26th January selfie contest

આખરે ભાજપને હરાવવા સપા-બસપામાં ગઠબંધન, 38-38 બેઠકો પર લડશે

PC: opinionexpress.in

લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરુ થઈ ગઈ છે, ત્યારે ઉત્તર પ્રદેશમાં બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ શનિવારે જાહેરાત કરતા જણાવ્યું કે, આગામી લોકસભા ચૂંટણીમાં તેમની પાર્ટી સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કરીને લડશે. માયાવતીએ ગઠબંધનને એક નવી રાજનીતિક ક્રાન્તિ ગણાવતા ભાજપને આડેહાથ લીધુ હતું. જણાવી દઈએ કે, આ ગઠબંધન અંતર્ગત બન્ને પાર્ટીએ 38-38 બેઠકો પર ચૂંટણી લડશે.

તેમણે વધુમાં જણાવ્યું કે, દેશની જનતા અત્યારની કેન્દ્ર સરકારથી પરેશાન છે. આ સરકારને અટકાવવા માટે જ ઉત્તર પ્રદેશમાં યોજાયેલી ગઈ લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણીઓમાં ગઠબંધનમાં ચૂંટણી લડ્યા હતા. હવે 2019ની લોકસભા ચૂંટણી સપા-બસપા સાથે મળીને લડવાની છે.

આ ગઠબંધનમાં કોંગ્રેસને સામેલ નહી કરવા અંગે જણાવ્યું કે, કોંગ્રેસે રાજ્યમાં લાંબા સમય સુધી શાસન કર્યું, પરંતુ એ સરકારે ગરીબ, પછાત અને દલિત વર્ગ માટે કશું જ નથી કર્યું. આથી જ બન્ને પાર્ટીઓએ નિર્ણય કર્યો કે, અમે લોકસભા ચૂંટણીના ગઠબંધનમાં કોંગ્રેસને સામેલ નહી કરીએ.

આ ઉપરાંત અખિલેશ યાદવે પણ ભાજપ સરકાર પર હુમલો કરતા જણાવ્યું કે, આ સરકારને ઉખાડવા માટે ઉત્તર પ્રદેશમાં ગઠબંધન કરવામાં આવ્યું છે. આ ગઠબંધનનો ફાયદો બન્ને પાર્ટીઓને આગામી લોકસભા ચૂંટણીમાં મળશે.

ઉલ્લેખનીય છે કે, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી 26 વર્ષ બાદ એક થઈ છે. અગાઉ 1993માં બહુજન સમાજ પાર્ટી અને સમાજપાર્ટી ગઠબંધનમાં ચૂંટણી લડ્યા હતા. એ ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી 264 બેઠકો પર લડી હતીસ જેમાં 109 બેઠકો પર વિજય મેળવ્યો હતો. જ્યારે બહુજન સમાજ પાર્ટીએ 163 બેઠકો પર ચૂંટણી લડીને 67 બેઠકો પર વિજય મેળવ્યો હતો.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp