હવે જો જગન્નાથ મંદિર જાઓ તો કપડા પહેરવામાં ધ્યાન રાખજો, ડ્રેસ કોડ આવી ગયો છે

PC: india.com

પુરીના શ્રી જગન્નાથ મંદિર પ્રશાસને 12મી સદીના આ ધાર્મિક સ્થળે શોર્ટ્સ, ફાટેલા જીન્સ, સ્કર્ટ અને સ્લીવલેસ કપડા પહેરેલા ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે અને તેમના માટે સોમવારથી ડ્રેસ કોડ લાગુ કર્યો છે. મંદિરના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ભક્તોએ મંદિરમાં પ્રવેશવા માટે 'શિષ્ટ પોશાક' પહેરવો પડશે, જે દેખાડો કે અંગ પ્રદર્શન કરતો ન હોવો જોઈએ.

નવો નિયમ અમલમાં આવતાની સાથે જ પુરૂષો 12મી સદીના મંદિરમાં ધોતી-પછેડી પહેરીને પ્રવેશતા જોવા મળ્યા હતા, જ્યારે મહિલાઓ મોટાભાગે સાડી અથવા સલવાર કમીઝમાં જોવા મળી હતી. તેમણે કહ્યું કે નવા વર્ષથી મંદિર પરિસરમાં ગુટખા અને પાન ખાવા અને પ્લાસ્ટિક અને પોલિથીનનો ઉપયોગ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. શ્રી જગન્નાથ મંદિર પ્રશાસન (SJTA)ના એક અધિકારીએ જણાવ્યું હતું કે, મંદિરમાં પ્રવેશવા માટે ભક્તોએ 'શિષ્ટ વસ્ત્રો' પહેરવા પડશે. શોર્ટ્સ, ફાટેલી જીન્સ, સ્કર્ટ અને સ્લીવલેસ કપડાં પહેરેલા ભક્તોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. આ નિયમના અમલીકરણ સાથે, 2024ના પ્રથમ દિવસે, મંદિરમાં આવતા પુરૂષ ભક્તો ધોતી અને પછેડી પહેરીને જોવા મળ્યા હતા અને મહિલાઓ સાડી અથવા સલવાર કમીઝમાં જોવા મળી હતી.

SJTAએ અગાઉ આ સંદર્ભે એક આદેશ બહાર પાડ્યો હતો અને પોલીસને આ નિયંત્રણો લાગુ કરવા જણાવ્યું હતું. અધિકારીએ કહ્યું કે, મંદિરની પવિત્રતા જાળવવા માટે મંદિર પરિસરમાં ગુટખા અને પાન ખાવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આનો ભંગ કરનાર લોકોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. આ દરમિયાન, નવા વર્ષના દિવસે ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે પુરીમાં મોટી સંખ્યામાં ભક્તો એકઠા થયા હતા.

નવા વર્ષ પર ભીડને કાબૂમાં લેવા માટે મંદિરના દરવાજા સવારે 1.40 વાગ્યે ભક્તો માટે ફરીથી ખોલવામાં આવ્યા હતા. સાંજે 5 વાગ્યા સુધી લગભગ 3.5 લાખ ભક્તોએ મંદિરના દર્શન કર્યા હતા. પુરી પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટમાં કહ્યું, 'સોમવારે બપોરે 12 વાગ્યા સુધી 1,80,000થી વધુ શ્રદ્ધાળુઓએ જગન્નાથ ધામના દર્શન કર્યા. કોઈપણ અડચણ વિના દર્શન સુનિશ્ચિત કરવા સાથે પોલીસ વિકલાંગ ભક્તો માટે દર્શનની સુવિધા પણ સુનિશ્ચિત કરી રહી છે.'

SJTA અને પોલીસે ભક્તોના સુચારૂ દર્શન માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. સેન્ટ્રલ રેન્જના પોલીસ મહાનિરીક્ષક આશિષ કુમાર સિંહે જણાવ્યું હતું કે, 'ગત વર્ષના આ જ દિવસની સરખામણીમાં આજે લગભગ બમણી સંખ્યામાં ભક્તોએ મંદિરમાં દર્શન કર્યા છે. દેવી-દેવતાઓના દર્શન સવારે 1.40 વાગ્યે શરૂ થયા હતા અને હજુ પણ ચાલુ છે. દેવી-દેવતાઓને લગતી વિધિઓ કરવા માટે થોડા સમય માટે દર્શન બંધ કરવામાં આવ્યા હતા.'

અધિકારીઓએ જણાવ્યું કે, નવા વર્ષ નિમિત્તે શહેરમાં ટ્રાફિક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. ભુવનેશ્વરના લિંગરાજ મંદિરમાં પણ સોમવારથી પાન અને તમાકુ ઉત્પાદનોના વપરાશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. 11મી સદીના આ શિવ મંદિરમાં તમાકુ અથવા પાન ચાવતા ભક્તોને પ્રવેશ આપવામાં આવતો નથી. મંદિરમાં પોલીથીન અને પ્લાસ્ટિકના ઉપયોગ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp