કોરોના સંક્રમિત પછી PM મોદીએ ફોન કરીને ડૉક્ટર પાસેથી દવા અપાવી, CJIએ જણાવ્યું

PC: zeenews.india.com

CJI DY ચંદ્રચુડે કોવિડ-19 ચેપ દરમિયાન PM નરેન્દ્ર મોદી સાથેની તેમની વાતચીતને યાદ કરી. તેમણે જણાવ્યું કે તેમની બીમારી દરમિયાન પીએમએ તેમને ફોન કર્યો અને ડોક્ટર સાથે વાત પણ કરાવી અને દવાઓ પણ મોકલી. ભારતના મુખ્ય ન્યાયાધીશ DY ચંદ્રચુડે ગુરુવારે રાજધાની દિલ્હીમાં આયુષ વેલનેસ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન તેમણે કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલનો વિશેષ આભાર માન્યો હતો.

કાર્યક્રમ દરમિયાન CJIએ કહ્યું, 'જ્યારથી કોવિડ આવ્યો ત્યારથી હું આયુષ સાથે જોડાયેલો છું. હું કોવિડથી ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત થયો હતો અને PM મોદીએ મારી સાથે વાત કરી અને કહ્યું, 'હું જાણું છું કે, તમે કોવિડનો શિકાર છો અને મને આશા છે કે બધું સારું થઈ જશે. મને ખ્યાલ છે કે તમારી હાલત સારી નથી, પણ અમે બધું કરીશું. એક વૈદ્ય છે, જે આયુષમાં સેક્રેટરી પણ છે, હું વાતચીતની વ્યવસ્થા ગોઠવી આપીશ અને તે તમને દવાઓ મોકલી આપશે.'

CJI ચંદ્રચુડે આગળ કહ્યું, 'જ્યારે હું કોવિડથી બીમાર હતો ત્યારે મેં આયુષ પાસેથી દવાઓ લીધી હતી. બીજી અને ત્રીજી વખત જ્યારે મને કોવિડ થયો ત્યારે પણ મેં એલોપેથીની દવાઓ બિલકુલ લીધી ન હતી…. હું સર્વોચ્ચ અદાલતના તમામ ન્યાયાધીશો, તેમના પરિવારો અને 2 હજારથી વધુ સ્ટાફ સભ્યોની ચિંતા કરતો હતો, કારણ કે તેમને ન્યાયાધીશો જેવી સુવિધાઓ મળતી નથી. હું ઈચ્છું છું કે તેઓ સર્વગ્રાહી પેટર્નથી જીવે…. હું મંત્રી સર્બાનંદ સોનોવાલનો આભાર માનું છું.'

તેણે વધુમાં ઉમેર્યું, 'હું યોગ કરું છું. હું શાકાહારી આહારનું પાલન કરું છું, છેલ્લા પાંચ મહિનામાં મેં સંપૂર્ણ રીતે શાકાહારી આહારનું પાલન કર્યું છે અને હું આમ કરવાનું ચાલુ રાખીશ. હું જીવનની સર્વગ્રાહી પેટર્ન પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરું છું, જેની શરૂઆત તમે જે ખાઓ છો તેનાથી થાય છે.'

તેમણે કહ્યું કે, 'મારા માટે આ સંતોષકારક ક્ષણ છે. જ્યારથી મેં CJI તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારથી હું આના પર કામ કરી રહ્યો છું. હું આયુર્વેદ અને સર્વગ્રાહી જીવનશૈલીનો સમર્થક છું. અમારી પાસે 2000થી વધુ સ્ટાફ સભ્યો છે, અને અમારે માત્ર ન્યાયાધીશો અને તેમના નજીકના પરિવારો માટે જ નહીં, પરંતુ સ્ટાફના તમામ સભ્યો માટે પણ જીવનની એકંદર પેટર્નને ધ્યાનમાં લેવી જોઈએ... હું આયુષના તમામ ડૉક્ટરોનો ખૂબ આભારી છું... .અમે સુપ્રીમ કોર્ટ અને તેના દ્વારા સમગ્ર દેશ સમક્ષ આ રજૂઆત કરી રહ્યા છીએ...'

વર્ષ 2020ની શરૂઆતથી ભારતમાં કોવિડનો ફેલાવો શરૂ થયો હતો. આ પછી, 22 માર્ચ 2020ના રોજ PM મોદીએ જનતા કર્ફ્યુની જાહેરાત કરી. જોકે, ત્યાર પછી કોરોના રોગચાળો વધતો જોઈને દેશમાં લોકડાઉન પણ લાદવામાં આવ્યું હતું. સરકારી આંકડા દર્શાવે છે કે, દેશમાં આ ભયંકર રોગચાળાને કારણે 5 લાખ 33 હજાર 476 લોકોએ જીવ ગુમાવ્યા છે. રાહતના સમાચાર છે કે, દેશમાં રસીકરણનો આંકડો 220 કરોડ 67 લાખ 21 પર પહોંચી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp