નવજાત બાળકને નદીમાં ફેંકી ગયા, 4 બાળકોએ નદીમાં કૂદીને બચાવીને નવી જિંદગી આપી

એવું કહેવાય છે કે તમને ખબર ન પડે કે ક્યાં રૂપમાં આવીને નારાયણ તમને મળી જાય.એવું પણ કહેવાય છે કે રામ રાખે તેને કોણ ચાખે.આવી એક ઘટના ચરિતાર્થ થતી જોવા મળી છે. કેટલાંક હેવાન નવજાત બાળકને મરવા માટે નદીમાં છોડીને ગયા હતા,પરંતુ નદી કિનારે રમી રહેલા 4 બાળકોએ નવજાત શિશુને બચાવ્યું અને તેને નવી જિંદગી આપી. નવજાતની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ગામના લોકોએ કહ્યું કે 4 બાળકોએ ભગવાનના રૂપમાં આવીને બાળકને મોતમાંથી ઉગારી લીધું હતું. સૌથી મહત્ત્વની વાત એ છે કે આ ચારેય બાળકો મુસ્લિમ હતા અને તેમણે નવજાતને બચાવતી વખતે પળવારનો પણ વિચાર નહોતો કર્યો કે શિશુ મુસ્લિમ છે કે હિંદુ.નફરતની આગ ફેલાવતા લોકોએ આ બાળકો પાસેથી શિખવા જેવું છે.
ઉત્તર પ્રદેશના લખનૌમાં આવેલા કુડિયાઘાટમાં ગોમતી નદીમાં બુધવારે સ્કુટી પર આવેલા લોકોએ ગોમતી નદીમાં નવજાત બાળકને ફેંકીને ચાલ્યા ગયા હતા. નદીની પાસે રમી રહેલા 4 બાળકોએ એમ માન્યુ કે કોઇ રમકડું કે સામાન હશે તે નદીમાં ફેંકી ગયા હશે. જિજ્ઞાશાવશ 4 બાળકોએ ગોમતી નદીમાં છલાંગ લગાવી અને પછી જે તેમના હાથમાં આવ્યું તે જોઇને બાળકોના હોંશ ઉડી ગયા હતા. તે એક જીવતું બાળક હતું, જેને મરવાના વાંકે નદીમાં પધરાવી દેવામાં આવ્યું હતું. નવજાતને એ પછી રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે.
મોટાઓની સંવેદનહીનતા પર બાળકોની સંવેદનશીલતાની જીતની આ ઘટના કુડિયાઘાટની છે. બુધવારે સવારે લગભગ 11-30 વાગ્યે ઝુપડપટ્ટીના 4 બાળકો નદી પાસે રમી રહ્યા હતા ત્યારે કોઇ નવજાત બાળકને નદીમાં ફેંકી ગયું હતું.
નવજાતને બચાવનારા 4 બાળકોની ઉંમર 10થી 12 વર્ષની છે અને તેમના નામ છે તૌસીફ, હસીબ, અહસાન અને ગુફરાન.તૌસીફે કહ્યું કે, જ્યારે અમે નદી પાસે રમી રહ્યા હતા ત્યારે સ્કુટી પર 3 લોકો આવ્યા હતા. એક જણાએ કાળું માસ્ક લગાવેલું હતું અને તેણે નદીમાં કઇંક ફેંક્યું અને ઝડપથી તેઓ સ્કુટી પર પલાયન થઇ ગયા હતા.
તૌફિક નવજાત બાળકને લઇને ઘરે ગયો હતો અને તેના પિતાને વાત કરી હતી. તૌફિકના પિતાએ તેમની નિંસતાન બહેનને બાળકને સાચવવા આપ્યું અને તેની દેખભાળ કરવામાં આવી રહી હતી. નજીકમાં એક કેન્ટીન ચલાવનારે પોલીસને સુચના આપી અને ચાઇલ્ડ લાઇનને બોલાવીને બાળકને સોંપી દેવામાં આવ્યું.
ચાઈલ્ડલાઈનના ડાયરેક્ટર ડો.સંગીતા શર્માએ જણાવ્યું કે બાળક સમય પહેલા જન્મી ગયું હોય તેવું લાગે છે. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે. ઠાકુરગંજના પોલીસ ઇન્સ્પેક્ટર વિજય કુમારે જણાવ્યું હતું કે,જે લોકો નદીમાં બાળકને ફેંકી ગયા હતા તેમને CCTV દ્રારા શોધવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp