દેશવાસીઓને તેમની સુરક્ષાની ખાતરી આપવામાં આવે છે: અમિત શાહ

PC: PIB

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળમાં સિલિગુડી ખાતે સશસ્ત્ર સીમા દળ (SSB)ના 61મા સ્થાપના દિવસના સમારંભમાં હાજરી આપી હતી. પોતાના સંબોધનની શરૂઆતમાં કેન્દ્રીય ગૃહ મંત્રીએ દેશની સરહદોની સુરક્ષા અને પૂર્વી વિસ્તારમાંથી ડાબેરી ઉગ્રવાદને નાબૂદ કરવામાં પોતાના જીવનનું બલિદાન આપનારા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ગૃહ મંત્રીએ શહીદોના પરિવારજનોને કહ્યું કે તેમના વીર સપૂતોના બલિદાને દેશને એક નવું જીવન, ઉર્જા અને ઉત્સાહ આપ્યો છે અને સમગ્ર દેશને તેમના પર ગર્વ છે. અમિત શાહે જણાવ્યું હતું કે, 61 વર્ષમાં SSBને 4 પદ્મ, 1 કીર્તિ ચક્ર, 6 શૌર્ય ચક્ર, 2 રાષ્ટ્રપતિ વીરતા મેડલ, 25 પોલીસ વીરતા મેડલ અને 35 વીરતા મેડલ પ્રાપ્ત થયા છે. તેમણે કહ્યું કે SSB દ્વારા પ્રાપ્ત આ રાષ્ટ્રીય સ્તરના સન્માનો બતાવે છે કે SSB જવાનો તેમની ફરજો નિભાવવા માટે કેટલા નિર્ધારિત છે.

અમિત શાહે જણાવ્યું હતું કે, સશસ્ત્ર સીમા દળે ભારતનાં સરહદી ગામડાંઓની સંસ્કૃતિ, ભાષા અને સમૃદ્ધ વારસાને દેશની મુખ્યધારા સાથે જોડવાનું વિશિષ્ટ કાર્ય કર્યું છે. તેમણે કહ્યું હતું કે, SSBએ તેની ફરજો મારફતે સેવા, સુરક્ષા અને બંધુત્વનું સૂત્ર પૂર્ણ કર્યું છે. તેમણે કહ્યું કે SSBએ નેપાળ અને ભૂટાન સાથે વિશ્વાસ, વિરાસત અને મિત્રતાની પરંપરાને આગળ વધારી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીએ કહ્યું કે પૂર્વ PM અટલ બિહારી વાજપેયીએ એક બોર્ડર, એક ફોર્સની નીતિ અપનાવી હતી, ત્યારબાદ SSBને નેપાળ અને ભૂટાન સાથે જોડાયેલી સીમાની સતર્કતા અને સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 1963માં તેની સ્થાપના થઈ ત્યારથી લઈને અત્યાર સુધી SSBએ સરહદી ગામડાઓમાં ભારત સાથે દેશભક્તિ અને જોડાણની ભાવના પેદા કરી છે. અમિત શાહે જણાવ્યું હતું કે, દેશવાસીઓને તેમની સુરક્ષાની ખાતરી આપવામાં આવે છે, કારણ કે SSBનાં જવાનો નેપાળ અને ભૂતાન સાથેની ભારતની 2450 કિલોમીટર લાંબી સરહદ પર રક્ષક તરીકે ઊભા છે.

અમિત શાહે જણાવ્યું હતું કે, 61 વર્ષનાં પોતાનાં ગૌરવશાળી ઇતિહાસમાં SSBએ સેવા, સુરક્ષા અને બંધુત્વનાં સૂત્રને સાકાર કર્યું છે તથા દેશસેવાની ભાવના, ભક્તિ અને રાષ્ટ્ર પ્રથમનાં છે. અમિત શાહે જણાવ્યું હતું કે, SSBના જવાનોએ ખૂબ જ સક્રિયપણે સરહદ પર નશીલા દ્રવ્યોની દાણચોરી, માનવ તસ્કરી, શસ્ત્રોની દાણચોરી અને દેશવિરોધી તત્ત્વોની ઘૂસણખોરી અટકાવી છે. તેમણે કહ્યું કે SSBએ સીઆરપીએફ અને સ્થાનિક પોલીસ દળ સાથે સંકલન કરીને સમગ્ર પૂર્વીય વિસ્તારને નક્સલ મુક્ત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

તેમણે જણાવ્યું હતું કે, SSBએ લગભગ ચાર દાયકા પછી બિહાર અને ઝારખંડને નક્સલમુક્ત બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમણે કહ્યું હતું કે, સિલિગુડી કોરિડોર પૂર્વ ભારતનું અતિ મહત્ત્વપૂર્ણ ક્ષેત્ર છે અને અહીં SSBની તૈનાતી સમગ્ર દેશ માટે આશ્વાસન અને આત્મવિશ્વાસનું કારણ છે. તેમણે કહ્યું કે SSBની તકેદારીને કારણે અમે પૂર્વ વિસ્તારમાં વિશ્વાસનું વાતાવરણ ઊભું કરવામાં સફળ રહ્યા છીએ.

અમિત શાહે જણાવ્યું હતું કે, જ્યારે ભારત અને નેપાળ વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધોનાં ગૌરવનું સન્માન કરવામાં આવે છે, ત્યારે SSB દ્વારા નો મેન્સ લેન્ડમાં થયેલાં 1100થી વધારે અતિક્રમણોને દૂર કરવા એ એક મોટી ઉપલબ્ધિ છે. અમિત શાહે જણાવ્યું હતું કે, સરહદથી 15 કિલોમીટરની અંદર સરકારી જમીન પર અતિક્રમણ સામે SSBએ છેલ્લાં 3 વર્ષમાં ઝીરો-ટોલરન્સ નીતિ અપનાવી છે. તેમણે કહ્યું કે SSB હજારો એકર સરકારી જમીનને અતિક્રમણથી મુક્ત કરવામાં સફળ રહી છે.

અમિત શાહે જણાવ્યું હતું કે, SSB ઝીરો-ટોલરન્સ નીતિ સાથે સરકારી જમીન પરનાં અતિક્રમણને દૂર કરવા, નશીલા દ્રવ્યો, શસ્ત્રો, વન્યજીવન, વનપેદાશો અને બનાવટી ચલણની દાણચોરી અટકાવવા સતત કામ કરે છે. તેમણે કહ્યું કે SSBએ 4,000 થી વધુ દાણચોરો, 16000 કિલોથી વધુ માદક દ્રવ્યો, 208 શસ્ત્રો અને મોટી માત્રામાં દારૂગોળો જપ્ત કર્યો છે. તેમણે કહ્યું કે SSBએ 183 માનવ તસ્કરોની ધરપકડ કરી છે અને 231 છોકરીઓ સહિત 301 પીડિતોને બચાવ્યા છે. અમિત શાહે જણાવ્યું હતું કે, SSBએ મહિલાઓનાં ગૌરવનું રક્ષણ કરવામાં ચોક્કસ પણે મોટી ભૂમિકા ભજવી છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાને કહ્યું કે SSBની ફરજો ફક્ત સુરક્ષા પૂરતી મર્યાદિત નથી, પરંતુ દળ વિવિધ રાહત કામગીરીમાં પણ જોડાયું છે અને આપત્તિઓ દરમિયાન સંપૂર્ણ તત્પરતાથી લોકોની મદદ કરી છે. તેમણે કહ્યું કે પૂર હોય કે ભૂસ્ખલન, આ જવાનોએ પોતાના જીવની પરવા કર્યા વગર અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી હાથ ધરી છે અને દેશના લોકો સાથે ખભેખભા મિલાવીને ઉભા રહ્યા છે. SSB જવાનોની નિઃસ્વાર્થ સેવા અને દ્રઢ નિશ્ચયથી લાખો લોકોનાં જીવનનું રક્ષણ થયું છે અને તેનાથી દેશનાં લોકોનાં હૃદયમાં SSB પ્રત્યે સારી લાગણી જન્મી છે.

અમિત શાહે જણાવ્યું હતું કે, PM નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકાર આયુષ્માન કાર્ડ, બેરેક, સીએપીએફ ઇ-હાઉસિંગ અને સ્કોલરશિપ જેવી યોજનાઓ સાથે સીએપીએફનાં કર્મચારીઓનાં જીવનને વધારે સરળ બનાવી રહી છે. તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં મોદી સરકારે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (સીએપીએફ)ના કલ્યાણ માટે 41 લાખથી વધુ આયુષ્માન કાર્ડ બનાવ્યા છે, જેના દ્વારા 1600 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. આ સાથે 13 હજાર આવાસ, 113 બેરેક અને ઈ-આવાસ પોર્ટલ બનાવવામાં આવ્યા છે જેના દ્વારા હજારો મકાનોની ફાળવણી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં સીએપીએફ ઇ-હાઉસિંગ પોર્ટલનો લાભ 6 લાખ 31 હજાર 346 ફોર્સના જવાનોને મળી ચૂક્યો છે.

તેમણે જણાવ્યું હતું કે રમતગમતના ક્ષેત્રમાં પણ SSBએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને દેશ માટે 72 ચંદ્રકો જીત્યા છે. તેમણે કહ્યું કે SSBના પ્રશિક્ષિત કર્મચારીઓએ સરહદી વિસ્તારોના યુવાનોને મધમાખી ઉછેર, કમ્પ્યુટર, મોબાઇલ રિપેરિંગ અને ડ્રાઇવિંગ જેવા ઘણા ક્ષેત્રોમાં તાલીમ આપીને સ્વરોજગારી માટે તૈયાર કર્યા છે. આ સાથે નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત SSBએ પણ 36000 જેટલા યુવાનોને નશાની લતના દૂષણ વિશે જાગૃત કરવામાં મોટું યોગદાન આપ્યું છે. ગૃહ મંત્રીએ કહ્યું કે SSBએ સીએપીએફના વૃક્ષારોપણ અભિયાનને આગળ વધાર્યું છે અને અમારા સીએપીએફ જવાનોએ 15 નવેમ્બર 2024 સુધીમાં 6 કરોડથી વધુ વૃક્ષો વાવીને ધરતી માતાની સેવા કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp