ફગાવી દઈને લગ્નને લઈ મહત્વની ટિપ્પણી કરી છે. આ વ્યક્તિ તેની 82 વર્ષની પત્નીને છૂટાછેડા આપવા માંગતો હતો, જેના પર કોર્ટે કહ્યું કે, લગ્નને હજુ પણ પવિત્ર માનવામાં આવે છે.
ભૂતપૂર્વ સશસ્ત્ર દળના અધિકારીએ તેની પત્નીને છૂટાછેડા આપવા માટે કોર્ટનો સંપર્ક કર્યાના 27 વર્ષ પછી, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દીધી છે. 89 વર્ષીય અધિકારી અને તેમની પત્ની, જે હવે 82 વર્ષની છે, તેમને યાદ અપાવવામાં આવ્યું છે કે, લગ્નને હજુ પણ પવિત્ર માનવામાં આવે છે. કોર્ટે કહ્યું કે ભારતીય સમાજમાં લગ્ન એ પતિ-પત્ની વચ્ચેનું આધ્યાત્મિક અને અમૂલ્ય ભાવનાત્મક જીવનમાયા છે.
આ દંપતીએ માર્ચ 1963માં લગ્ન કર્યા અને તેમને બે પુત્રી અને એક પુત્ર છે. જાન્યુઆરી 1984માં અધિકારીની અમૃતસરથી મદ્રાસ બદલી થયા પછી સમસ્યાઓ શરૂ થઈ. તેની પત્ની, જે એક શિક્ષિકા હતી, તેણે તેની સાથે રહેવાની ના પાડી અને તે તેના સાસરિયાઓ સાથે અને ત્યાર પછી તેમના પુત્ર સાથે અલગ રહેવા લાગી. જ્યારે સમાધાનના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા, ત્યારે પતિએ ક્રૂરતા અને ત્યાગના આધારે છૂટાછેડા મેળવવાની અરજી કરી.
પતિએ કોર્ટમાં દલીલ કરી હતી કે, જ્યારે તેને હાર્ટ એટેક આવ્યા પછી સેનાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારે તેની પત્નીએ તેને ફોન પણ કર્યો ન હતો. આ વ્યક્તિએ એમ પણ કહ્યું કે, તેની પત્નીએ તેની છબી ખરાબ કરવા માટે તેના ઉપરી અધિકારીઓને ફરિયાદ કરી હતી. તેણે કહ્યું, આ બધી ક્રૂરતા છે. તેણે કહ્યું કે માર્ચ 1997થી જ્યારે તેમણે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી ત્યારથી તેઓ અલગ રહેતા હતા. તેમણે કહ્યું કે કોર્ટે બંધારણની કલમ 142 હેઠળ છૂટાછેડાનો આદેશ આપવો જોઈએ.
જો કે, પુરુષની પત્નીએ કહ્યું કે, વૃદ્ધ મહિલા હોવાને કારણે તે 'છૂટાછેડા લેનાર'ના 'કલંક' સાથે મરવા માંગતી નથી. મહિલાએ કહ્યું કે, તેણે તમામ પક્ષો વચ્ચેના પવિત્ર સંબંધનું સન્માન કરવાના તમામ પ્રયાસો કર્યા અને હજુ પણ તે તેના પુત્રની મદદથી પતિની સંભાળ લેવા તૈયાર છે.
મહિલાએ એવી પણ દલીલ કરી હતી કે માત્ર લાંબા સમય સુધી અલગ રહેવું એ છૂટાછેડાનું કારણ હોઈ શકે નહીં. ફેબ્રુઆરી 2000માં ચંદીગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટે તેમને છૂટાછેડા આપ્યા હતા. પત્નીની અપીલ પર પંજાબ અને હરિયાણા હાઈકોર્ટની સિંગલ જજની બેન્ચે ડિસેમ્બર 2000માં આદેશને ઉલટાવી દીધો હતો. ફેબ્રુઆરી 2009માં, હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે સિંગલ જજની બેન્ચના આદેશને માન્ય રાખ્યો, જેના પગલે પતિએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો.
સર્વોચ્ચ અદાલતે પણ ક્રૂરતાના પાસા પર હાઈકોર્ટના તારણ સાથે સંમત થયા હતા અને જણાવ્યું હતું કે, અપીલકર્તા એ સાબિત કરવામાં નિષ્ફળ ગયા હતા કે પત્નીએ પતિ સાથે ક્રૂરતાભર્યું વર્તન કર્યું હતું. ન્યાયમૂર્તિ અનિરુદ્ધ બોઝ અને બેલા M ત્રિવેદીની બેન્ચે તેના 10 ઓક્ટોબરના ચુકાદામાં જણાવ્યું હતું કે, 'તેમાં કોઈ વિવાદ નથી કે પક્ષકારો છેલ્લા ઘણા વર્ષોથી અલગ રહેતા હતા અને તેમને એકસાથે લાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા હતા. આ સંજોગોમાં, કોઈ માની શકે છે કે લગ્ન ભાવનાત્મક રીતે મરી ગયા છે અને બંને પક્ષો વચ્ચે છૂટાછેડા થઈ ગયા છે. જો કે, પ્રશ્ન એ છે કે, શું આનાથી ભારતના બંધારણની કલમ 142 હેઠળ છૂટાછેડા આપવા જોઈએ?'
બેન્ચે કહ્યું, 'અમારા મતે એ હકીકતથી અજાણ ન રહેવું જોઈએ કે, લગ્ન એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે અને સમાજમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અદાલતોમાં છૂટાછેડાની અરજીઓની સંખ્યા વધતી હોવા છતાં, ભારતીય સમાજમાં લગ્નની સંસ્થાને હજુ પણ પતિ-પત્ની વચ્ચે પવિત્ર, આધ્યાત્મિક અને અમૂલ્ય ભાવનાત્મક બંધન માનવામાં આવે છે. તે માત્ર કાયદા દ્વારા જ નહીં પરંતુ સામાજિક માપદંડો દ્વારા પણ સંચાલિત થાય છે. સમાજમાં વૈવાહિક સંબંધોમાંથી બીજા ઘણા સંબંધો ઉત્પન્ન થાય છે અને સબંધોનો વ્યાપ વધતો જાય છે.'
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp