CJI ચંદ્રચુડે કોના માટે કહ્યું કે- તેમને યોગ્ય પગાર મળવો જોઈએ
ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) DY ચંદ્રચુડે વરિષ્ઠ વકીલોને જુનિયર વકીલો પ્રત્યેના તેમના પિતૃસત્તાક અભિગમને છોડી દેવા અને તેમને યોગ્ય મહેનતાણું ચૂકવવા જણાવ્યું છે.
CJIએ મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેંચની સ્થાપનાની 20મી વર્ષગાંઠના અવસર પર આયોજિત એક કાર્યક્રમમાં આ વાત કહી.
તેમના ભાષણમાં, CJI DY ચંદ્રચુડે એન્ટ્રી લેવલના જુનિયર વકીલોને ચૂકવવામાં આવતા નજીવા પગારનો મુદ્દો ઉઠાવ્યો હતો. જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે, વરિષ્ઠ વકીલોએ જુનિયર વકીલો પ્રત્યે એવું વલણ છોડવું જોઈએ કે, તેઓ શીખવા અને અનુભવ મેળવવા આવ્યા છે અને તમે એક રીતે તેમને માર્ગદર્શન આપી રહ્યા છો. તેમણે કહ્યું કે જુનિયર વકીલો પાસેથી ઘણું શીખી શકાય છે.
CJIએ કહ્યું કે, જુનિયર વકીલોને દર મહિને માત્ર 5000 રૂપિયા આપવામાં આવે છે અને તેનાથી આ વ્યવસાયમાં 'ગેટકીપિંગ' વધે છે.
CJIએ ભારપૂર્વક કહ્યું કે, જુનિયર વકીલોને તેમની મહેનત અનુસાર સન્માનજનક રકમ આપવામાં આવે. જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે, લોકોને પૂરતો પગાર આપ્યા વિના સખત મહેનત કરાવવાનો વિચાર જુનિયર વકીલોને એ દિશા તરફ લઇ જાય છે, જ્યાં જુનિયર વકીલો પાસે એવી અપેક્ષાઓ રાખવામાં આવે છે કે, તેઓ લાંબા સમય સુધી કામ કરે, ઓછી ઊંઘ લે અને તેમના કામ માટે ઓછા પૈસા માંગે.
CJI DY ચંદ્રચુડે કહ્યું કે, સમગ્ર બારે તેમની સામાજિક અને આર્થિક પૃષ્ઠભૂમિને બાજુ પર રાખીને સક્ષમ અને મજબૂત વકીલો ઊભા કરવા જોઈએ. જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે, હાઈકોર્ટની બેંચની સ્થાપના માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા અથવા કોર્ટ રૂમ બનાવવા અથવા તે કોર્ટ રૂમને સજાવવા માટે નથી. આ ન્યાયિક કાર્યો માટે જરૂરી છે.
બેન્ચની સિદ્ધિઓની પ્રશંસા કરતા, CJIએ કહ્યું કે, દિલ્હી હાઈકોર્ટે તેના ડેટા અને સોફ્ટવેરનો નિયમિત બેકઅપ લેવા માટે મદુરાઈ બેન્ચમાં ડિઝાસ્ટર રિકવરી સેન્ટરની સ્થાપના કરી હતી. તેમણે મજાકની ભાષામાં કહ્યું કે, જો દિલ્હીને કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે, તો તેણે તામિલનાડુ તરફ જોવું પડશે.
CJI ચંદ્રચુડે જાન્યુઆરી 2023માં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે દેશભરના વકીલોને તેમના જુનિયરોને સારો પગાર આપવાની અપીલ કરી હતી. ઘણા સમયથી એવું કહેવામાં આવી રહ્યું છે કે, જુનિયર વકીલોને સારો પગાર મળવો જોઈએ.
વરિષ્ઠ વકીલોની ચેમ્બરમાં કામ કરતા જુનિયર વકીલો પર કામના બોજને જોતા, તે માનવું મુશ્કેલ બની જાય છે કે, તેમાંથી કેટલાકને તેમના કામ માટે ખૂબ ઓછો પગાર મળે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp