SCનો મોટો નિર્ણય, મુનશી-મૌલવી મદરેસા બનાવી શકશે પણ...

PC: x.com

ઉત્તર પ્રદેશના મદરેસાઓમાં ભણતા લાખો વિદ્યાર્થીઓને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના એ નિર્ણયને રદ્દ કરી દીધો છે, જેમાં કોર્ટે મદરેસા એક્ટને બંધારણ વિરુદ્ધ જાહેર કર્યો હતો. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે તમામ મદરેસાઓ ધોરણ 12 સુધી પ્રમાણપત્રો આપી શકશે, પરંતુ મદરેસાઓ પાસે તેની આગળના શિક્ષણ માટે પ્રમાણપત્રો આપવાની સત્તા નથી. આનો અર્થ એ થયો કે, UP મદરેસા બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત મદરેસા વિદ્યાર્થીઓને કામિલ અને ફાઝિલ ડિગ્રી આપી શકશે નહીં, કારણ કે તે UGC એક્ટની વિરુદ્ધ હશે.

આ નિર્ણયનો અર્થ એ છે કે, ઉત્તર પ્રદેશમાં મદરેસાઓ ચાલુ રહેશે અને રાજ્ય સરકાર શિક્ષણના ધોરણોનું નિયમન કરશે.

મદરેસા બોર્ડ 'કામિલ' નામથી અંડરગ્રેજ્યુએટ ડિગ્રી અને 'ફાઝિલ' નામથી અનુસ્નાતકની ડિગ્રી આપે છે. આ અંતર્ગત ડિપ્લોમા પણ કરવામાં આવે છે, જેને 'કારી' કહેવામાં આવે છે. બોર્ડ દર વર્ષે મુનશી, મૌલવી (10મા વર્ગ) અને આલીમ (12મા ધોરણ)ની પરીક્ષાઓ પણ આયોજિત કરે છે.

મદરસા એક્ટ પર આ નિર્ણય ચીફ જસ્ટિસ DY ચંદ્રચુડ, જસ્ટિસ JB પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે આપ્યો છે. બેન્ચે કહ્યું કે હાઈકોર્ટનો નિર્ણય યોગ્ય નથી. આ સાથે સુપ્રીમ કોર્ટની બેન્ચે મદરસા એક્ટને પણ યોગ્ય ઠેરવ્યો છે.

સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી ઉત્તર પ્રદેશની 16 હજાર મદરેસાઓને રાહત મળી છે. મતલબ કે હવે ઉત્તર પ્રદેશની અંદર મદરેસાઓ ચાલુ રહેશે. રાજ્યમાં કુલ મદરેસાઓની સંખ્યા લગભગ 23,500 છે. તેમાંથી 16,513 મદરેસાઓ માન્યતા પ્રાપ્ત છે. તેનો અર્થ એ કે તે બધા નોંધાયેલા છે. આ સિવાય લગભગ 8000 મદરેસાઓ માન્યતા વગરના છે. આવા 560 માન્ય મદરેસા છે જે સહાયિત છે. એટલે કે 560 મદરેસા સરકારી પૈસાથી ચાલે છે.

અહીં તમને જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટે 22 ઓક્ટોબરે સુનાવણી પૂર્ણ કર્યા પછી પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. જો કે, સુનાવણી દરમિયાન, CJIએ કહ્યું કે, ફાઝિલ અને કામિલ હેઠળ ડિગ્રી આપવી એ રાજ્યના દાયરામાં નથી. આ UGC એક્ટની જોગવાઈઓનું ઉલ્લંઘન કરે છે.

અંશુમાન સિંહ રાઠોડ નામના વ્યક્તિએ મદરેસા બોર્ડ એક્ટ વિરુદ્ધ અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી કરી હતી. રાઠોડે આ કાયદાની બંધારણીય માન્યતાને પડકારી હતી. હાઇકોર્ટે 22 માર્ચે આ અંગે પોતાનો ચુકાદો આપ્યો હતો. હાઈકોર્ટે કહ્યું હતું કે, 'UP બોર્ડ ઓફ મદરેસા એજ્યુકેશન એક્ટ 2004 ગેરબંધારણીય છે અને તેનાથી ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતનું ઉલ્લંઘન થાય છે.' આ સાથે જ રાજ્ય સરકારને મદરેસામાં ભણતા બાળકોને સામાન્ય શાળાકીય પ્રણાલીમાં સામેલ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું હતું કે, 'મદરેસા એક્ટ 2004એ ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતનું ઉલ્લંઘન છે, જે ભારતના બંધારણના મૂળભૂત માળખાનો એક ભાગ છે.' કોર્ટે એમ પણ કહ્યું હતું કે, સરકારને ધાર્મિક શિક્ષણ માટે બોર્ડ બનાવવાની અથવા કોઈ વિશેષ ધર્મ માટે શાળા શિક્ષણ માટે બોર્ડ બનાવવાની સત્તા નથી.

આ કાયદો વર્ષ 2004માં ઉત્તર પ્રદેશમાં બનાવવામાં આવ્યો હતો. ઉત્તર પ્રદેશમાં મદરેસા શિક્ષણનું નિયમન કરવા માટે ઉત્તર પ્રદેશ મદરેસા શિક્ષણ બોર્ડ અધિનિયમ, 2004 ઘડવામાં આવ્યો હતો. આ કાયદાએ ઉત્તર પ્રદેશ મદરેસા શિક્ષણ બોર્ડની સ્થાપના કરી, જે રાજ્યમાં મદરેસાઓના વહીવટ અને કામગીરીની દેખરેખ માટે જવાબદાર એક વૈધાનિક સંસ્થા છે. આ અંતર્ગત મદરેસા બોર્ડની રચના કરવામાં આવી હતી. તેનો હેતુ મદરેસા શિક્ષણનું વ્યવસ્થિત આયોજન કરવાનો હતો. જેમાં અરબી, ઉર્દૂ, ફારસી, ઇસ્લામિક સ્ટડીઝ, તિબ્બ (પરંપરાગત દવા), ફિલોસોફી જેવા શિક્ષણની વ્યાખ્યા કરવામાં આવી છે.

અધિનિયમનો પ્રથમ ઉદ્દેશ્ય મદરેસાઓમાં સંરચિત અને સુસંગત અભ્યાસક્રમ સુનિશ્ચિત કરવાનો છે, જેથી શૈક્ષણિક ગુણવત્તા અને ધોરણોને પ્રોત્સાહન મળે. તેનો ઉદ્દેશ્ય સામાન્ય વિષયો સાથે ધાર્મિક શિક્ષણને એકીકૃત કરવાનો છે, જેથી વિદ્યાર્થીઓને ઇસ્લામિક અને સમકાલીન જ્ઞાન બંનેથી સજ્જ કરવામાં આવે.

બોર્ડમાં અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને સભ્યો હોય છે, જેમાં ઇસ્લામિક અભ્યાસના નિષ્ણાતો અને શિક્ષણ વિભાગના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે.

વિજ્ઞાન, ગણિત અને ભાષાઓ જેવા સામાન્ય વિષયો સાથે ધાર્મિક અભ્યાસને સંતુલિત કરતો અભ્યાસક્રમ તૈયાર કરવા માટે બોર્ડ જવાબદાર છે. તે મુન્શી અને મૌલવી પરીક્ષાઓ સહિત વિવિધ સ્તરો માટે પરીક્ષાઓનું આયોજન કરે છે અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા માન્ય પ્રમાણપત્રો આપે છે. બોર્ડ એવી મદરેસાઓને માન્યતા આપે છે, જે શૈક્ષણિક અને વહીવટી ધોરણોને પૂર્ણ કરે છે. તે શૈક્ષણિક ગુણવત્તા જાળવવા માટે મદરેસા શિક્ષકોની તાલીમ, ભરતી અને મૂલ્યાંકન પર પણ દેખરેખ રાખે છે.

મદરેસા અધિનિયમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સંસાધનો અને શિક્ષકોના પગારમાં સુધારો કરવા માટે રજિસ્ટર્ડ મદરેસાઓ માટે રાજ્ય ભંડોળ અને અનુદાનની જોગવાઈ કરે છે.

આ ઉપરાંત, બોર્ડને મદરેસાઓનું આધુનિકીકરણ, વિદ્યાર્થીઓની રોજગારની સંભાવનાઓને વધારવા માટે વ્યાવસાયિક અને કૌશલ્ય આધારિત તાલીમ શરૂ કરવાનું કાર્ય સોંપવામાં આવ્યું છે. અહીં તમને જણાવી દઈએ કે, UPમાં 25 હજાર મદરેસા છે, જેમાંથી લગભગ 16 હજાર મદરેસા UP બોર્ડ દ્વારા માન્ય છે. સાડા આઠ હજાર મદરેસા એવી છે જેને મદરેસા બોર્ડ દ્વારા માન્યતા મળી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp