વિદાય બાદ બે દિવસ સુધી કન્યા સાસરે ન પહોંચી, વરરાજાની સાથે રસ્તામાં જ રાત વિતાવી

PC: patrika.com

લગ્નની સંપૂર્ણ તૈયારીઓ કર્યા પછી, વરરાજા લગ્નની જાન સાથે તેના ઘરેથી નીકળી ગયો હતો, જ્યારે બીજી તરફ, કન્યા મંડપ નીચે લગ્ન માટે જાનની રાહ જોઈ રહી હતી. લગ્નની જાન પણ સમયસર પહોંચી ગઈ હતી અને વરરાજા અને કન્યાએ તેમના પરિવારના સભ્યોની હાજરીમાં સાત ફેરા પણ લઇ લીધા હતા. પરંતુ, લગ્નના થોડા કલાકોમાં જ વર-કન્યાનો સંઘર્ષ પણ શરૂ થઈ ગયો. લગ્ન પછી બંનેએ રસ્તા પર રાત વિતાવવી પડી હતી. આ બાબત ગામમાં ચર્ચાનો વિષય બની રહી છે.

પિથોરાગઢ જિલ્લાના જૌલજીબી-મુનસ્યારી રોડની ખરાબ હાલતને કારણે લગ્ન પછી દુલ્હનને પિયાના ઘરે જવાને બદલે આખી રાત ખુલ્લા આકાશ નીચે વિતાવવી પડી હતી. રસ્તામાં એક ટ્રક ફસાઈ જવાના કારણે આ રસ્તો બંધ થઈ ગયો હતો. લગ્નની જાનના વાહનો વરરાજાના ઘરથી લગભગ 18 Km દૂર ફસાઈ ગયા હતા. લગભગ સાત કલાક સુધી અહીં લગ્નની જાન અહીં અટકી રહી હતી. આખરે, લગ્નમાં આવેલા થોડા મહેમાનોએ જ ટ્રકને રોડની બાજુમાં ધકેલી દીધો હતો, પછી લગ્નની જાન આગળ ઘર તરફ વધી અને બીજા દિવસે વહેલી સવારે કન્યા તેના સાસરે પહોંચી.

ચીન સરહદે આવેલા મુનસ્યારી વિસ્તારમાં અવરજવર માટે માત્ર બે જ માર્ગો છે. આમાંથી એક જૌલજીબી-મુનસ્યારીનો રસ્તો છે. હાલમાં તે ખરાબ થઈ ગયો છે. મડકોટથી આગળ કાચી સડક છે અને ત્યાં કેટલીક જગ્યાએ મોટા મોટા ખાડા પડી ગયા છે. આવી સ્થિતિમાં અહીંના લોકોને દરરોજ સંઘર્ષ કરવો પડે છે. વિસ્તારના રહેવાસી કવિન્દ્રના લગ્નની જાન 22 નવેમ્બરના રોજ કનાલીછિના ખાતે નીકળી હતી. લગ્નમાં 200થી વધુ મહેમાનો હતા. લગ્ન પ્રસંગ પતાવીને પરત ફરતી વખતે કૈઠીબૈડ પાસે રસ્તામાં પડેલા મોટા મોટા ખાડાઓને કારણે એક ટ્રક રસ્તાની વચ્ચે ફસાઈ ગઈ હતી.

જેના કારણે જાનમાં જોડાયેલા વાહનો પણ અહી અટવાઈ ગયા હતા. લગ્નના અન્ય મહેમાનો સાથે વરરાજા અને કન્યા આખી રાત વાહનોમાં બેસીને રસ્તો ખૂલવાની રાહ જોતા રહ્યા. જ્યારે ટ્રકને હટાવવા માટે કોઈપણ સ્તરેથી કોઈ પહેલ કરવામાં આવી ન હતી, ત્યારે 23 નવેમ્બરના રોજ સવારે 3 વાગ્યાની આસપાસ લગ્નના કેટલાક જાનૈયાઓએ ટ્રકને રોડની બાજુમાં ધકેલી દીધો હતો. પછી જાનના વાહનો આગળ વધી શક્યા હતા.

ટ્રક ફસાઈ જવાના કારણે બંધ પડેલા રસ્તા પર અટવાઈ જતાં બીજા દિવસે લગ્નની જાન ઘરે પહોંચી ત્યારે લોકોએ કહ્યું કે, લગ્ન સમારોહ એક દિવસ ચાલવાનો હતો, પરંતુ રસ્તાની ખરાબ હાલતના કારણે તે બે દિવસનો થઇ ગયો. મલ્લા જોહાર કમિટીના પ્રમુખ શ્રીરામ ધર્મશક્તુનું કહેવું છે કે, પ્રશાસને રસ્તાના સમારકામમાં ગંભીરતા દાખવવી જોઈએ. તેમણે કહ્યું કે, ખરાબ રસ્તાઓને કારણે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે, ક્યારેક તો અકસ્માતનો ભય બની રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp