કેન્દ્રીય બજેટ બાદ ફાઇનાન્સ બિલ પણ લોકસભામાં કોઈપણ ચર્ચા વિના પસાર થઈ ગયું
'ફાઇનાન્સ બિલ 2023' શુક્રવારે લોકસભામાં 45 સુધારા સાથે ચર્ચા વિના પસાર કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વિપક્ષના સભ્યોએ અદાણી મુદ્દે સંયુક્ત સંસદીય સમિતિ (JPC) તપાસની માગણી સાથે ગૃહમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આ બિલ 1 એપ્રિલથી શરૂ થતા નાણાકીય વર્ષ માટે ટેક્સ દરખાસ્તોને અસર કરે છે. અગાઉ, ગયા ગુરુવારે (23 માર્ચ) કેન્દ્રીય બજેટ કોઈપણ ચર્ચા વિના માત્ર 12 મિનિટમાં પસાર થઈ ગયું હતું.
કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે નીચલા ગૃહ લોકસભામાં નાણાં વિધેયક 2023 રજૂ કર્યું, વિપક્ષી સભ્યોએ કોર્પોરેટ ગૃહો સાથે કેન્દ્ર સરકારના સંબંધોની તપાસની માંગના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા. કાર્યવાહી દરમિયાન વિપક્ષી સાંસદોએ 'મોદી, અદાણી, બાય બાય'ના નારા લગાવ્યા હતા.
બિલની રજૂઆત કરતા સીતારમણે કહ્યું કે, કેન્દ્ર સરકારને ભલામણો મળી છે કે સરકારી કર્મચારીઓ માટે નેશનલ પેન્શન સિસ્ટમમાં સુધારાની જરૂર છે.
ત્યારબાદ તેમણે 'પેન્શનના આ મુદ્દા પર ધ્યાન આપવા અને સામાન્ય નાગરિકની સુરક્ષા માટે નાણાકીય સમજદારી જાળવી રાખીને કર્મચારીઓની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે' નાણા સચિવ હેઠળ એક સમિતિની રચના કરવાની દરખાસ્ત કરી.
તેમણે કહ્યું કે આ અભિગમ કેન્દ્ર અને રાજ્ય સરકારો બંને દ્વારા અપનાવવામાં આવશે.
ડેટ મ્યુચ્યુઅલ ફંડની અમુક શ્રેણીઓ પરના લાંબા ગાળાના કર લાભો પાછી ખેંચવાની માંગ સહિત 64 સત્તાવાર સુધારાઓ છતાં ફાઇનાન્સ બિલને ચર્ચા વિના પસાર કરવામાં આવ્યું હતું. અન્ય સુધારો GST એપેલેટ ટ્રિબ્યુનલની સ્થાપના માટે જોગવાઈ કરે છે.
મીડિયાએ અગાઉ અહેવાલ આપ્યો હતો કે, કેવી રીતે 23 માર્ચે લોકસભાએ 2023-24 માટેનું કેન્દ્રીય બજેટ કોઈપણ ચર્ચા વિના માત્ર 12 મિનિટમાં પસાર કર્યું હતું. આ પણ એવા સમયે થયું જ્યારે ગૃહ વિપક્ષના વિરોધનું સાક્ષી હતું.
અહેવાલમાં એવું કહેવામાં આવ્યું હતું કે, અનુદાન અને વિનિયોગ બિલની માંગણીઓ બે વખત મુલતવી રાખ્યા પછી લેવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, વિપક્ષ જાન્યુઆરીમાં બહાર પડાયેલા હિંડનબર્ગ રિપોર્ટમાંથી બહાર આવેલા તથ્યોને લઈને અદાણી જૂથ પર છેતરપિંડી અને સ્ટોક હેરાફેરીના આરોપો પર ચર્ચા કરવાનો આગ્રહ કરી રહ્યો છે. ત્યારે BJP બ્રિટનમાં કરેલી ટિપ્પણી માટે રાહુલ ગાંધીની માફી માંગવા સંસદની કાર્યવાહી ખોરવી રહી છે.
બજેટ પસાર કરવાના બે નિષ્ફળ પ્રયાસો પછી આખરે 23મી માર્ચે સાંજે 6 વાગ્યાની આસપાસ માત્ર 12 મિનિટમાં તે પસાર થઈ ગયું હતું. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષો દ્વારા સૂચવવામાં આવેલા સુધારાઓને મતદાન માટે મૂક્યા અને તેને એક જ અવાજે નકારી કાઢવામાં આવ્યા.
ત્યાર પછી, નાણા પ્રધાન નિર્મલા સીતારમણે 2023-2024 માટે અનુદાન માટેની માંગણીઓ અને સંબંધિત વિનિયોગ બિલ રજૂ કર્યા.
મીડિયા સૂત્રો અનુસાર, લોકસભા સ્પીકરે મતદાન માટે તમામ મંત્રાલયોની અનુદાનની માંગણી મૂકી. આ સમયે વિપક્ષી સાંસદોએ વિરોધ કરવાની સાથે-સાથે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા, પરંતુ વિવિધ મંત્રાલયોને અનુદાન અંગે કોઈ ચર્ચા કર્યા વિના માંગણીઓ પસાર કરવામાં આવી હતી.
કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ નાણાપ્રધાન P. ચિદમ્બરમે ત્યાર પછી જે રીતે બજેટને કોઈપણ ચર્ચા વિના પસાર કરવામાં આવ્યું હતું, તેની ટીકા કરી હતી અને કહ્યું હતું કે તે 'સંસદીય લોકશાહીનો સૌથી ખરાબ સંદેશ છે.'
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp