કાશ્મીર, ડાબેરી ઉગ્રવાદથી અસરગ્રસ્ત વિસ્તારો આપણા માટે ચિંતાનો વિષય છેઃ અમિત શાહ

PC: PIB

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ હૈદરાબાદમાં કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)ના 54મા સ્થાપના દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રીએ આ કાર્યક્રમ દરમિયાન યોજાયેલી પરેડની સલામી લીધી અને આ પ્રસંગે દળના મેગેઝિન ‘સેન્ટીનેલ-2023’ અને કોફી ટેબલ બુકનું વિમોચન પણ કર્યું હતું. આ પ્રસંગે તેલંગાણાના રાજ્યપાલ ડૉ. તમિલિસાઇ સૌંદરરાજન, કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી જી. કિશન રેડ્ડી, CISFના મહાનિદેશક અને દળના જવાનો તેમજ તેમના પરિવારો સહિત અનેક હાજર હતા.

અમિત શાહે આ પ્રસંગે આપેલા સંબોધનમાં જણાવ્યું હતું કે, CISF એ 53 વર્ષથી દેશની ઔદ્યોગિક સંસ્થાઓ, એરપોર્ટ અને બંદરોની સુરક્ષા સુનિશ્ચિત કરીને દેશની આર્થિક પ્રગતિમાં ઘણું યોગદાન આપ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, કોઇપણ દેશ માત્ર ત્યારે જ પ્રગતિ કરી શકે છે જ્યારે તેમની ઔદ્યોગિક સંસ્થાઓ, એરપોર્ટ, બંદરોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે. અમિત શાહે જણાવ્યું હતું કે, આ દળના દરેક જવાનોએ છેલ્લા 53 વર્ષો દરમિયાન CISFની સ્થાપના વખતે નક્કી કરાયેલા તેના ઉદ્દેશ્ય માટે પોતાના પ્રાણની પણ આહુતિ આપીને રાષ્ટ્રની અમૂલ્ય સેવા કરી છે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, PM નરેન્દ્ર મોદીએ દેશ માટે 5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થાનું લક્ષ્ય નક્કી કર્યું છે અને તે લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે આપણા એરપોર્ટ, બંદરો અને રાષ્ટ્રીય મહત્વની સંસ્થાઓની ચુસ્ત સુરક્ષા હોય તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, CISF આવનારા સમયના તમામ પડકારોનો સામનો કરવા માટે પોતાને તૈયાર કરીને રાષ્ટ્રની સેવા કરવાનું નિરંતર ચાલુ રાખશે.

અમિત શાહે જણાવ્યું હતું કે આજનો દિવસ એક ઐતિહાસિક દિવસ છે કારણ કે આજના દિવસે જ મહાત્મા ગાંધીએ 1930માં 240 માઇલની દાંડી કૂચ સાથે મીઠાના સત્યાગ્રહનો પ્રારંભ કર્યો હતો. તેમણે આગળ કહ્યું હતું કે, મીઠાના સત્યાગ્રહે આટલા વિશાળ સામ્રાજ્યને લાકડી ઉપાડ્યા વિના અસહકાર અને અહિંસા દ્વારા કેવી રીતે પરાજિત કરી શકાય તે બતાવીને તેનો આઝાદીની ચળવળમાં નવો ઇતિહાસ રચ્યો હતો.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, 1969માં લગભગ 3000ની તાકાત ધરાવતું આ દળ 53 વર્ષમાં 1,70,000ના આંકડા પર પહોંચી ગયું છે. તેમણે જણાવ્યું હતું કે, આવનારા 10 વર્ષમાં આ દળ માટે વિકાસની ઘણી તકો ઉપલબ્ધ થવાની છે. આજના ડિજિટલ યુગમાં, આ દળે તેના હિતધારકોને અત્યાધુનિક સુરક્ષા પ્રદાન કરવાની પરંપરાને આગળ ધપાવી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, CISF એ માત્ર સુરક્ષા પ્રોટોકોલને રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ નથી કર્યો પરંતુ તેને અભેદ્ય પણ બનાવ્યો છે. અમિત શાહે જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહ મંત્રાલય પણ બંદરો, એરપોર્ટ અને ઔદ્યોગિક એકમોની સુરક્ષા માટે અત્યાધુનિક ટેક્નોલોજી અપનાવીને આગામી દિવસોમાં આવનારા પડકારોને પહોંચી વળવા CISFને તમામ ટેક્નોલોજીથી સજ્જ કરવામાં કોઇ કસર છોડશે નહીં. આના માટે ગૃહ મંત્રાલયે એક એક્શન પ્લાન પણ તૈયાર કર્યો છે.

અમિત શાહે જણાવ્યું હતું કે, આજે CISF દ્વારા 66 સંવેદનશીલ અને મોટા એરપોર્ટ, 14 મોટા બંદરો, પરમાણુ અને અવકાશ સંસ્થાઓ, દિલ્હી મેટ્રો, સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને ઘણા ઔદ્યોગિક એકમો તેમજ ખાણોની સુરક્ષા કરવામાં આવી રહી છે. તેમણે આગળ કહ્યું હતું કે, દેશના તમામ CAPFમાં CISF એકમાત્ર એવું દળ છે કે જે અસરકારક અગ્નિશમન દળ ધરાવે છે અને તેણે અગ્નિશમન સંરક્ષણના ક્ષેત્રમાં ઘણી સિદ્ધિઓ મેળવી છે. અમિત શાહે જણાવ્યું હતું કે, CISF દિલ્હી મેટ્રોમાં અથવા એરપોર્ટ પર દરરોજ લગભગ 50 લાખ મુસાફરો સાથે સારી રીતભાત સાથે વ્યવહાર કરે છે પરંતુ સંપૂર્ણ દૃઢતા સાથે દેશની સંપત્તિની સુરક્ષા પ્રત્યે કટિબદ્ધ પણ છે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ આગળ જણાવ્યું હતું કે, CISF દ્વારા હાઇબ્રિડ મોડલ અપનાવામાં આવ્યું છે અને તે આવનારા સમયમાં તેની ભૂમિકામાં વધારો કરશે. આ મોડલ ખાનગી કંપનીઓ માટે સલાહકાર અને અન્ય ઘણી ભૂમિકાઓમાં તેનો ઉપયોગ કરવાનો માર્ગ પણ પ્રશસ્ત કરશે. તેમણે આગળ કહ્યું હતું કે, આવનારા બે દાયકામાં આ દળ ખાનગી કંપનીઓને આધુનિક ટેક્નોલોજી અને ડ્રોન જેવા સુરક્ષા સંબંધિત જોખમોથી પણ સુરક્ષિત કરી શકશે.

અમિત શાહે જણાવ્યું હતું કે, CISF દ્વારા વૃક્ષારોપણ અભિયાન હાથ ધરીને છેલ્લા 4 વર્ષમાં 3 કરોડથી વધુ વૃક્ષો વાવીને પર્યાવરણ પ્રત્યે તેની જાગૃતિ અને સમર્પણ તેમણે દર્શાવ્યું છે. ઉપરાંત, આ દળે 1200 કરતાં વધુ સ્વચ્છતા અભિયાનો પણ હાથ ધર્યા છે અને સંપૂર્ણ સમર્પણ સાથે સ્વચ્છતા અભિયાનને લોકપ્રિય બનાવીને સ્વચ્છતાના સંસ્કારને લોકો સુધી પહોંચાડવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, હર ઘર તિરંગા અભિયાન દરમિયાન પણ CISF દ્વારા 5 લાખથી વધુ ત્રિરંગા લહેરાવીને તેને સફળ બનાવવામાં તેમણે ખૂબ જ મોટું યોગદાન આપ્યું હતું. આ ઉપરાંત આ દળે નેશનલ સ્ટેડિયમ ખાતે રન ફોર યુનિટીમાં ભાગ લઇને દેશના લોખંડી પુરુષ સરદાર પટેલને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આગળ જણાવ્યું હતું કે, છેલ્લા 9 વર્ષમાં મોદી સરકારે તમામ CAPF અને રાજ્ય પોલીસને સામેલ કરીને આંતરિક સુરક્ષાના ક્ષેત્રમાં તમામ પડકારોનો સફળતાપૂર્વક સામનો કર્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, કાશ્મીર, પૂર્વોત્તર અને ડાબેરી ઉગ્રવાદથી અસરગ્રસ્ત વિસ્તારો આપણા માટે ચિંતાનો વિષય છે, આ ત્રણેય ક્ષેત્રોમાં હિંસામાં નોંધપાત્ર પ્રમાણમાં ઘટાડો થયો છે. લોકોના આત્મવિશ્વાસમાં વધારો થઇ રહ્યો છે અને જેઓ ભાગલાવાદ તેમજ આતંકવાદ ફેલાવે છે તેઓ હવે આત્મસમર્પણ કરી રહ્યા છે અને મુખ્ય પ્રવાહમાં જોડાઇ રહ્યા છે. દેશના તમામ CAPF એ હિંસા આચરનારાઓ સાથે મક્કમતા સાથે કામ કરવામાં ખૂબ જ યોગદાન આપ્યું છે. ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, મોદી સરકારની આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ, છેલ્લા 9 વર્ષથી જે રીતે અપનાવવામાં આવી છે તેને આગળના સમયમાં પણ આવી જ રીતે ચાલુ રાખવામાં આવશે અને દેશના કોઇપણ ક્ષેત્રમાં આતંકવાદ, ભાલગાવાદ અને રાષ્ટ્ર વિરોધી ગતિવિધિઓ સામે તેમની કડક કાર્યવાહી ચાલુ રહેશે. આ તમામ પગલાંઓમાં CAPF અને રાજ્ય પોલીસની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે.

અમિત શાહે જણાવ્યું હતું કે, આજે ભારત ઝડપી ગતિથી વિકસી રહેલું અર્થતંત્ર બની ગયું છે અને દેશની ઔદ્યોગિક સંસ્થાઓ, ખાણો, બંદરો અને એરપોર્ટને સુરક્ષિત રાખવાની જવાબદારી પણ આપણી જ છે. તેમણે ઉમેર્યું હતું કે, આવનારા દિવસોમાં સંરક્ષણ અને સુરક્ષાને ઝડપી બનાવવી પડશે. અમિત શાહે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી સરકારે આયુષ્માન CAPF યોજના હેઠળ 35 લાખથી વધુ આયુષ્માન CAPF કાર્ડનું વિતરણ કર્યું છે અને દેશભરની લગભગ 24 હજાર હોસ્પિટલોમાં જવાનો અને તેમના પરિવારો માટે કૅશલેસ તબીબી સારવારની વ્યવસ્થા પણ કરી છે. તેમણે આગળ કહ્યું હતું કે, આવાસ યોજના હેઠળ પણ, અમે આવાસ સંતુષ્ટિ રેશિયો વધારવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. 2015માં, 3,100 કરોડના ખર્ચે 13,000 ઘરો અને 113 બેરેક બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું, જેમાંથી 11,000 મકાનોનું કામ 2022 સુધીમાં પૂર્ણ થઇ ગયું છે. મોદી સરકાર 2026 સુધીમાં, આ 11 હજાર ઘરો ઉપરાંત, 28 હજાર 500 વધુ મકાનો બનાવીને જવાનોના પરિવારો માટે રહેવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરશે. તેમણે કહ્યું હતું કે, CAPF ઇ-આવાસ વેબ પોર્ટલ સપ્ટેમ્બર, 2022માં શરૂ કરવામાં આવ્યું હતું અને તેના આધારે 6 મહિનામાં 2 લાખ 17 હજાર કર્મચારીઓની નોંધણી કરવામાં આવી છે અને સંતુષ્ટિ ગુણોત્તરમાં મોટો ઉછાળો નોંધાયો છે. ખાલી પડેલા મકાનોમાં કોઇપણ દળના જવાનોને રહેવા દેવાની જોગવાઇ કરવાથી અત્યાર સુધીમાં બાંધવામાં આવેલા મકાનોની ઉપયોગીતામાં ઘણી હદે વૃદ્ધિ થઇ છે. તેમણે કહ્યું હતું કે નવેમ્બર, 2024માં આવાસ સંતુષ્ટિ ગુણોત્તર 73 ટકા થઇ હશે, જે આઝાદી પછી અત્યાર સુધીનો સૌથી વધુ રેશિયો હશે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, જે દેશના એરપોર્ટ અને બંદરો સુરક્ષિત નથી હોતા, તે દેશ પણ ક્યારેય સુરક્ષિત ન રહી શકે. તેમણે આગળ જણાવ્યું હતું કે, આજે આપણી સમક્ષ નકલી ચલણનો વેપાર, ઘૂસણખોરી અને માદક દ્રવ્યો સહિતના અનેક પડકારો છે અને તેનો સામનો કરવા માટે CISF પોતાના ઉજ્જવળ ઇતિહાસ સાથે દેશને સુરક્ષા પ્રદાન કરી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp