શું દિલ્હીમાં સરકારી કર્મચારીઓ કેન્દ્રથી નારાજ છે? આ 3 વિધાનસભાથી ખબર પડી જશે

PC: bjp.org

દિલ્હીમાં BJPએ બમ્પર જીત સાથે તમામ સાત લોકસભા બેઠકો કબજે કરી લીધી છે, પરંતુ સરકારી કર્મચારીઓએ BJPને કડક સંદેશો આપ્યો છે. સામાન્ય રીતે શાંતિથી કામ કરતા સરકારી કર્મચારીઓએ આ લોકસભા ચૂંટણીમાં પોતાના મત દ્વારા પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. સરકારી કર્મચારીઓની સૌથી વધુ સંખ્યા નવી દિલ્હી લોકસભા ક્ષેત્રમાં છે, જ્યાંથી BJPના બાંસુરી સ્વરાજ જીત્યા છે, પરંતુ આ જીતમાં પણ સ્વરાજ એ વિસ્તારોમાં પાછળ રહી ગયા, જ્યાં સરકારી કર્મચારીઓ સૌથી વધુ સંખ્યામાં રહે છે.

સરકારી કર્મચારીઓની દૃષ્ટિએ નવી દિલ્હી લોકસભાના ત્રણ મતક્ષેત્ર નવી દિલ્હી, દિલ્હી કેન્ટ અને RK પુરમ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો સાથે સંકળાયેલા મોટાભાગના કર્મચારીઓ અને અધિકારીઓ આ વિસ્તારોમાં રહે છે. નવી દિલ્હી લોકસભામાં આમ તો કુલ 10 વિધાનસભા આવે છે, જેમાંથી 7માં BJPના ઉમેદવાર બાંસુરી સ્વરાજ આગળ હતા, તેમાં માલવિયા નગર વિધાનસભામાં જ્યાંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર સોમનાથ ભારતી આવે છે, બાંસુરીએ BJPનો ઝંડો લહેરાવ્યો હતો. એટલું જ નહીં, દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજની ગ્રેટર કૈલાશ વિધાનસભામાં BJP આગળ હતું, પરંતુ કેન્દ્રીય કર્મચારીઓની સૌથી વધુ સંખ્યા ધરાવતી ત્રણેય વિધાનસભાઓમાં બાંસુરી સ્વરાજ પાછળ રહી ગયા હતા.

નવી દિલ્હી વિધાનસભામાં, જ્યાંથી દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ ધારાસભ્ય છે, કુલ 57668 મત પડ્યા, જેમાંથી સોમનાથ ભારતીને 29257 મત મળ્યા અને બાંસુરી સ્વરાજને માત્ર 26995 મતોથી સંતોષ માનવો પડ્યો, એટલે કે તફાવત 2200 મતનો હતો. દિલ્હી કેન્ટ એસેમ્બલીમાં કુલ 40174 વોટ પડ્યા, જેમાંથી BJPને 19029 વોટ મળ્યા અને આમ આદમી પાર્ટીને 20211 વોટ મળ્યા, એટલે કે તફાવત લગભગ 1200 વોટનો હતો. RK પુરમ વિધાનસભામાં કુલ 72439 મત પડ્યા હતા જેમાં સોમનાથ ભારતીને 35965 અને બાંસુરી સ્વરાજને 35053 મત મળ્યા હતા, એટલે કે મતોનો તફાવત 900 કરતા થોડો વધારે હતો. નિષ્ણાતોના મતે 60 થી 90 ટકા સરકારી કર્મચારીઓ આ ત્રણેય વિધાનસભાઓમાં રહે છે.

કેન્દ્ર સરકારના કર્મચારીઓની સૌથી મોટી માંગ નવા પગાર પંચને લઈને છે. સાતમા પગાર પંચની રચના વર્ષ 2014માં કરવામાં આવી હતી, જે વર્ષ 2016માં લાગુ કરવામાં આવી હતી. કેન્દ્રીય કર્મચારીઓ ઈચ્છે છે કે, આઠમા પગાર પંચની રચના જલ્દી કરવામાં આવે. આ સાથે કર્મચારી સંગઠનો પણ જૂની પેન્શન સ્કીમ (OPS)ને લઈને સતત અવાજ ઉઠાવી રહ્યાં છે. આ વર્ષે દિલ્હીમાં એક મોટી રેલી પણ બોલાવવામાં આવી હતી.

અહીં તમને જણાવી દઈએ કે, BJP ભલે ચૂંટણી પરિણામોમાં બહુમતીથી દૂર હોય, પરંતુ તેણે દિલ્હીની તમામ સાત બેઠકો જીતીને ક્લીન સ્વીપની હેટ્રિક હાંસલ કરી છે. અગાઉ 2014 અને 2019માં પણ મતદારોએ દિલ્હીની તમામ સાત બેઠકો BJPને આપી હતી. 1952 પછી આ પહેલી ચૂંટણી છે, જેમાં કોઈ પાર્ટીએ સતત ત્રીજી વખત દિલ્હીની તમામ સાત બેઠકો જીતી છે.

વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે, દિલ્હીમાં ચોમાસું આવવાનું છે, પરંતુ અમે જાણીએ છીએ કે, ગટરોની સફાઈ થઈ નથી અને આગામી સમયમાં ફરીથી તેમના (CM કેજરીવાલના) મંત્રીઓ નવા બહાના કરશે, પરંતુ આ વખતે અમે તેમને બહાના નહીં કરવા દઈએ અને આ વિજય માત્ર એક વિરામ છે. અમે અમારું કામ ફરી શરૂ કરીશું અને AAPને વિધાનસભામાંથી હાંકી કાઢીશું. અહીં તમને જણાવી દઈએ કે, વર્ષ 2025માં દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.

દિલ્હી કોંગ્રેસ શરૂઆતથી જ ગઠબંધનના પક્ષમાં ન હતી. આમ છતાં માત્ર ગઠબંધન જ ન થયું, પરંતુ ભારે વિરોધ પછી કન્હૈયા કુમારને ઉત્તર પૂર્વ દિલ્હીથી અને ઉદિત રાજને ઉત્તર પશ્ચિમ દિલ્હીથી ટિકિટ આપવામાં આવી. પૂર્વ સાંસદ અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ JP અગ્રવાલને ચાંદની ચોકથી ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. આ ત્રણેય ઉમેદવારો જંગી અંતરથી ચૂંટણી હારી ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp