આંબેડકરના પૌત્રે મંદિરનું આમંત્રણ નકાર્યું, મારા દાદાએ પહેલેથી જ ચેતવેલો...
ઘણા વિપક્ષી નેતાઓની જેમ વંચિત બહુજન અઘાડીના નેતા પ્રકાશ આંબેડકરે પણ અયોધ્યામાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવાનો ઇનકાર કરી દીધો છે. તેમણે રામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના આમંત્રણને ફગાવી દીધું છે અને તેને ચૂંટણી લાભ માટે આયોજિત કાર્યક્રમ ગણાવ્યો છે. તેમણે ટ્રસ્ટના સચિવ ચંપત રાયને લખેલા પત્રમાં કહ્યું, 'હું આ સમારોહમાં હાજરી આપીશ નહીં. મારા ભાગ ન લેવાનું કારણ એ છે કે, BJP અને RSSએ તેને કબજે કરી લીધો છે. ધાર્મિક વિધિ એ ચૂંટણીના લાભ માટે રાજકીય ઝુંબેશ બની ગઈ છે.'
વધુમાં, તેમના દાદા બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના શબ્દોનો ઉલ્લેખ કરતા, તેમણે કહ્યું છે કે, મારા દાદાએ પહેલેથી જ ચેતવણી આપી હતી કે, જો કોઈપણ ધર્મ અથવા સંપ્રદાયને દેશથી ઉપર રાખવામાં આવશે, તો આપણે સ્વતંત્રતા ગુમાવી દઈશું. તેમણે લખ્યું, 'મારા દાદાએ ચેતવણી આપી હતી કે, જો રાજકીય પક્ષો ધર્મ અને સંપ્રદાયને દેશથી ઉપર રાખશે, તો બીજી વખત આપણી સ્વતંત્રતા જોખમમાં આવી જશે અને આ વખતે કદાચ આપણે તેને કાયમ માટે ગુમાવી દઈશું.' પ્રકાશ આંબેડકરે કહ્યું કે, આજે આ ડર સાચો સાબિત થયો છે. ધર્મ અને સંપ્રદાયને દેશથી ઉપર રાખનાર BJP-RSSએ પોતાના રાજકીય લાભ માટે આ સમારોહને હડપી લીધો છે. અહીં તમને જણાવી દઈએ કે, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે ડૉ. આંબેડકરના પરિવારને પણ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના સમારોહ માટે આમંત્રણ આપ્યું હતું. આ ઉપરાંત ટ્રસ્ટ દ્વારા અનુસૂચિત જાતિના અન્ય પ્રતિષ્ઠિત લોકોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
પ્રકાશ આંબેડકર ઉપરાંત NCP નેતા શરદ પવારે પણ રામ મંદિરના આમંત્રણને ઠુકરાવી દીધું છે. એટલું જ નહીં, તેમના સિવાય કોંગ્રેસે પણ આ આમંત્રણને ફગાવી દીધું છે. અહીં તમને જણાવી દઈએ કે, પ્રકાશ આંબેડકર મહારાષ્ટ્રની અકોલા સીટથી બે વખત સાંસદ રહી ચૂક્યા છે, પરંતુ તેમને 2014 અને 2019માં હારનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે તે INDIA Alliance સાથે ગઠબંધન કરી શકે છે. જો કે NDA તરફથી રામદાસ આઠવલેએ પણ તેમને સાથે આવવા આમંત્રણ આપ્યું છે. આટલું જ નહીં, તાજેતરમાં તેમણે કહ્યું હતું કે, જો તેઓ અમારી સાથે આવે તો હું તેમને કેન્દ્રીય પ્રધાન તરીકે મારું પદ આપવા તૈયાર છું. આ માટે તે અકોલા લોકસભા સીટ પરથી ચૂંટણી પણ લડી શકે છે, અમે તેને NDA વતી આ સીટ આપી દઈશું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp