રામ આવતાં જ વરસશે 'લક્ષ્મી', થશે 50 હજાર કરોડનો ફાયદો, કોને મળશે સૌથી વધુ પૈસા
22 જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રી રામ મંદિરનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. તમામ તૈયારીઓ તેના અંતિમ તબક્કામાં છે. આ ઐતિહાસિક પગલાથી અયોધ્યા સમગ્ર વિશ્વમાં પર્યટન શહેર તરીકે વિકસિત થશે. અયોધ્યાની સાથે સમગ્ર દેશને તેનો લાભ મળશે. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની સાથે જ દેશ પર 'લક્ષ્મી'નો વરસાદ પણ શરૂ થશે. માત્ર જાન્યુઆરીમાં આ કાર્યક્રમ પૂરો થવા સુધી 50 હજાર કરોડ રૂપિયાથી વધુની કમાણી થશે.
કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ ખંડેલવાલનું કહેવું છે કે, 22મી જાન્યુઆરીએ અયોધ્યા ધામમાં શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ દરેક રીતે ઐતિહાસિક બનવાનો છે. આ માટે દેશભરના તમામ વર્ગના લોકોમાં અપાર ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. આ જ કારણ છે કે, શ્રી રામ મંદિરની આ તારીખથી દેશમાં 50 હજાર કરોડ રૂપિયાથી વધુનો વધારાનો બિઝનેસ થશે. વ્યાપારીઓએ પણ આ માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે.
CATના અધ્યક્ષ B.C.ભરતિયા અને પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે, વિશ્વ હિન્દુ પરિષદના આહવાન પર 1 જાન્યુઆરીથી દેશભરમાં શ્રી રામ મંદિરના ઉદ્ઘાટનની ઝુંબેશની જાહેરાત કરવામાં આવી છે અને દેશભરના લોકોમાં જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમાં દેશના તમામ રાજ્યોમાં વેપારની વિશાળ તકો દેખાઈ રહી છે. આગામી જાન્યુઆરી મહિનામાં જ 50 હજાર કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ થવાનો અંદાજ છે.
ખંડેલવાલે જણાવ્યું કે, દેશના તમામ બજારોમાં શ્રી રામ ધ્વજા, શ્રી રામ અંગવસ્ત્ર અને શ્રી રામની તસવીર સાથે અંકિત તોરણો, લોકેટ્સ, ચાવીના લોકેટ, રામ દરબારની તસવીરો, રામ મંદિરના મોડલની તસવીરો, સુશોભિત લટકણિયાં, બ્રેસલેટ સહિતની તમામ વસ્તુઓ વેચાણ માટે ઉપલબ્ધ છે. આમાં પણ રામ મંદિરના મોડલની માંગ ઘણી વધારે છે અને આ મોડલ હાર્ડબોર્ડ, પાઈનવુડ, લાકડા વગેરેમાંથી અલગ-અલગ સાઈઝમાં બનાવવામાં આવી રહ્યા છે.
ખંડેલવાલે કહ્યું કે, આ મોડલ બનાવવામાં મોટી સંખ્યામાં મહિલાઓ રોજગાર મેળવી રહી છે. તમામ રાજ્યોમાં સ્થાનિક કારીગરો, કલાકારો અને હાથથી કામ કરતા કામદારોને પણ જોરદાર બિઝનેસ મળી રહ્યો છે. શ્રી રામ મંદિરનો આ દિવસ દેશમાં વેપારની સાથે રોજગારીની નવી તકો પણ ઉભી કરી રહ્યો છે. મોટી સંખ્યામાં કુર્તા, T-શર્ટ અને અન્ય કપડાં પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે જેના પર શ્રી રામ મંદિરના મોડેલને હાથથી ભરતકામ કરવામાં આવી રહ્યું છે, અથવા તો પ્રિન્ટિંગ થઈ રહ્યું છે અને ખાસ વાત એ છે કે, કુર્તા બનાવવામાં મૂળભૂત રીતે ખાદીનો ઉપયોગ કરવામાં આવે છે.
ખંડેલવાલે જણાવ્યું હતું કે, 22 જાન્યુઆરીને દેશભરમાં દિવાળીની જેમ ઉજવણી કરવાના આહ્વાનને ધ્યાનમાં રાખીને, માટીના દીવા, રંગોળી બનાવવા માટે વિવિધ રંગો, ફૂલોની સજાવટ માટે ફૂલો અને બજારો અને ઘરોમાં લાઇટિંગ માટે ઇલેક્ટ્રીકલ વસ્તુઓ ઉપલબ્ધ કરાવવાના વિભાગોને પણ મોટા પ્રમાણમાં વ્યાપાર મળવાની સંભાવના છે. આ ઉપરાંત રસ્તાઓ પર લગાવવામાં આવેલા હોર્ડિંગ્સ, પોસ્ટર, બેનરો, પત્રિકાઓ, અન્ય સાહિત્ય, સ્ટીકરો સહિતની પ્રચાર સામગ્રીનો પણ મોટો વેપાર થશે. દેશના તમામ વર્ગોને આ સમગ્ર અભિયાનનો લાભ મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp