દિલ્હીમાં પહેલીવાર કરવામાં આવશે કૃત્રિમ વરસાદ, આ છે કારણ

PC: twitter.com

દિલ્હી-NCRમાં પ્રદુષણથી રાહત મળી નથી રહી. આ વચ્ચે રાજધાની દિલ્હીમાં આર્ટિફિશિયલ રેઇન એટલે કે કૃત્રિમ વરસાદ કરાવવાની યોજના છે. આના માટે દિલ્હીના પર્યાવરકણ મંત્રી ગોપાલ રાયએ એક બેઠક બોલાવી હતી અને બેઠક પછી મોટી જાહેરાત કરી હતી.

ગોપાલ રાયે પ્રદુષણનો સામનો કરવા માટે કેજરીવાલ સરકારે બનાવેલી યોજના વિશે બેઠક કરી હતી અને એ પછી તેમણે જાહેરાત કરી હતી કે, દિલ્હીમાં 20 અને 21 નવેમ્બર એમ બે દિવસ માટે કૃત્રિમ વરસાદ કરાવવામાં આવી શકે છે. દિલ્હીમાં કેજરીવાલ સરકાર પહેલીવાર આ રીતે વરસાદની યોજના બનાવી રહી છે. ગોપાલ રાયે વધુમાં કહ્યું કે જો 20-21 નવેમ્બરે આકાશમાં વાદળો છે અને તમામ પરવાનગીઓ મળી જશે તો કૃત્રિમ વરસાદ કરાવવામાં આવશે.

પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે બુધવારે સાંજે IIT કાનપુરની ટીમ સાથે આ બેઠક બોલાવી હતી. આમાં IIT કાનપુરે સંપૂર્ણ પ્લાન દિલ્હી સરકારને સુપરત કર્યો છે. હવે શુક્રવારે દિલ્હી સરકાર સુપ્રીમ કોર્ટને આ માહિતી આપશે. દિલ્હી સરકાર કૃત્રિમ વરસાદ કરવા માટે કેન્દ્ર સરકારનો સહયોગ માંગવા માટે સુપ્રીમ કોર્ટને વિનંતી કરશે. દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ઘણા વર્ષોથી 'ગંભીર' શ્રેણીમાં છે. સુપ્રીમ કોર્ટે પ્રદૂષણની સ્થિતિને લઈને પણ સવાલો ઉઠાવ્યા હતા.

બેઠક પહેલા દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યુ હતું કે IIT કાનપુર તરફથી કૃત્રિમ વરસાદ કરાવવા માટેની કોઇ દરખાસ્ત મળી નથી. ગોપાલ રાયે વધુમાં જણાવ્યું હતું કે IIT કાનપુર પાસે એવા વિસ્તારો માટે એક ફોર્મ્યુલા છે જ્યાં વરસાદના દિવસોમાં (નોચોમાસું) વરસાદ નથી પડતો, પરંતુ શિયાળાની સિઝનમાં કૃત્રિમ વરસાદ માટે ફોર્મ્યુલા તૈયાર નથી.

દિલ્હી સરકારે IIT કાનપુરને વિનંતી કરી હતી કે શિયાળાની સિઝનમાં પ્રદુષણ દરમિયાન ઓછા વરસાદને લઇને એક યોજના બનાવે અને દરખાસ્ત સરકારની સામે મુકે. એ બાબતે બુધવારે ચર્ચા થઇ હતી.

દિલ્હી-NCRમા પ્રદૂષણનું સ્તર દિવસે ને દિવસે ખરાબ થતું જાય છે. લોકોનું શ્વાસ લેવાનું મુશ્કેલ બન્યું છે. આ બધા વચ્ચે દિલ્હી સરકારે શાળાઓમાં રજા એડવાન્સમાં આપી દીધી છે. હવે 9-18 નવેમ્બર સુધી શાળાઓ બંધ રહેશે. આ નિર્ણય વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. આ સાથે જ દિલ્હીમાં અન્ય રાજ્યોની કેબને પણ પ્રવેશ મળશે નહીં. આ પ્રતિબંધ ટેક્સીઓ પર ક્યાં સુધી લાગુ રહેશે, તે અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. રિપોર્ટ મુજબ 13થી 20 તારીખ સુધી દિલ્હીમાં ઓડ-ઈવન યોજના લાગૂ કરી દેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp