અદાણી તપાસ કમિટી: પ્રશાંત ભૂષણે કોનું નામ લીધું જેથી CJI ચંદ્રચુડ ગુસ્સે ભરાયા?

PC: ndtv.com

હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટમાં અદાણી ગ્રૂપની કંપનીઓ સામે કરવામાં આવેલા છેતરપિંડીના આરોપોની તપાસ કરવા માટે રચાયેલી એક્સપર્ટ કમિટીમાં વકીલ સોમશેખર સુંદરેસનનો સમાવેશ કરવા અંગે ઉઠાવવામાં આવેલા વાંધાઓ પર સુપ્રીમ કોર્ટે સખત નારાજગી વ્યક્ત કરી હતી. CJI DY ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે કહ્યું કે સોમશેખર સુંદરેસનને લઈને હિતોના ટકરાવ અંગે અરજદાર દ્વારા કરવામાં આવેલો દાવો સંપૂર્ણપણે પાયાવિહોણો છે.

24 નવેમ્બરે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન, જ્યારે અરજદાર તરફથી વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું સોમશેખર સુંદરેસન અદાણી જૂથના વકીલ તરીકે સેબી સમક્ષ હાજર થયા હતા, ત્યારે CJI ચંદ્રચુડે તેમને અટકાવ્યા હતા. ચીફ જસ્ટિસે કહ્યું કે આ 17 વર્ષ પહેલાની વાત છે અને સુંદરેસન અદાણી ગ્રુપના ઇન-હાઉસ વકીલ ન હતા.

CJI ચંદ્રચુડે કહ્યું કે સુંદરેસન ઇન-હાઉસ વકીલ નહોતા, પરંતુ એક એડવોકેટ તરીકે હાજર થયા હતા અને તે પણ વર્ષ 2006માં. હવે 17 વર્ષ પછી હિતોના ટકરાવની વાત ક્યાંથી આવી? CJIએ કહ્યું કે કોઇની પર આવા આરોપ લગાવતી વખતે કોઈને જવાબદાર હોવું જોઇએ. CJIએ ટિપ્પણી કરી, આ તે કમિટી માટે ખૂબ જ અન્યાયી છે. આ રીતે તો લોકો કોર્ટ દ્વારા નિયુક્ત કમિટીઓ માટે કામ કરવાનું બંધ કરી દેશે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટની તપાસ માટે રચાયેલી નિષ્ણાત સમિતિના સભ્યો માત્ર નિવૃત્ત ન્યાયાધીશો પૂરતા મર્યાદિત નથી, પરંતુ સમિતિમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોની નિમણૂક કરવામાં આવી હતી. જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે કમિટી પાસે ડોમેનની વિશેષજ્ઞતા છે.

CJI અહીંથી અટક્યા નહોતા, તેમણે પ્રશાંત ભૂષણ સામે કડક ટીપ્પણી કરીને કહ્યુ કે, તમારે આ વિશે 2 માર્ચ 2023ની દિવસે જ કહેવું હતું જ્યારે કમિટીની રચના થઇ હતી. તે વખતે તમારે કહેવું હતું કે 17 વર્ષ પહેલા કોઇ કેસમાં રજૂ થયેલા વકીલનો કમિટીમાં સમાવેશ ન કરવો જોઇએ. જો આ જ તર્ક હોય તો કોઈ પણ આરોપી માટે હાજર થતા હાઈકોર્ટના જજની ક્યારેય આ રીતે નિમણૂક કરી શકાતી નથી આ પ્રકારની વાતને કઈ રીતે મંજૂરી આપી શકાય?

CJIએ વધુમાં કહ્યું, તમારું નિવેદન માત્ર એક ઘટના પર આધારિત છે. તમે અન્ય કોઈ ઉદાહરણો પણ જોડ્યા નથી. આવા સંજોગોમાં આપણે આ અપ્રમાણિત આરોપોને રેકોર્ડ પર કેવી રીતે લઈ શકીએ?

સોમશેખર સુંદરેસન હવે બોમ્બે હાઇકોર્ડના ન્યાયાધીશ બની ગયા છે. તાજેતરમાં જ કેન્દ્ર સરકારે તેમની નિમણુંકને મંજૂરી આપી હતી. સુંદરેસન લાંબા સમયથી બોમ્બે હાઇકોર્ટમાં પ્રેકટીસ કરતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp