અટલ યુગના દિગ્ગજ નેતા, BJPથી અલગ થઈ વાજપેયીના નામ પર પાર્ટી બનાવવા જઈ રહ્યા છે

PC: hindi.theprint.in

આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા ઝારખંડમાં ઉથલપાથલ ચાલી રહી છે. એક તરફ, સત્તાધારી ઝારખંડ મુક્તિ મોરચા (JMM)માં ભાગલા પડી રહ્યા છે અને ચંપાઈ સોરેન 30 ઓગસ્ટે BJPમાં જોડાવા જઈ રહ્યા છે, તો બીજી તરફ, એક સમયે BJPના દિગ્ગજ નેતા યશવંત સિંહા નવા રાજકીય પક્ષની રચના કરે તેવી શક્યતા છે. BJP પછી પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી યશવંત સિંહા TMCમાં પણ હતા. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે, રવિવારે સાંજે હજારીબાગમાં સમર્થકો સાથેની બેઠક દરમિયાન નવી પાર્ટી બનાવવાના પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, યશવંત સિન્હા, અટલ બિહારી વાજપેયીના નામ પર પાર્ટી બનાવવા જઈ રહ્યા છે.

આ સંદર્ભમાં, સોમવારે દિલ્હી જતા પહેલા યશવંત સિંહાએ પત્રકારોને જણાવ્યું હતું કે, 'સમાજના વિવિધ વર્ગો સાથે ચર્ચા કર્યા પછી, અટલ વિચાર મંચ (AVM)ની રચના અંગે ટૂંક સમયમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે.'

રવિવારની બેઠકની અધ્યક્ષતા BJPની કારોબારીના પૂર્વ સભ્ય સુરેન્દ્ર કુમાર સિન્હાએ કરી હતી. તેઓ (સુરેન્દ્ર) BJPના પૂર્વ સાંસદ જયંત સિન્હાના પ્રતિનિધિ (MP) રહી ચૂક્યા છે. જયંત અને તેના પિતા યશવંત સિંહા બંનેના સમર્થકોએ બેઠકમાં ભાગ લીધો હતો.

વાજપેયી સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂકેલા યશવંત સિંહાએ 1998, 1999 અને 2009માં હજારીબાગ લોકસભા સીટથી જીત મેળવી હતી. 2004ની ચૂંટણીમાં તેઓ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (CPI)ના ઉમેદવાર ભુવનેશ્વર મહેતા સામે હારી ગયા હતા. વર્ષ 2014માં BJPએ યશવંત સિન્હાના મોટા પુત્ર જયંત સિન્હાને હજારીબાગ બેઠક પરથી ટિકિટ આપી હતી. જો કે, તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં જયંત સિન્હાની જગ્યાએ મનીષ જયસ્વાલને ટિકિટ આપવામાં આવી હતી અને જયસ્વાલ 2.76 લાખ મતોના માર્જિનથી જીત્યા હતા.

આ દરમિયાન, આસામના CM હિમંતા વિશ્વ શર્માએ સોમવારે જાહેરાત કરી હતી કે, ઝારખંડના ભૂતપૂર્વ CM ચંપાઈ સોરેન BJPમાં જોડાશે. શર્માએ કહ્યું કે, સોરેન 30 ઓગસ્ટે રાંચીમાં પાર્ટીમાં જોડાશે. તેમણે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે સોરેનની મુલાકાતનો ફોટો પોસ્ટ કર્યો હતો. આ બેઠકમાં ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે BJPના સહ-પ્રભારી શર્મા પણ હાજર હતા.

શર્માએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું, 'ઝારખંડના પૂર્વ CM અને આપણા દેશના પીઢ આદિવાસી નેતા ચંપાઈ સોરેન જી થોડા સમય પહેલા માનનીય કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ જીને મળ્યા હતા. તેઓ 30 ઓગસ્ટે રાંચીમાં સત્તાવાર રીતે BJPમાં જોડાશે. ઝારખંડ મુક્તિ મોરચા (JMM) નેતા સોરેને પક્ષના નેતૃત્વ પર તેમનું અપમાન કરવાનો આરોપ મૂક્યો હતો અને જાહેરાત કરી હતી કે, તેઓ ટૂંક સમયમાં જ તેમની આગામી રાજકીય ચાલ અંગે નિર્ણય લેશે.

આ સાથે જ ઝારખંડના AJSU પાર્ટીના વડા સુદેશ મહતોએ સોમવારે જાહેરાત કરી હતી કે, તેમની રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે ગઠબંધન કરીને ઝારખંડ વિધાનસભાની ચૂંટણી લડશે. BJPના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા પછી મહતોએ આ જાહેરાત કરી હતી.

મીટિંગ પછી, તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર કહ્યું, 'નવી દિલ્હીમાં ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ જીને મળ્યા. આ પ્રસંગે ઝારખંડના વિકાસ, વર્તમાન રાજકીય પરિસ્થિતિ અને આગામી વિધાનસભાની ચૂંટણીને લગતા વિવિધ વિષયો પર ઉંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. ઝારખંડ માટે NDA સરકાર જરૂરી છે અને અમે એક થઈને ચૂંટણી લડીશું.' AJSU પાર્ટીએ ઝારખંડની છેલ્લી વિધાનસભા ચૂંટણી એકલા હાથે લડી હતી. જો કે તેણે 2024ની લોકસભા ચૂંટણીમાં BJP સાથે ગઠબંધન કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp