મોડિફાઇડ 'થાર' પકડ્યા પછી ચલણ બનાવી તપાસ કરતા ખબર પડી કે આ તો 'બોલેરો' છે

PC: thelallantop.com

બાઇક અને કારમાં મોડિફાઇડ કરાવવાના વિચિત્ર કિસ્સાઓ સામે આવતા રહે છે. બુલેટના સાઈલેન્સરથી લઈને કારના પહોળા ટાયર સુધી યુવાનો ટ્રાફિકના નિયમોની અવગણના કરીને પણ પોતાનો શોખ પૂરો કરતા જોવા મળે છે. આવો જ એક કિસ્સો હરિયાણાના કૈથલ જિલ્લામાંથી સામે આવ્યો છે. અહીં ટ્રાફિક પોલીસે 24 ઇંચ (આશરે બે ફૂટ) પહોળા ટાયર સાથેની એક ગાડી થારને અટકાવી રૂ.23 હજારનું ચલણ ફટકાર્યું હતું. કારણ કે ગાડીના માલિક પાસે સ્થળ પર ગાડીના કોઈ દસ્તાવેજો નહોતા. થારને જપ્ત કરી તપાસ માટે મોકલી આપી હતી. ખરી હકીકત ત્યારે ખબર પડી કે, આ થાર 19 વર્ષ પહેલાની બોલેરો હતી.

મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, ટ્રાફિક પોલીસે ચલણ આપવા માટેના જે કારણો બતાવ્યા છે, તેમાં વાહન માટે દસ્તાવેજોનો અભાવ, ટ્રાફિકના નિયમોની વિરુદ્ધ કારમાં ફેરફાર કરાવવો અને વાહનમાં લગભગ 24 ઇંચ એટલે કે લગભગ 2 ફૂટ પહોળું ટાયર ફીટ કરાવવું સામેલ છે. સાથે જ ગાડીની આગળ અને પાછળ જાતિ દર્શાવતા શબ્દો મોટા મોટા અક્ષરોમાં લખેલા જોવા મળ્યા હતા. પોલીસનું કહેવું છે કે, આ સિવાય ટ્રાફિકના નિયમોનો ભંગ કરતી અનેક બાબતો હતી.

ચલણ ફટકાર્યા પછી મોડીફાઇડ થાર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી, ત્યાં થારનો રેકોર્ડ તપાસ્યા પછી જાણવા મળ્યું કે, તે 19 વર્ષ જૂની બોલેરો હતી. એવું કહેવામાં આવ્યું હતું કે, હરિયાણાના ડબવાલી શહેરમાં આ બોલેરાનો અકસ્માત થયો હતો. આ પછી તેને ભંગાર તરીકે વેચી દેવામાં આવ્યું હતું. ત્યારપછી બોલેરોને ભંગારવાળા પાસેથી ખરીદવામાં આવી હતી અને તેમાં ફેરફાર કરીને નવી થાર તરીકે બનાવવામાં આવી હતી. હાલ આ વાહન જપ્ત કરવામાં આવ્યું છે.

આને લઈને ટ્રાફિક પોલીસના DSP સુશીલ પ્રકાશે પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું હતું કે, એજન્સી તરફથી જે વાહનો કે બાઇક આવે છે, તે ટ્રાફિક નિયમોના ધારા ધોરણો મુજબ બનાવવામાં આવે છે. પરંતુ તેમાં ફેરફાર કરવો એ ટ્રાફિક નિયમોની વિરુદ્ધ છે. તેમણે વધુમાં કહ્યું કે, 'અમે આવા વાહનો માટે ચલણ ફટકારવાનું ચાલુ રાખીશું.'

અહીં તમને જણાવી દઈએ કે, ટ્રાફિક પોલીસે પદ્મસિટી મોલની સામે આ મોડિફાઈડ થારનું ચલણ કર્યું હતું. જ્યારે આ થારનું ચલણ કરવામાં આવ્યું, ત્યારે સ્થળ પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. આ થારને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. લોકોને આ થાર ખૂબ જ ગમી અને તેઓ તેની સાથે ફોટોગ્રાફ લેવા લાગ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp