
અમેઠીમાં, મોહમ્મદ આરીફ એક વર્ષ પહેલા એક ઘાયલ નાના સારસને તેના ઘરે લઇ આવ્યો હતો. તેની સંભાળ લીધી. તે પછી તેની સારસ સાથે મિત્રતા થઈ અને આ મિત્રતાની ચર્ચા લોકોની જીભે ચડી ગઈ હતી. જ્યારે તે સ્કૂટર પર ક્યાંક જતો ત્યારે તેની પાછળ સારસ ઉડતો ઉડતો જતો હતો. ગયા મહિને જ્યારે આ તસવીરો સોશિયલ મીડિયા પર વધુ વાયરલ થવા લાગી, ત્યારે ઉત્તર પ્રદેશના વન વિભાગે સારસને આરિફથી અલગ કરી દીધો હતો. સારસને કાનપુરના પ્રાણી સંગ્રહાલયમાં ક્વોરેન્ટાઈન કરવા માટે એક ખાસ એન્ક્લોઝરમાં રાખવામાં આવ્યો હતો. આરીફ સામે વન્યજીવ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
આરીફ ગઈ કાલે કાનપુર પ્રાણી સંગ્રહાલયમાં તેના આ જ સારસને જોવા ગયો હતો. ક્વોરેન્ટાઇનનો સમયગાળો પૂરો થયા બાદ આરિફને ત્યાં જવા દેવામાં આવ્યો હતો. આરીફને જોઈને વાડામાં બંધ સારસ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયો. તેની પાંખો ફફડાવીને તે વાડામાં કૂદતો રહ્યો. આરીફ નિરાશાથી બેચેન થઈને તેની સામે જોઈ રહ્યો. તે પણ શું કરી શકે? વન્યજીવ સંરક્ષણ કાયદો વન્ય પ્રાણીઓ અને પક્ષીઓ માટે આવો જ છે. તમે તમારા ઘરમાં કોઈ જંગલી પ્રાણી કે જંગલી પક્ષી રાખી શકતા નથી, તે દેશનો કાયદો છે.
આરિફે મીડિયાને કહ્યું, 'હું સારસથી દૂર રહીને ખૂબ જ પરેશાન છું. તે મારો મિત્ર છે અને તમે સમજી શકો છો કે જ્યારે કોઈ મિત્ર બીજા મિત્રથી જયારે અલગ થઈ જાય છે. જ્યારથી વન વિભાગ મારા મિત્ર સારસને ઉપાડી ગયો છે ત્યારથી હું ઘરે નથી ગયો.'
તેણે કહ્યું કે, 'જેવો જ સારસે મને પ્રાણી સંગ્રહાલયમાં જોયો, તેણે તરત જ મને ઓળખી લીધો. તેણે કૂદવાનું શરૂ કર્યું. તે તડપતો હતો, તે બહાર આવીને અમને મળવા માંગતો હતો. તેને લાગતું હશે કે હવે આરીફ આવી ગયો છે, તેને 15-20 દિવસથી કેદ કરવામાં આવ્યો છે, તો કદાચ આજે તેને બહાર કાઢીને ક્યાંક લઈ જવામાં આવે. જો કે, એવું કંઈ થયું નથી, કારણ કે વન્યજીવનના નિયમો અનુસાર, પ્રોટોકોલને અનુસરીને, અમે માત્ર એટલા જ મળ્યા જેટલો અમને સમય આપવામાં આવ્યો હતો.'
આરિફે કહ્યું, 'ત્યાં તેને નાના પાંજરામાં કેદ કરવામાં આવ્યો છે. પિંજરામાં કેદ થઈને કોઈનો ઈલાજ કેવી રીતે થઈ શકે.'
તેણે કહ્યું, 'અમે તેને ઘરમાં રાખ્યો ન હતો, તે ફક્ત એક મિત્ર હતો અને તે ફક્ત જંગલમાં જ રહેતો હતો.' જ્યારે પણ તેને ભૂખ લાગતી ત્યારે તે મારા દરવાજે આવીને ઉભો રહેતો હતો. તે ભોજન લેતો અને પછી તેના પરિવાર સાથે જંગલમાં જતો રહેતો. મારા ઘરથી જંગલ દોઢ કિલોમીટર જેટલું દૂર છે.'
આરિફે કહ્યું, 'સારસનું ક્વોરેન્ટાઇન સમાપ્ત થઈ ગયું છે, તો તેને મુક્ત કરી દેવો જોઈએ. મારી વિનંતી છે કે, તેને મુક્ત કરો અને તેને પક્ષી અભ્યારણ્યમાં શિફ્ટ કરો, જ્યાં તે પહેલા જેવું સામાન્ય જીવન જીવી શકે. જો તેનું દિલ ઈચ્છે તો જ્યાં તેને શિફ્ટ કરવામાં આવશે ત્યાંથી તે ઉડીને અમેઠી આવી શકે છે. ઉત્તર પ્રદેશમાં અનેક પક્ષી અભ્યારણ્ય છે, તેને ગમે ત્યાં ખસેડવું જોઈએ.'
તેણે કહ્યું, 'સારસ પ્રાણી સંગ્રહાલયના પાંજરામાં છે. તે ઉત્તર પ્રદેશનું રાજ્ય પક્ષી છે. તેને પાંજરામાં કેદ કરવો અમારા મતે યોગ્ય નથી. બાકીના જે નિયમો છે તેનું પણ અમે પાલન કરીશું. સારસ સામાન્ય રીતે જે રીતે જીવે છે, તે પણ તે રીતે જીવી શકે છે. જ્યાં ઘણા બધા સારસ છે, તેને તેમની વચ્ચે લઈ જઈને તેને છોડી દેવો જોઈએ, જ્યાં તે કેદ છે, તે એક પાંજરું છે, જેમાં તે એકલો છે.'
અખિલેશ યાદવ અને વરુણ ગાંધીના નિવેદનો અંગે આરિફે કહ્યું, 'આ રાજનીતિકરણ નથી, તે બધા તો તે પક્ષીને મુક્ત કરવાના સમર્થનમાં છે.'
Reaction of the Sarus crane at Kanpur Zoo after seeing his friend Arif Gujjar. Let this bird live freely with Arif. pic.twitter.com/JGgDL0P3iH
— • (@SpeakingTigers) April 11, 2023
તેણે કહ્યું કે, 'એક વર્ષ પહેલા ખેતરમાં સારસ જોવા મળ્યો હતો. તેનો પગ ભાંગી ગયો હતો. અમે તેની સારવાર કરી અને ત્યાર બાદ તે જંગલમાં જતો અને જ્યારે પણ તેને મન થાય ત્યારે તે અમને મળવા આવતો. 21મીએ તેને અમારા ખેતરમાંથી લઈ જવામાં આવ્યો હતો, ત્યાર બાદ આજે પહેલીવાર મળવાનો મોકો મળ્યો. જ્યારે અમે પૂછ્યું કે, અમે ફરી ક્યારે આવી શકીએ, તો તેમણે કહ્યું કે, 15-20 દિવસ પછી આવજો.'
તેણે કહ્યું, 'જ્યારે ડોકટરોને લાગે કે તે ઠીક છે, તો પક્ષી અભયારણ્યમાં જઈને તેને છોડી દો.'
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp