દોષિત MP-MLA પર ચૂંટણી લડવા પર આજીવન પ્રતિબંધ, એમિકસ ક્યુરીની માગ

PC: livehindustan.com

જો ધારાસભ્યો અને સાંસદો પર કોર્ટમાં કોઈ ગુનો સાબિત થાય તો ચૂંટણી લડવા પર આજીવન પ્રતિબંધ લાદવાની માંગ સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે. વરિષ્ઠ વકીલ વિજય હંસારિયા, જેમને સુપ્રીમ કોર્ટ દ્વારા સાંસદો અને ધારાસભ્યો સામેના ફોજદારી કેસ સંબંધિત કેસોમાં એમિકસ ક્યૂરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, તેમણે તેમના અહેવાલમાં કહ્યું છે કે, દોષિત નેતાઓ પર છ વર્ષ માટે ચૂંટણી લડવા પર નહીં પરંતુ આજીવન પ્રતિબંધ મૂકવો જોઈએ.

ભારતના મુખ્ય ન્યાયાધીશ CJI D.Y. ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચ સમક્ષ હાજર થયેલા તેમના અહેવાલમાં, હંસારિયાએ જણાવ્યું હતું કે, 'સાંસદ અને ધારાસભ્યો સામાન્ય લોકોની સાર્વભૌમ ઇચ્છાનું પ્રતિનિધિત્વ કરે છે અને એકવાર નૈતિક ક્ષતિ સાથે સંકળાયેલો ગુનો કરતા જોવા મળે છે, તો તેમને કાયમી ધોરણે ગેરલાયક ઠેરવવા જોઈએ.'

સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત એમિકસ ક્યુરી વિજય હંસરિયાએ તેમનો 19મો રિપોર્ટ દાખલ કર્યો. આ સમય દરમિયાન, કોર્ટમાં એમિકસ ક્યૂરીએ અહેવાલનું સમર્થન કર્યું હતું અને કહ્યું હતું કે, જો કોઈ નેતા દોષિત હોય તો તેના પર 6 વર્ષના પ્રતિબંધને બદલે ચૂંટણી લડવા પર આજીવન પ્રતિબંધ મૂકવો જોઈએ. હકીકતમાં, એમિકસ ક્યૂરી સાંસદો અને ધારાસભ્યો સામેના પડતર કેસોના ઝડપી નિકાલ થાય તેના પર નજર રાખી રહ્યું છે.

લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 8ને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે. એમિકસ ક્યુરીએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે, સેન્ટ્રલ વિજિલન્સ કમિશન એક્ટ, 2003 અને લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ, 2013 હેઠળ દોષિત ઠેરવ્યા પછી કાયમી અયોગ્યતા અને/અથવા વૈધાનિક પદ ધારણ કરવાથી દૂર કરવાની જોગવાઈ છે.

એમિકસ ક્યુરીએ રિપોર્ટમાં કહ્યું છે કે, કલમ 8 હેઠળ ગુનાને ગંભીર અને વધારે ગંભીર આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. હંસરિયાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, લોકોના પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 8એ જોગવાઈ કરે છે કે, અયોગ્યતા છૂટની તારીખથી માત્ર છ વર્ષના સમયગાળા માટે રહેશે. દોષિત વ્યક્તિ છૂટ્યાના છ વર્ષ પછી ચૂંટણી લડવા માટે લાયક છે, ભલે તે બળાત્કાર અથવા ડ્રગના વ્યવહાર અથવા આતંકવાદી પ્રવૃત્તિઓ અથવા ભ્રષ્ટાચાર જેવા ગંભીર કેસમાં સંડોવણી જેવા જઘન્ય અપરાધ માટે દોષિત સાબિત કરવામાં આવ્યા હોય.

હંસરિયાએ તેમના અહેવાલમાં જણાવ્યું હતું કે, સાંસદો અને ધારાસભ્યો સામે મોટી સંખ્યામાં કેસ પેન્ડિંગ છે અને કુલ 5175 પેન્ડિંગ કેસોમાંથી 2116 કરતાં વધુ કેસો એટલે કે 40%, 5 વર્ષથી વધુ સમયથી પેન્ડિંગ છે. સમગ્ર દેશમાં સાંસદો અને ધારાસભ્યો સામે વિવિધ હાઈકોર્ટમાં 1377 પેન્ડિંગ કેસ સાથે ઉત્તર પ્રદેશ પ્રથમ ક્રમે છે. દેશભરના વર્તમાન અને ભૂતપૂર્વ સાંસદો અને ધારાસભ્યો સામેના ફોજદારી કેસોમાં ચોથા ભાગના કેસ એકલા UPના છે. આ યાદીમાં બિહાર 546 કેસ સાથે બીજા સ્થાને છે.

આ આંકડા કલંકિત પ્રતિનિધિઓ પર સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત એમિકસ ક્યુરીએ રજૂ કરેલા 19મા રિપોર્ટના છે. હકીકતમાં, 2016માં BJP નેતા અશ્વિની કુમાર ઉપાધ્યાય દ્વારા દાખલ કરવામાં આવેલી PIL પછી, સુપ્રીમ કોર્ટ આ કેસોનો જલદી નિકાલ થાય તેના પર નજર રાખી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp