CM કેજરીવાલનું જેલ જવાનું નક્કી? કેન્દ્રીયમંત્રીની આ વાત પરથી તો એવું જ લાગે છે

PC: theweek.in

દિલ્હી આબકારીનીતિ કૌભાંડ કેસમાં આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભાના સાંસદ સંજય સિંહની ધરપકડ બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ તરફ ઈશારો કર્યો છે. તેમણે કહ્યું કે, દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સહિત બાકી આરોપીઓને જેલ થઈ ચૂકી છે, હવે આ કૌભાંડના માસ્ટરમાઈન્ડનો વારો જલદી જ આવશે, જે અત્યાર સુધી બહાર છે. માનવામાં આવી રહ્યું છે કે અનુરાગ ઠાકુરના નિવેદનમાં ‘કૌભાંડના માસ્ટરમાઈન્ડ’નો અર્થ કોઈ બીજું નહીં, પરંતુ અરવિંદ કેજરીવાલ જ છે.

દિલ્હીના ભાજપના સાંસદ મનોજ તિવારીએ પણ કહ્યું કે, ‘પાપી ભલે ગમે તેટલો ચતુર કેમ ન હોય, તેને એક દિવસ સજા જરૂર મળે છે. જે મહિલાઓના ઘર સામે દારૂની દુકાનો ખૂલવાથી તેમના બાળકો દારૂડિયા થઈ ગયા, તેમનો શ્રાપ પોતાનું કામ કરી રહ્યો છે. સંજય સિંહની ધરપકડ કરી જ લેવામાં આવી છે. તપાસની આંચ જલદી જ કેજરીવાલ સુધી પણ પહોંચશે.’ તો દિલ્હી ભાજપના ઉપાધ્યક્ષ કપિલ મિશ્રાએ પણ આરોપ લગાવ્યા કે કેજરીવાલ સરકારની નીતિથી હજારો પરિવાર નષ્ટ થઈ ગયા.’

એ સિવાય ભાજપ નેતા ગૌરવ ભાટિયાએ દિલ્હીના મુખ્યમંત્રી પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા. કહ્યું કે, તેઓ જ પોતાના સાંસદો અને મંત્રીઓને મજબૂર કરીને પોતાનો ખજાનો ભરાવે છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહની આબકારીનીતિ કૌભાંડ કેસમાં ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે દિલ્હીના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન પર મની લોન્ડ્રિંગનો આરોપ છે. તેમને EDએ પકડ્યા છે અને હવે ભાજપના મંત્રીઓ, સાંસદો અને નેતાઓના નિવેદનોથી એ જ લાગે છે કે તપાસની આંચ કેજરીવાલ સુધી જશે, પરંતુ કેજરીવાલ વિરુદ્ધ અત્યાર સુધી પુરાવા કેટલા પૂરતા છે? છે કે નહીં? એ ખબર નથી.

એપ્રિલના મધ્યમાં CBIએ દિલ્હીના મુખ્યમંત્રીને આ કેસના સંબંધમાં પૂછપરછ માટે બિaલાવ્યા હતા. જો કે, તેમને આરોપી નહીં, પરંતુ સાક્ષી તરીકે બોલાવવામાં આવ્યા હતા. CBIએ પૂછપરછ બાદ છોડી દીધા, પરંતુ દાવો છે કે, ED પાસે કેજરીવાલ સાથે સંબંધિત એક વિટનેસ છે. દિનેશ અરોડા એક બિઝનેસમેન, જે કૌભાંડમાં આરોપી છે, ત્યારબાદ તે સરકારી સાક્ષી બની ગયો. દિનેશ અરોડાના EDનએ આપેલ નિવેદન મુજબ તે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ સાથે તેમના જ આવાસ પર મળ્યો હતો. સંજય સિંહ પણ ત્યાં જ હતા.

જાણકારોનું કહેવું છે કે, સંજય સિંહ સાથે મુલાકાત બાદ જ દિનેશ, મનીષ સિસોદિયાના સંપર્કમાં આવ્યો હતો. ભાજપના નેતાઓનું કહેવું છે કે જેલમાં બંધ આમ આદમી પાર્ટીના નેતાઓ કે સરકારી સાક્ષીઓમાંથી જ કોઈ એક કેજરીવાલનું નામ લેશે. દિલ્હીની આબકારીનીતિમાં કથિત અનિયમિતતાઓનો સંદર્ભ આપતા દિલ્હીના ઉપરાજ્યપાલે CBI તપાસની ભલામણ કરી હતી. ત્યારબાદ કેજરીવાલે નીતિ પરત લઈ લીધી. પછી આ મામલે એક બાદ એક ધરપકડ થઈ.

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં CBIએ એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીના પૂર્વ CEO વિજય નાયરની ધરપકડ કરી હતી. કથિત આ કંપનીનો સંબંધ AAP સાથે હતો. CBIની FIR મુજબ, નાયર આબકારીનીતિ બનવા અને લાગૂ કરવામાં થયેલી અનિયમિતતાઓમાં સામેલ હતો. જો કે, AAPએ કહ્યું કે, નાયર માત્ર એક પાર્ટી કાર્યકર્તા હતો અને તેનો આબકારીનીતિ સાથે કોઈ સંબંધ નહોતો. પછી એ જ મહિને EDએ દારૂ રિટેલર સમીર મહિન્દ્રુની ધરપકડ કરી.

કેસમાં CBI બીજી ધરપકડ રોબિન ડિસ્ટિલરિઝના ડિરેક્ટર અભિષેક બોઇનપલ્લી. તેના પર કોઈ બિઝનેસમેનને નફો પહોંચાડવા માટે પેરવી કરવાના આરોપ લાગ્યા હતા. પછી નવેમ્બર 2022માં EDએ અરવિંદ ફાર્માના સરથ રેડ્ડી અને દારૂની મોટી કંપની પર્નો રેકોર્ડના એક કાર્યકરી બેનોય બાબુની ધરપકડ કરી હતી. સરથ રેડ્ડી ત્યારથી કેસમાં સરકારી સાક્ષી બની ગયો છે. પછી આ વર્ષની શરૂઆતમાં સૌથી મોટી ધરપકડ થઈ. 8 કલાકની પૂછપરછ બાદ દિલ્હીના તત્કાલીન નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ધરપકડ થઈ. આ મહિને EDએ YSRCPના એક સાંસદના દીકરા રાઘવનની ધરપકડ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp