UP રાજકારણ પર અખિલેશ યાદવે કહ્યું- જે ભાજપે બીજી પાર્ટીઓ સાથે કર્યું એ હવે...

PC: kcx.com/yadavakhilesh

ઉત્તર પ્રદેશના રાજકારણમાં અત્યારે હોબાળો મચી ગયો છે. ભાજપની અંદર જ આંતરિક ડખો ચાલી રહ્યો હોવાની ચર્ચા થઈ રહી છે, ત્યારે આ બધા વચ્ચે ઉત્તર પ્રદેશના પૂર્વ CM અખિલેશ યાદવે પણ ભાજપ પર પ્રહાર કરવાનો મોકો નહોતો છોડ્યો. પૂર્વ CM અખિલેશ યાદવે ટ્વીટ કરીને લખ્યું હતુંકે, ભાજપની ખુરશીની લડાઈની ગરમીમાં ઉત્તર પ્રદેશમાં શાસન-પ્રશાસન પર કોઈ ધ્યાન નથી આપી રહ્યું. તોડફોડની રાજનીતિનું કામ જે ભાજપે બીજી પાર્ટીઓ સાથે કર્યું છે, તે જ કાણ હવે તેઓ પોતાની અંદર કરી રહી છે. એટલા માટે ભાજપ અંદરોઅંદરના ઝઘડાના દળદળમાં ધસી રહી છે. જનતા વિશે વિચારનારું ભાજપમાં કોઈ નથી.

ઉત્તર પ્રદેશમાં બદલાયું રાજકીય વાતાવરણ, BJPમાં આંતરિક કલહ માત્ર અટકળ કે સત્ય?

લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં BJPની જીત પછી અનેક પ્રકારની અટકળો હવામાં વહેતી થઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર BJP સરકારમાં આંતરિક રીતે બધું બરાબર નથી ચાલી રહ્યું. લોકસભા ચૂંટણીમાં હાર પછી CM યોગી આદિત્યનાથની કાર્યશૈલી પર અનેક સવાલો ઉભા થયા છે. આ સવાલો બીજે ક્યાંયથી નહીં પરંતુ BJP સરકાર અને સંગઠનની અંદરથી જ ઉઠી રહ્યા છે. BJP પ્રદેશ કાર્ય સમિતિની બેઠક દરમિયાન અસંતોષનો પ્રથમ અવાજ સામે આવ્યો હતો. જેમાં સરકાર અને સંગઠન વચ્ચે સંકલનના અભાવ અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા.

આ બેઠકમાં CM યોગી આદિત્યનાથે સ્પષ્ટપણે કહ્યું કે, આ સમયે સરકારની નીતિઓથી પાછળ હટવાની જરૂર નથી. બેકફૂટ પર જવાને બદલે કાર્યકરોએ આગળ આવવું પડશે અને સરકારની નીતિઓને લોકો સુધી પહોંચાડવામાં પહેલ કરવી પડશે. આ પછી જ યોગી સરકારે પોતાના જૂના નિર્ણયો બદલવાનું શરૂ કર્યું. CM યોગી આદિત્યનાથે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને જાહેરાત કરવામાં આવી હતી કે, પંતનગર, ખુર્રમનગર, અબરાર નગર સહિત કુકરેલ નદીના કિનારે બનેલા મકાનોને તોડી પાડવામાં આવશે નહીં. આ નિર્ણયથી પરેશાન લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

યોગી સરકારમાં હાલમાં બે DyCM કેશવ પ્રસાદ મૌર્ય અને DyCM બ્રજેશ પાઠક સામેલ છે. કહેવાય છે કે, આ બંને DyCM સાથે CM યોગીના સંબંધો એકદમ સારા નથી. તાજેતરમાં જ BJPની પ્રદેશ કાર્ય સમિતિની બેઠકમાં DyCM મૌર્યએ કહ્યું હતું કે, સંગઠન હંમેશા સત્તા કરતાં મોટું હોય છે. આ પછી પણ DyCM મૌર્યને સરકાર તરફથી સંગઠનમાં મોકલવામાં આવશે તેવી અનેક પ્રકારની અટકળો શરૂ થઈ હતી. આ બેઠક પછી તરત જ DyCM મૌર્યએ દિલ્હીમાં BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી.

મોટો નિર્ણય લેતા CM યોગી આદિત્યનાથે રાજ્યમાં યોજાનારી 10 વિધાનસભા પેટાચૂંટણીની તૈયારી માટે 30 મંત્રીઓની ટીમ બનાવી છે. પરંતુ તેમના બંને DyCM તેમાં સામેલ નથી. આનાથી UPમાં અટકળોના નવા રાઉન્ડને પણ વેગ મળ્યો છે. હવે જોવાનું એ છે કે, આ સમગ્ર પ્રકરણમાં BJPની કેન્દ્રીય નેતાગીરીનું વલણ શું છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp