'પાવલી કમાવાનો મોકો!' પોલીસે અપરાધીને પકડવા 25 પૈસાનું ઈનામ રાખ્યું

PC: twitter.com

આજના સમયમાં 25 પૈસાની કિંમત કેટલી હોય છે? ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થાનું સપનું જોનારા દેશમાં તો તેની કિંમત નહિવત હોય. જો તમે 25 પૈસા (જો તમારી પાસે હોય તો) લઈને કોઈ દુકાન પર જાઓ, અને તેની કોઈ વસ્તુ માંગો છો તો દુકાનદાર તમને દરવાજામાંથી જ ભગાડી દેશે. પરંતુ જો તમને ખબર પડે કે, નવેમ્બર 2024માં એટલે કે આજના સમયમાં, કોઈ ઈનામની રકમ 25 પૈસા જાહેર કરવામાં આવી છે તો શું થશે. આવી જ એક ઘટના રાજસ્થાનથી સામે આવી છે. ત્યાંની પોલીસે ગુનેગારને 'ચવન્ની છાપ' જાહેર કર્યો છે.

રાજસ્થાનમાં એક જિલ્લો છે, નામ છે ભરતપુર. ત્યાંની પોલીસે ખૂબીરામ જાટ નામના વ્યક્તિ સામે 25 પૈસાનું ઈનામ જાહેર કર્યું છે. તેની વિરુદ્ધ ભરતપુરના લખનપુર પોલીસ સ્ટેશનમાં ઘણા કેસ નોંધાયેલા છે. ખૂબીરામ પર હુમલો, હત્યાનો પ્રયાસ અને અનુસૂચિત જાતિ/જનજાતિ વિરુદ્ધ જેવા ગુનાહિત આરોપો છે. પોલીસ તેને શોધી રહી છે. પરંતુ તે નથી મળતો. તો આવી સ્થિતિમાં પોલીસે આરોપીને પકડવા માટે આટલું 'મોટું' ઈનામ આપવાનું જાહેર કર્યું છે.

ભરતપુર પોલીસે આ જાહેરાત સોશિયલ મીડિયા પર શેર કરી છે. પોલીસે તેમની પોસ્ટમાં લખ્યું છે કે, 'ભરતપુરના પોલીસ અધિક્ષક મૃદુલે મઇના રહેવાસી વોન્ટેડ ગુનેગાર ખૂબીરામ જાટ પર 25 પૈસાનું ઈનામ જાહેર કર્યું છે. ગુનેગાર વિશે માહિતી આપનાર વ્યક્તિની ઓળખ ખાનગી રાખવામાં આવશે.'

પોસ્ટમાં પોલીસે લગભગ દરેક વાત હેશટેગની મદદથી જ લખી છે. તમે જાતે જ જોઈ લો..

સોશિયલ મીડિયા પર આ પ્રકારની જાહેરાત થયા પછી લોકોની વળતી પ્રતિક્રિયા આવવી સ્વાભાવિક હતું. પ્રતિભાવો આવ્યા પણ. ભરતપુર પોલીસની આ પોસ્ટ પર લોકોએ મજા લેવાની કોઈ તક છોડી જ નહીં. સલિક ખાન નામના યુઝરે તેને હિન્દી ફિલ્મ શોલેના એક ડાયલોગ સાથે જોડીને લખ્યું, 'અરે ઓ સાંભા. સરકારે અમારા પર કેટલું ઈનામ રાખ્યું છે? 25 પૈસા સરદાર!'

જ્યારે બીજા યુઝર પાર્થ કુલકર્ણીને 'કૌન બનેગા કરોડપતિ (KBC)'ના અમિતાભ બચ્ચન યાદ આવ્યા. તેણે KBCમાં અમિતાભ દ્વારા બોલાયેલી એક લાઇન પોસ્ટ કરી, 'તમે આટલા બધા પૈસાનું શું કરશો?'

ભરતપુર પોલીસની પોસ્ટ અને તેના પર પ્રતિક્રિયા જોયા પછી, અમે પોલીસ અધિક્ષક (SP) મૃદલ કચ્છાવા સાથે વાત કરી. તેમણે અમને કહ્યું, '48 વર્ષીય ખૂબીરામ છેલ્લા 7-8 મહિનાથી ફરાર છે. તેની સામે મારપીટ અને SC/ST એક્ટના કેસ નોંધાયેલા છે. તેના માથા પર 25 પૈસાનું ઇનામ એટલા માટે રાખવામાં આવ્યું છે, જેથી તે તેને પોતાનું અપમાન માને.'

પોલીસે જણાવ્યું કે, આવા કિસ્સામાં ઈનામની રકમ શૂન્યથી લઈને 25 હજાર રૂપિયા સુધીની કોઈ પણ રકમ રાખી શકાય છે. મહત્તમ રકમની મર્યાદા તો નક્કી છે, તેથી પોલીસે ઓછામાં ઓછી ઈનામની રકમ કેટલી રાખી શકાય તે અંગે વિચાર્યું જ હશે.

પોલીસ રેકોર્ડ દર્શાવે છે કે, ખૂબીરામ જાટ વિરુદ્ધ કુલ ત્રણ કેસ નોંધાયેલા છે. એક કેસ 1999માં નોંધાયેલો છે, તો બીજો 2013માં નોંધાયો હતો. પરંતુ જે કેસની અંદર તેને શોધવાનું ચાલી રહ્યું છે, તે કેસ નંબર 99/204 છે. આમાં, ખૂબીરામ વિરુદ્ધ અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ વિરુદ્ધ અત્યાચારનો કેસ નોંધવામાં આવ્યો છે.

આ અગાઉ ઓક્ટોબર 2024માં રાજસ્થાનની ઝુંઝુનુ પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ફરાર જાહેર થયેલા એક ગુનેગાર સામે 50 પૈસાના ઈનામની જાહેરાત કરી હતી. આની પાછળ ઝુંઝુનુના પોલીસ અધિક્ષક દેવેન્દ્ર કુમાર બિશ્નોઈની દલીલ હતી કે, બદમાશો તેમના પર મૂકવામાં આવેલા ઈનામની રકમને તેમના સ્ટેટસ સાથે જોડી દે છે અને પછી તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દે છે, આવી સ્થિતિમાં તેમને તેમની હૈસિયત બતાવવા માટે 50 પૈસાના ઈનામની જાહેરાત કરવામાં આવી છે.

અમે 50 પૈસાનું ઇનામ તો જોઈ લીધું. પરંતુ 25 પૈસાના ઈનામનો મામલો કદાચ પહેલીવાર સામે આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp